Editorial

ન્યુઝક્લિક સામેના દરોડામાં મૂળ નિશાન રાહુલ ગાંધી છે

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિપક્ષોનું સરકારવિરોધી અભિયાન તેજ બની રહ્યું છે. સરકાર અને તેમનાં સમર્થકો દ્વારા દેશના મેઇન સ્ટ્રીમ પ્રિન્ટ મિડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા પર જડબેસલાક નિયંત્રણ મેળવી લેવાયું હોવાથી તેમાં તમામ સરકારવિરોધી સમાચારોને ગાળીને પીરસવામાં આવે છે કે દબાવી દેવામાં આવે છે; પણ સોશ્યલ મિડિયા પર સરકારનો બિલકુલ અંકુશ નથી. તેમાં પણ ફેસબુક અને યુટ્યૂબ પર ચાલુ થયેલી કેટલીક ચેનલો દિવસરાત સરકરાનો વિરોધ કરતા સમાચારો પ્રસારિત કર્યા કરે છે.

તેમાં પુણ્ય પ્રસૂન બાજપેયી, અજિત અંજુમ, ગિરિજેશ વશિષ્ઠ, અભિસાર શર્મા વગેરેની ચેનલોને લાખોની સંખ્યામાં દર્શકો મળી રહ્યાં હોવાથી તેમનો જનમાનસ પર પ્રભાવ પણ વધી રહ્યો છે. તેમાં પીરસવામાં આવતા સરકાર વિરોધી સમાચારોનો જવાબ આપવામાં સરકારનો આઇટી સેલ ઊણો ઊતરતો હોવાથી થોડા સમય પહેલાં નરેન્દ્ર મોદીને પોતાને મેદાનમાં ઊતરવું પડ્યું હતું. પોતાની યુટ્યૂબ ચેનલનો પ્રચાર કરવા તેઓ ખુદ કેમેરા સન્મુખ આવ્યા હતા અને બીજા સામાન્ય યુટ્યૂબરોની જેમ તેમની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો અને બેલ આઇકોન દબાવવાનો અનુરોધ કરવો પડ્યો હતો.

તેમાં પણ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા એ ચારેય રાજ્યોમાં પવન સરકારવિરોધી ફૂંકાઈ રહ્યો હોવાના સમાચાર મળતાં સરકારની ધીરજનો અંત આવ્યો હતો અને તેમણે સોશ્યલ મિડિયામાં તેમનો વિરોધ કરી રહેલા લોકપ્રિય પત્રકારો સામે પગલાં લેવાનો પ્રારંભ ન્યુઝક્લિકના પત્રકાર અભિસાર શર્મા વગેરેની ધરપકડ સાથે કર્યો હતો. આ દરોડાના ઉગ્ર પ્રત્યાઘાતો સોશ્યલ મિડિયામાં પડ્યા છે. સરકારનો વિરોધ કરતી તમામ ચેનલો દ્વારા આ પગલાંને વખોડી કાઢવામાં આવ્યું છે અને તેની સરખામણી કટોકટી સાથે કરવામાં આવી રહી છે. આજના માહોલમાં સરકારનું આ પગલું બૂમરેંગ થાય તેવી સંભાવના નકારી કઢાય તેવી નથી.

ન્યુઝક્લિક પર જે દરોડા પાડવામાં આવ્યા છે, તેનું મૂળ કારણ એ છે કે ન્યુઝક્લિકના સંચાલકો કોંગ્રેસ વતી કામ કરી રહ્યા હોવાના નિર્દેશો સરકારના નેતાઓને મળ્યા હતા. થોડા સમય પહેલાં સરકારે સંસદમાં આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ પાર્ટી ન્યૂઝ પોર્ટલ ન્યૂઝક્લિક સાથે મળીને રાષ્ટ્ર વિરોધી અભિયાન ચલાવી રહી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ, ચીન અને ન્યૂઝક્લિકનો એક જ સંબંધ છે અને તે છે ભારતનો વિરોધ. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલને ટાંકીને તેમણે કહ્યું હતું કે ‘‘રાહુલ ગાંધીની ફેક લવ શોપમાં ચાઈનીઝ સામાન સ્પષ્ટ જોઈ શકાય છે.

તેઓ ભારત વિરોધી અભિયાન ચલાવી રહ્યા છે. ૨૦૨૧માં અમે ન્યૂઝક્લિકનો પર્દાફાશ કર્યો હતો કે તે કેવી રીતે ભારત વિરુદ્ધ કામગીરી બજાવી રહી છે. આ ભારત વિરોધી અભિયાનમાં કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો તેમના સમર્થનમાં હતા. ચીની કંપનીઓ મોગલ નેવિલ રોય સિંઘમ દ્વારા ન્યૂઝક્લિકને ભંડોળ પૂરું પાડતી હતી.’’સંસદમાં આ મુદ્દો ઉઠાવતા સરકારના સાંસદ નિશિકાંત દુબેએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘‘રાહુલની નફરતની દુકાન ચાઈનીઝ વસ્તુઓથી ભરેલી છે. કોંગ્રેસ પાર્ટીની નીતિ ચીન સાથે સહયોગ કરીને ભારતને તોડવાની છે. ચૂંટણી પંચે કોંગ્રેસ પાર્ટીને મળતાં ચાઈનીઝ ફંડિંગની તપાસ કરવી જોઈએ.’’

સરકારના સાંસદ નિશિકાંત દુબેના આક્ષેપને પગલે સમાચાર સંસ્થા ન્યુઝક્લિકનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. આ પછી ન્યૂઝક્લિકના માલિક પ્રબીર પુરકાયસ્થે એક નિવેદન જારી કરીને કહ્યું કે ન્યૂઝક્લિક પર ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી અથવા અન્ય હિતોના મુખપત્ર તરીકે લગાવવામાં આવેલા આરોપો ખોટા છે. ત્યાર બાદ ચાર મિડિયા સંસ્થાઓ પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયા, ભારતીય મહિલા પ્રેસ કોર્પ્સ, દિલ્હી યુનિયન ઓફ જર્નાલિસ્ટ્સ અને પ્રેસ એસોસિએશન દ્વારા એક સંયુક્ત નિવેદન બહાર પાડીને મિડિયા સંસ્થાને નિશાન બનાવતી ઝુંબેશ પર ઊંડી ચિંતા વ્યક્ત કરીને કહ્યું કે તેને ચીનનું માઉથપીસ ગણાવવાના આરોપો અયોગ્ય અને નિંદાપાત્ર છે. આ વર્ષે જૂનમાં ટ્વિટરના ભૂતપૂર્વ માલિક અને સહસ્થાપક જેક ડોર્સીએ કહ્યું હતું કે ‘‘ખેડૂતોના આંદોલન દરમિયાન સરકારની સત્તાવાર નીતિની ટીકા કરતા પત્રકારોની સામગ્રીને દૂર કરવા ટ્વિટરને ભારત સરકાર તરફથી અસંખ્ય વિનંતીઓ મળી હતી. આ પછી ટ્વિટરના નવા માલિક ઇલોન મસ્કે કહ્યું હતું કે ‘‘ટ્વિટરના કર્મચારીઓને જેલમાં મોકલી શકાય તેવી પરિસ્થિતિનો સામનો કરવાને બદલે તેઓ ભારત સરકાર દ્વારા જારી કરાયેલા આદેશોનું પાલન કરશે.’’

ન્યૂઝક્લિક સામેની એફઆઈઆરમાં મુખ્ય આરોપ એ છે કે તેને ચીન તરફથી ગેરકાયદેસર ભંડોળ આપવામાં આવ્યું હતું. UAPAની અનેક કલમો હેઠળ FIR નોંધવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે. આમાં સૌથી અગ્રણી કલમ ૧૬ છે, જે હેઠળ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે સજા નક્કી કરવામાં આવી છે. UAPAની કલમ ૧૫માં આતંકવાદી કૃત્યોની વ્યાખ્યા કરવામાં આવી છે. આ હેઠળ આવરી લેવાયેલા ગુનાઓ ગંભીર પ્રકારના છે. આ માટે ઓછામાં ઓછી પાંચ વર્ષથી લઈને આજીવન કેદની સજા થઈ શકે છે.

જો કોઈ આતંકવાદી કૃત્યને કારણે મૃત્યુ પામે છે તો મૃત્યુદંડની સજા પણ થઈ શકે છે. આ જોગવાઈમાં બોમ્બ, ડાયનામાઈટ અથવા અન્ય કોઈ પણ વિસ્ફોટક પદાર્થના ઉપયોગનો ઉલ્લેખ છે, જે કોઈના મૃત્યુ અથવા સંપત્તિને નુકસાન પહોંચાડી શકે છે. આ ઉપરાંત દેશના કોઈ પણ સમુદાયના જીવન માટે જરૂરી વસ્તુઓનો પુરવઠો અટકાવવો, ભારતની નકલી ચલણ છાપીને ભારતની નાણાંકીય સ્થિરતાને નુકસાન પહોંચાડવું કે દાણચોરી કે અન્ય કોઈપણ સામગ્રીને પ્રસારિત કરવા જેવાં કાર્યોને આતંકવાદી કૃત્યો ગણવામાં આવે છે. આ કલમો કોઈ પત્રકાર પર લગાડવી તે અત્યંત ગંભીર બાબત છે. આ કલમો કોઈ પણ પત્રકારની કારકિર્દી ખતમ કરી નાખે તેવી છે. ન્યુઝક્લિક પરના કેસથી સરકારનો વિરોધ કરી રહેલા તમામ વિખ્યાત પત્રકારોને સંદેશો આપવામાં આવ્યો છે કે ‘‘આવતી કાલે તમારો પણ વારો આવી શકે છે.’’

UAPA કાયદો વર્ષ ૧૯૬૭માં બન્યો હતો. ૨૦૦૮ અને ૨૦૧૨માં કોંગ્રેસની સરકાર વખતે તેને વધુ મજબૂત કરવામાં આવ્યો હતો. UAPA કાયદો ભારતીય દંડ સંહિતા (IPC) કરતાં સરકારને અને વહીવટીતંત્રને વધુ સત્તા આપે છે. આ કાયદા હેઠળ બનેલા ફોજદારી કાયદા સામાન્ય ફોજદારી કાયદા કરતાં વધુ કડક છે. UAPA હેઠળ સરકારને આરોપી સામે ચાર્જશીટ દાખલ કરવા માટે વધુ સમય મળે છે અને જામીનની શરતો વધુ કડક બને છે.

તેની કલમ ૧૫ માં લખેલું છે કે ‘‘એક વ્યક્તિ, કે જે ભારતની એકતા, અખંડિતતા, સુરક્ષા અથવા સાર્વભૌમત્વને ધમકી આપવા અથવા જોખમમાં મૂકવાના હેતુથી અથવા કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓના જૂથમાં આતંક ફેલાવવાના ઈરાદા સાથે અથવા કોઈ પણ વ્યક્તિમાં કે વ્યક્તિના સમૂહમાં આતંક ફેલાવવાના ઈરાદાથી કોઈ પણ કૃત્ય કરે છે.’’UAPA હેઠળ જામીન મેળવવા પણ બહુ મુશ્કેલ બની જાય છે. જામીન મંજૂર કરવા અથવા નામંજૂર કરવા માટે કોર્ટ જુએ છે કે આરોપી સામે પ્રથમ દૃષ્ટિએ કેસ પુરવાર થાય છે કે નહીં? વર્ષ ૨૦૧૯ માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અદાલતે પુરાવાઓનું વિશ્લેષણ કરવું જોઈએ નહીં.

Most Popular

To Top