Trending

પશ્ચિમ બંગાળ ચૂંટણી Phase-1માં ચોંકાવનારી વિગતો

294 ઉમેદવારો સામે ગંભીર ગુનાહિત કેસ, 98 પર મહિલાઓ સામેના ગુનાઓના આરોપ

Association for Democratic Reforms (ADR) દ્વારા જાહેર કરાયેલા વિશ્લેષણ મુજબ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પ્રથમ તબક્કામાં મેદાનમાં ઉતરેલા ઉમેદવારો અંગે ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ કુલ ઉમેદવારોમાંથી 294 ઉમેદવારો સામે ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે, જ્યારે 98 ઉમેદવારો સામે મહિલાઓ સામેના ગુનાઓ સંબંધિત કેસ નોંધાયેલા છે.

Election Watch દ્વારા ઉમેદવારોના સ્વ-જાહેર કરાયેલા હલફનામાના આધારે તૈયાર કરાયેલા આ વિશ્લેષણમાં જણાવાયું છે કે પ્રથમ તબક્કામાં 1475 ઉમેદવારોમાંથી 345 ઉમેદવારો (લગભગ 23%) સામે ગુનાહિત કેસ નોંધાયેલા છે, જેમાંથી 294 ઉમેદવારો સામે ગંભીર ગુનાઓના કેસ છે.

મહિલાઓ સામેના ગુનાઓના કેસમાં પણ ચિંતાજનક આંકડા : રિપોર્ટ મુજબ કુલ 98 ઉમેદવારો સામે મહિલાઓ સામેના ગુનાઓ સંબંધિત કેસ નોંધાયેલા છે. તેમાં કેટલાક ઉમેદવારો સામે બળાત્કાર સંબંધિત કેસ પણ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. આ આંકડાઓને લઈને ચૂંટણી પ્રક્રિયામાં ઉમેદવારોની પૃષ્ઠભૂમિ અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.

હત્યા અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર કેસ પણ નોંધાયેલા : ADRના વિશ્લેષણ મુજબ કેટલાક ઉમેદવારો સામે હત્યા અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર કેસો પણ નોંધાયેલા છે. રિપોર્ટ મુજબ 19 ઉમેદવારો સામે હત્યાના કેસ અને 105 ઉમેદવારો સામે હત્યાના પ્રયાસના કેસ નોંધાયેલા હોવાનું જણાવાયું છે.

મોટા પક્ષોના ઉમેદવારોમાં પણ ગુનાહિત કેસ : પાર્ટીવાર વિશ્લેષણ મુજબ મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારોમાં પણ ગુનાહિત કેસ ધરાવતા ઉમેદવારોની સંખ્યા નોંધપાત્ર છે. રિપોર્ટ અનુસાર ભાજપના લગભગ 70% ઉમેદવારો, તૃણમૂલ કોંગ્રેસના 43%, CPI(M)ના 44% અને કોંગ્રેસના 26% ઉમેદવારો સામે ગુનાહિત કેસ જાહેર કરાયેલા છે.

66 બેઠકો ‘રેડ એલર્ટ’ તરીકે જાહેર : વિશેષ નોંધનીય બાબત એ છે કે પ્રથમ તબક્કાની 152 બેઠકોમાંથી 66 બેઠકોને “રેડ એલર્ટ” કેટેગરીમાં મૂકવામાં આવી છે, એટલે કે આ બેઠકોમાં ત્રણ અથવા વધુ ઉમેદવારો સામે ગુનાહિત કેસ નોંધાયેલા છે.

ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતાને લઈને ઉઠ્યા પ્રશ્નો : આ આંકડાઓ સામે આવ્યા બાદ ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અને રાજકીય પક્ષોની જવાબદારી અંગે પ્રશ્નો ઊભા થયા છે. નિષ્ણાતોનું માનવું છે કે ગંભીર ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારોની મોટી સંખ્યા લોકશાહી માટે ચિંતાજનક સંકેત માનવામાં આવે છે. હાલ આ મુદ્દે ચૂંટણી પંચ અને રાજકીય પક્ષોની પ્રતિક્રિયા પર સૌની નજર ટકેલી છે. પશ્ચિમ બંગાળ ચૂંટણીના પ્રથમ તબક્કા પહેલા આવેલા આ આંકડાઓ રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે.

Most Popular

To Top