Editorial

ભાજપના કોમવાદની સામે વિપક્ષોનો જ્ઞાતિ આધારીત વસતી ગણતરીનો દાવ રાજકારણમાં ધ્રુવીકરણ સર્જશે

ભૂતકાળમાં જ્યારે અંગ્રેજો ભારત પર રાજ કરતાં હતા ત્યારે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવતા હતા. આઝાદી આવી અને અંગ્રેજો જતા રહ્યા. આઝાદી મળી ત્યારે એવી આશા હતી કે હવે દેશમાં ભાગલાઓ પડશે નહીં પરંતુ તે આશા ઠગારી નીવડી છે. આઝાદી વખતે દેશમાં અનેક જ્ઞાતિઓ એવી હતી કે જેને ખરેખર આગળ લાવવાની જરૂરીયાત હતી. આ કારણે જ દેશના બંધારણમાં અનામતને આમેજ કરવામાં આવ્યું પરંતુ ત્યારબાદ રાજકારણમાં અનામતનો મામલો એવો અટવાયો કે જે તે જ્ઞાતિનો વિકાસ થવાને બદલે જ્ઞાતિવાદે જન્મ લઈ લીધો.

મત માટે જ્ઞાતિવાદને રાજકારણીઓએ વધુને વધુ વકરાવ્યો. આ જ્ઞાતિવાદે જ અગાઉ ગુજરાતમાં ‘ખામ’ થિયરી ઊભી કરી હતી તો વીપીસિંહ વડાપ્રધાન હતા ત્યારે મંડલનું આંદોલન થયું હતું. જ્યાં સુધી ભાજપે ઉગ્ર હિન્દુવાદ નહીં અપનાવ્યો ત્યાં સુધી દેશમાં જ્ઞાતિવાદ હાવી હતો. બાદમાં ભાજપે કોમવાદના આધારે જ્ઞાતિવાદને પાછળ ધકેલી દીધો અને દેશની સાથે અનેક રાજ્યોમાં સત્તા લઈ લીધી. ભાજપની સાથે સાથે ઔવેસી જેવા નેતા પણ કોમવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે.

આમ તો ભારતમાં વર્ણવ્યવસ્થા એટલે કે જ્ઞાતિ પ્રમાણેની વ્યવસ્થા 3000 વર્ષ જૂની છે. જે તે સમયે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી તેની પાછળ પણ સત્તાસ્થાને બેઠેલાઓની મતિ જ જવાબદાર હતા. જ્ઞાતિવાદ ત્યારથી ચાલતો આવી રહ્યો છે અને બાદમાં જ્ઞાતિવાદને હરાવવા માટે કોમવાદ આવ્યો હતો. જોકે, ભાજપના કોમવાદની સામે હવે ફરી જ્ઞાતિવાદને હવા આપવા માટે રાજકારણ શરૂ થઈ ગયું છે. દરેક રાજકીય પક્ષો મત માટે રાજકારણ ખેલી રહ્યા છે. જેમાં કોમવાદ અને જ્ઞાતિવાદ મુખ્ય છે.

આ જ્ઞાતિવાદને કારણે જ તાજેતરમાં બિહારમાં જ્ઞાતિ આધારીત વસતી ગણતરી કરવામાં આવી હતી. બિહાર પછી હવે ઓડિશા સરકાર દ્વારા પણ પછાત જાતિઓના સરવેનો રિપોર્ટ જાહેર કરવાની તૈયારી કરવામાં આવી છે. આ વર્ષે મે અને જુલાઇ માસમાં ઓડિશા સરકાર દ્વારા જાતિ આધારીત વસતી ગણતરી કરવામાં આવી હતી. એવું કહે છે કે ઓડિશાની 4.70 કરોડની વસતીમાં 42 ટકા વસતી 208 પછાત વર્ગોની છે. જ્ઞાતિ આધારીત વસતી ગણતરીનો દાવ ખૂબ મોટો છે.

આ રીતે વસતી ગણતરી કરીને બાદમાં જે તે પછાત જ્ઞાતિ માટે સહાયના પેકેજ સરકારો દ્વારા જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે. જેથી આ જ્ઞાતિઓના મત લઈ શકાય. ભૂતકાળમાં ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ ‘ખામ’ થિયરીનો ઉપયોગ કરીને ઓબીસી જ્ઞાતિઓને ભેગી કરીને અનામત જાહેર કરી હતી. આના આધારે જ કોંગ્રેસે તે સમયે ગુજરાતમાં ભવ્યાતિભવ્ય જીત પણ મેળવી હતી. જે રીતે બિહાર અને ઓડિશા દ્વારા જાતિ આધારીત વસતી ગણતરી કરવામાં આવી છે તે જોતાં આગામી સમયમાં અન્ય રાજ્યોમાં પણ આ રીતે વસતી ગણતરી કરવામાં આવે તેવી સંભાવના છે.

વાદ કોઈપણ હોય તેને કારણે જે તે દેશ કે પ્રદેશને નુકસાન જ થાય છે. રાજકારણીઓ દ્વારા મત મેળવવા માટે જાતિ આધારીત વસતી ગણતરીનો આધાર લેવામાં આવી રહ્યો છે. એક વખત આ સરવે જાહેર થયા બાદ જે તે સરકારો દ્વારા જ્ઞાતિ આધારીત સહાયો પણ જાહેર કરવામાં આવશે. જે દેશના રાજકારણમાં મોટું ધ્રુવીકરણ ઊભું કરે તેવી સંભાવના છે. જે રીતે જાતિ આધારીત વસતી ગણતરીના આંકડા બહાર આવી રહ્યા છે તે બતાવી રહ્યું છે કે આઝાદીના સાત દાયકા બાદ પણ દેશમાં પછાત જ્ઞાતિઓની સ્થિતિમાં ખાસ કોઈ સુધારો થયો નથી.

રાજકારણીઓ દ્વારા ફરી જાતિ આધારીત વસતી ગણતરીના આધારે નવા પેકેજો જાહેર કરીને મતદારોને લલચાવવા માટેના પ્રયાસો કરવામાં આવશે પરંતુ પછાત જ્ઞાતિઓની સ્થિતિમાં સુધારો થવાની સંભાવના નથી. રાજકારણીઓએ જો ખરેખર પછાત જ્ઞાતિઓથી માંડીને દેશના તમામ નાગરિકોનું ભલું કરવું હોય તો જે તે યોજના ખરેખર તેના લાભાર્થી સુધી પહોંચે તે જોવાની ખાસ જરૂરીયાત છે. રાજકારણીઓ દ્વારા સહાય યોજનાઓ તૈયાર કરવામાં આવે છે પરંતુ તેનો મોટો લાભ વચેટિયા લઈ જાય છે અને આર્થિક કે પછી સામાજિક પછાતનો વિકાસ થતો જ નથી. ભારતમાં પછાત જ્ઞાતિઓના નામે પોતાનો જ વિકાસ કરવાનો રાજકારણીઓનો નિયમ છે. કોમવાદમાં પણ તેવું જ થઈ રહ્યું છે. રાજકારણીઓ આટલું સમજે તો પણ ઘણું થશે તે નક્કી છે.

Most Popular

To Top