Columns

આઉટ ઓફ બોકસ: LCD, LED, માઇક્રો LED, OLED TV બાબુજી કયા કયા દેખોગે?

રતમાં કે દુનિયામાં ટેલિવિઝનનો ઇતિહાસ ખાસ જૂનો નથી. આજે જે 40 કે 60 વરસના થયા છે તેઓ જાણે છે કે ટેલિવિઝનની ટેકનોલોજી કેટલી ઝડપથી બદલાતી રહી. 4 દાયકા અગાઉ લોકો રસ્તા વચ્ચે પરદો બાંધી, ભાડાના સોળ MMના પ્રોજેકટર વડે ફિલ્મો જોતા. પરદાની બંને બાજુએ ફિલ્મ દેખાતી અને ધૂંધળી દેખાતી. પવન આવે અને પરદો હલે તે મુજબ કલાકારોનું કદ જાડું, પાતળું, લાંબું, ટૂંકું થતું. છતાં પરદાની બંને બાજુ રસ્તો પ્રેક્ષકોથી ચિક્કાર બની જતો. ચિત્ર એટલું ઝાંખું દેખાતું કે એ ઓપનએર મજા રાત્રે જ લઇ શકાય. બીજો ફાયદો એ થતો કે ટ્રાફિકને લગતી તકલીફ ખાસ નડતી નહીં.

પટારાના કદના જૂના TV બોકસ આજે ઘણા યાદ કરે છે. કેટલાક ‘જાને કહાં ગયે વો દિન’ ગાઇ વગાડીને અકારણ દુ:ખી થાય છે. બેશક સાથે બેસીને TV અને ફિલ્મો જોવાની એક મજા હતી પણ અમુકને લાગે છે કે ન વો ઇશ્ક મેં રહી ગર્મિંયાં, ન હુશ્ન મેં રહી શોખિયાં. વાસ્તવિકતા એ નથી પણ એ છે કે આપણી આસપાસ મનોરંજન અને મનોરંજનની શ્રેષ્ઠ ટેકનોલોજીનો એટલો રાફડો ફાટયો છે કે હવે તેની કિંમત રહી નથી પરંતુ કિશોરો અને યુવાનોને હજી નવી ટેકનોલોજીમાં રસ પડે છે. આ નવું પ્રાપ્ત કરવાની, શોધવાની વૃત્તિ મગજમાં હોય છે જે જગતના અર્થતંત્રને ચલાયમાન રાખે છે. મોબાઇલ ફોન, ટેલિવિઝન, ફિલ્મ પ્રોજેકશન વગેરેમાં એટએટલાં ઝડપી અને સામૂહિક પરિવર્તનો આવ્યાં છે અને આવી રહ્યાં છે કે તેની સાથે અપડેટ રહેવા માટેનો સમય પણ માણસ પાસે નથી.

ટેલિવિઝન સ્ક્રીનની વાત કરીએ તો હજી થોડાં વરસ અગાઉ LCD આવ્યા અને પ્લાઝમા આવ્યા. ત્યાર બાદ LED આવ્યા અને હવે ઓલેડ અને અન્ય નવી ભાતના TV આવી ગયા છે અને કેટલાક આવવાના છે માટે કમાણી કરતા રહેજો અને કરાવતા રહેજો. જે રીતે સેલફોન અને મોટરકારની બાબતમાં આપણે કરી રહ્યા છીએ. LED TVની ઇમેજ બ્રાઇટ અને હાઇડેફિનેશન ધરાવતી વધુ સ્પષ્ટ હોય છે. જયારે ઓલેડ સ્ક્રીન પર રંગોની અસર અને રંગોનો વિરોધાભાસ વધુ માણવાલાયક જણાય. પરંતુ બંનેમાં જે નોંધપાત્ર તફાવત છે તે એ છે કે ઓલેડ TV સ્ક્રીનમાં પાછળના ભાગમાં લાઇટનો સોર્સ હોતો નથી તેથી તેની સ્ક્રીન LED કરતાં પણ વધુ પાતળો રાખી શકાય છે.

દીવાલમાં કોઇ ચિત્રની ફ્રેમ બેસાડી હોય તેવું લાગે. જો કે ઓલેડ સ્ક્રીનનું નિર્માણ LED કરતાં વધુ જટિલ છે. તે કારણથી ઓલેડ TV LED કરતાં કિંમતમાં વધુ મોંઘાં પડે છે. એ જ કદના LED કરતાં તે બમણી કિંમતે પડે છે. પરંતુ લોકો આજે દોઢ લાખ રૂપિયાનો સ્માર્ટફોન ખરીદે છે અને વધુમાં વધુ 3 વરસ વાપરીને બદલાવી નાખે છે તેઓને ઓલેડ TV પણ જરૂર પોસાશે. LED અને OLED (અર્થાત ઓલેડ) વચ્ચેનો તફાવત જોઇએ તો LED લિક્વિડ ક્રિસ્ટલ (ઇનઓર્ગેનિક લાઇટ એમિટિંગ) ડીઓડસ આધારિત ટેકનોલોજી છે જયારે ઓલેડ એ ઓર્ગેનિક લાઇટ એમિટિંગ ડીઓડ્‌સ આધારિત છે. સરળ ભાષામાં એકમાં ડીઓડ્‌સ ઇનઓર્ગેનિક છે જયારે બીજીમાં ઓર્ગેનિક છે.

ઓલેડ અને LED ટેકનોલોજીમાં જે સુધારાઓ વ્યવહારમાં આવવાના છે તે દર્શાવે છે કે હવે નજીકના ભવિષ્યમાં જ ટેલિવિઝન સ્ક્રીન ગોળ ભૂંગળું વાળી શકાય તેવી પણ હશે અને પૂર્ણપણે કાચ જેવી પારદર્શક પણ હશે. તેનો અર્થ કે ફેમિલી મેમ્બરના ફોટોગ્રાફની મોટી ફ્રેમ પર આપણે TV પણ ચીટકાડી શકીશું. TV ચાલશે ત્યારે TVના વધુ રંગીન વધુ ચોખ્ખા દૃશ્યો જોઇ શકાશે અને બંધ હશે ત્યારે લોકોને ફેમિલી ફોટોગ્રાફ (કે પછી અન્ય કંઇ) દીવાલ પર જોવા મળશે. દક્ષિણ કોરિયાની સેમસંગ અને ટેલિવિઝનોનું નિર્માણ કરતી દુનિયાની સૌથી મોટી કંપની TCL ઇલેકટ્રોનિકસ LED TVના નિર્માણ પર ધ્યાન આપી રહી છે. તેની સામે દક્ષિણ કોરિયાની જ LGએ ઓલેડ પર ફોકસ માંડયું છે.

આ ત્રણેય કંપનીઓ મળીને જગતમાં ટેલિવિઝનના વેચાણમાં 40%થી વધુ હિસ્સો ધરાવે છે. LED TV માટે LED ટર્મ અથવા નામ વૈજ્ઞાનિક રીતે બંધબેસતું નથી. વાસ્તવમાં તેના સ્ક્રીનમાં જે મહત્ત્વનો પાર્ટ હોય છે તે ‘લિક્વિડ ક્રિસ્ટલ’ હોય છે. આ ક્રિસ્ટલ ખૂબ નાના કદના, ઇલેકટ્રોનિકસ વડે નિયમન કરાતા એક પ્રકારના શટર (અથવા શટર્સ) હોય છે જે જરૂરી માત્રામાં પ્રકાશને પ્રવેશવા દે છે અથવા અવરોધી રાખે છે. જેને આપણે ‘પિકસેલ’ તરીકે ઓળખીએ છીએ તે એક પિકચરના સૂક્ષ્મ હિસ્સાઓ હોય છે અને તે બધા ગોઠવાઇને ચિત્ર બનાવે.

આવા પ્રત્યેક અથવા વ્યકિતગત પિકસેલ આગળ જણાવેલા ક્રિસ્ટલોની ત્રિપુટી ધરાવતો હોય છે. આ ત્રણેય અલગ અલગ રીતે પ્રાથમિક અથવા પાયાના ગણાતા ત્રણ રંગો લાલ, લીલો અને બ્લ્યૂ (વાદળી)ની આવનજાવનનું નિયંત્રણ કરે છે. આ ત્રણ રંગનો વહીવટ કરવાની વ્યવસ્થાની પાછળ એક તેજ અને સફેદ બેકલાઇટ હોય છે જે આજના લાઇટ એમિટિંગ (પ્રકાશ ફેંકતા) ડીઓડ્‌સ દ્વારા પેદા થાય છે. આ ટેકનોલોજીમાં અગાઉ આ પ્રકાશના સોર્સ તરીકે સફેદ ફલોરોસન્ટ બલ્બ રહેતા હતા. બીજી તરફ ઓલેડ TVમાં કોઇ બેકલાઇટ અથવા પાછળની તરફે પ્રકાશની યંત્રણા હોતી નથી. ઓલેડમાં જે ક્રિસ્ટલ હોય છે તે ઓર્ગેનિક હોય છે અને જયારે તેને વીજળીનો પ્રવાહ અપાય છે ત્યારે દરેક ક્રિસ્ટલ પ્રકાશમાન થાય છે.

પણ તે ક્રિસ્ટલો અલગ અલગ પ્રકારના ઓર્ગેનિક પદાર્થોના બનેલા હોવાથી અલગ અલગ રંગો અને તેની ઝાંયમાં પ્રકાશ છોડે છે. આ રીતે અનેક પ્રકારના રંગોનું મિશ્રણ થાય છે. ઓલેડ અને LED વચ્ચે બીજો એક તફાવત છે. જયારે ઓલેડ પિકસેલને સ્વીચ ઓફ કરી દેવાય ત્યારે તેનો રંગ ડીપ ડાર્ક બ્લેકમાં ફેરવાઇ જાય છે પરંતુ બીજી તરફ એ LEDને બંધ કરો ત્યારે પણ તેના શટર્સ અમુક પ્રકાશને છટકવા દે અને તેથી તે કાળા રંગમાં નહીં પરંતુ ગ્રે કલરમાં દેખાય. આથી પ્રકાશિત અને અપ્રકાશિત પિકસેલમાં એટલો કોન્ટ્રાસ્ટ (તફાવત, વિરોધાભાસ) જોવા મળતો નથી જેટલો ઓલેડમાં જોવા મળે. મતલબ કે ઓલેડ TVમાં રંગો વધુ નિખરી આવે જયારે LEDમાં તે ગ્રે અથવા ઝાંખા દેખાય.

બેકલાઇટની આ તકલીફના ઉપાય તરીકે હવે માઇક્રો-LED ટેકનોલોજી વિકસાવાઇ છે. નોર્મલ LEDની સરખામણીમાં આ માઇક્રો LED એટલા સૂક્ષ્મ હોય છે કે તેનું સંયોજન ઓલેડની માફક પિકસેલ રચવા માટે થઇ શકે છે. સેમસંગ દ્વારા ‘ધ વોલ’ નામક TVનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેના બે ખૂણા વચ્ચેનું અંતર 12 ફૂટથી વધારે છે. બીજી તરફ જપાનની સોની કંપનીએ પણ માઇક્રો-એ LED સિસ્ટમ ધરાવતી TV પેનલો તૈયાર કરી છે. આ પેનલના એક નંગમાં પણ TVનું ચિત્ર જોઇ શકાય અને એ પેનલોને બાથરૂમની દrવાલની ટાઇલ્સની માફક એકમેકની બાજુમાં ગોઠવતા જાઓ તો ચિત્ર પણ વિશાળ બનતું જાય.

તમે ધારો એવડો મોટો TV સ્ક્રીન એ મોડયુલર સ્ક્રીન પેનલમાંથી તૈયાર કરી શકો. રમતગમતના મેદાનોમાં અને બીજા કોમર્શિયલ હેતુઓ માટે તેનો ઉપયોગ થઇ રહ્યો છે અને હવે બજારમાં ઘર વપરાશ માટે એ પેનલો મળતી થશે. EMI ચૂકવવાનું ટેન્શન ન લેવું હોય તો પાસે પૈસા આવે ત્યારે વધુ એક પેનલ ખરીદીને TVને મોટું અને વધુ મોટું બનાવી શકાય પણ શકય છે કે તમે ધાર્યું હોય એટલું મોટું બને તે અગાઉ કોઇ નવી ટેકનોલોજી, તદ્દન નવા પ્રકારના જ TV બજારમાં આવી ગયા હોય. ગયા વરસે લાસ વેગાસ ખાતે જગતનો મશહૂર કન્ઝયુમર ઇલેકટ્રોનિકસ મેળાવડો યોજાયો હતો ત્યારે સેમસંગે 110 ઇંચનું માઇક્રો LED TV પ્રદર્શનમાં મૂકયું હતું.

9 ફૂટ કે તેથી મોટું TV ઘરમાં હોય તો સિનેમા જોવા જવાની શી જરૂર? તેમાંય OTTના આ યુગમાં હવે મનોરંજન નહીં પીરસવા માટે વિનંતીઓ કરવી પડે છે. જોવા માણવાનાં આમંત્રણો ઠુકરાવવા પડે છે. આવા TV ઘરની દrવાલો પર કાગળની જેમ ચીટકાડી શકાશે તો સિનેમા થિયેટરોનો જે થોડો ઘણો પ્રાણ ટકી રહેલો છે તે પણ જતો રહેશે. જો કે આવe 110 ઇંચના TVની કિંમત 1 કરોડ 15 લાખ રૂપિયાથી પણ વધુ હશે. જો કે જેમ જેમ વેચાણ વધે તેમ તેમ ઉત્પાદન ખર્ચ ઘટવાથી કિંમતો નીચે આવશે. થશે એવું કે અગાઉ TVવાળા ઘરમાં પાડોશીનાં બાળકો TV જોવા જતા તેમ હવે શ્રીમંતોના ઘરે મધ્યમ વર્ગનાં બાળકો જશે.

ઇલેકટ્રોનિકસમાં નવી ટેકનોલોજી આવે ત્યારે પ્રારંભમાં મોંઘી હોય. વરસ 1954માં અમેરિકામાં વેસ્ટિંગ હાઉસ કંપનીએ પ્રથમ વખત રંગીન TV બજારમાં મૂકયું તેની કિંમત 1 લાખ રૂપિયાથી વધુ હતી જે આજની ગણતરીએ 10 લાખ રૂપિયાથી પણ વધુ (સાડા બાર હજાર ડોલર) થાય. જો નવા સાધનો સફળ બનશે તો જથ્થાબંધ નિર્માણ શકય બનવાથી તે સસ્તા મળતા થાય છે. 1960 સુધીમાં એ રંગીન TVની કિંમત 200થી 300 ડોલર જેટલી નીચે આવી ગઇ હતી. જો કે માઇક્રો એલઇડી LED TVમાં લગભગ અઢી કરોડ જેટલા LED હોય છે. એટલા સૂક્ષ્મ કે તેનું કદ માઇક્રોનમાં હોય છે. તેને યોગ્ય રીતે ગોઠવી જરૂરી રંગરૂપ ધારણ કરે અને સતત રંગરૂપ બદલતા રહે તે એક જટિલ કામ છે. તે માટે ખૂબ ચોકસાઇની જરૂર પડે. પરંતુ સેમસંગ કંપનીના દાવા મુજબ આ બારીક માઇક્રો LEDની ગૂંથણી કરવાની ટેક્નિક કંપનીએ વિકસાવી છે. સેમસંગે તે માટે ચિપ્સમાં ફેરફાર કરીને ખાસ ચિપ્સ ડેવલપ કરી છે. દીવાલ પર અમિતાભની ‘દીવાર’ જોઇને જરૂર થશે કે યે કહાં આ ગયે હમ?

Most Popular

To Top