Comments

સરકારનો વિરોધ રાષ્ટ્રનો વિરોધ નથી અને રાષ્ટ્રનો દ્રોહ તો બિલકુલ નથી

બંધારણીય માળખા અનુસાર આપણા દેશમાં લોકશાહી શાસનવ્યવસ્થા છે, જેમાં અભિવ્યક્તિસ્વાતંત્ર્ય પ્રત્યેક નાગરિકનો મૂળભૂત હક લેખવામાં આવેલો છે. આમ છતાં, આપણી સમાજવ્યવસ્થા હજી એવી થઈ નથી કે જેમાં આ હકનું માહાત્મ્ય થઈ શકે. આપણી કુટુંબવ્યવસ્થા અને એ પછીના ક્રમે શાળાકીય શિક્ષણમાં સવાલ ઉઠાવવાની વૃત્તિને દાબી દેવામાં આવે એવું વાતાવરણ મોટે ભાગે જોવા મળે છે.

અભિવ્યક્તિસ્વાતંત્ર્ય આ તબક્કે વિકસી ન શકે તો પછી આગળ જતાં તેને વિકસવાની તક સાવ ઓછી રહે છે. અભિવ્યક્તિસ્વાતંત્ર્યને આપણે વિરોધ માનીએ છીએ અને આ લક્ષણ આગળ જતાં વિકસીને વિરોધને દ્રોહ માનવા લાગે છે.

અંગ્રેજોનું આપણા દેશમાં શાસન હતું ત્યારે પોતાના વિરુદ્ધ ઉઠતા અવાજને દાબી દેવા માટે તેમણે રચેલી દંડસંહિતામાં રાજદ્રોહનો સમાવેશ કર્યો હતો. અંગ્રેજોની વિદાયના ‘અમૃત મહોત્સવ’ની ઉજવણીઓ આગોતરી શરૂ થઈ ગઈ છે, પણ અંગ્રેજોના જમાનાનો આ કાયદો અને ખાસ તો, તેની સાથે સંકળાયેલી માનસિકતા હજી અડીખમ છે. પક્ષને, બલ્કે વધુ સ્પષ્ટતાથી કહીએ તો પક્ષના એક નેતાને રાષ્ટ્ર માની બેસવું, તેનો વિરોધ કરનારને રાષ્ટ્રદ્રોહી જાહેર કરવા, તેમની પર રાજદ્રોહની કલમ ઠોકી બેસાડવી અને એ રીતે નેતાવિરોધી સૂરને દાબવાનો પ્રયત્ન કરવો એ આવી માનસિકતાનું પ્રતિબિંબ છે.

લોકશાહીમાં સૌથી પહેલું તો નાગરિકોએ સમજવું રહ્યું કે દેશ અને સરકાર બન્ને અલગ બાબતો છે. નેતા કે પક્ષ તો ઠીક, સરકાર સુદ્ધાં કંઈ દેશ નથી. કોઈ પણ મુદ્દે સરકારની ટીકા યા વિરોધ થઈ જ શકે અને સરકારની ટીકા કે વિરોધ રાષ્ટ્રદ્રોહ ન જ કહેવાય. ‘આર્ટિકલ ૧૪.કોમ’ નામના, કાનૂની બાબતો સાથે સંકળાયેલા એક વેબપોર્ટલના અભ્યાસ અનુસાર ૨૦૧૦ થી લઈને ૨૦૨૦ ના ગાળામાં અગિયારેક હજાર લોકો પર રાજદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જેમાં ૨૦૧૦ થી ૨૦૧૪ દરમિયાન કુલ ૩૭૬૨ અને ૨૦૧૪ થી ૨૦૨૦ દરમિયાન ૭૧૩૬ લોકોનો સમાવેશ થાય છે.

રાજદ્રોહનો આરોપ એટલે ભારતીય દંડસંહિતાની કલમ ૧૨૪-અ. વક્રતા એ છે કે જે અંગ્રેજોએ આપણે ત્યાં આ કાનૂન અમલી કરાવ્યો એમણે પોતાના દેશમાં તેને નાબૂદ કરી દીધો છે. આપણે ત્યાં અંગ્રેજોના જમાનાનો આ કાયદો વધુ અસરકારક અને તીવ્રપણે નવેસરથી પ્રયોજાઈ રહ્યો છે.

રાજદ્રોહનો આરોપ જેમની પર લગાવવામાં આવે એ લોકો મુખ્યત્વે સરકારની નીતિઓનો વિરોધ કે ટીકા કરતા હોય છે. ઘણા કિસ્સામાં આ માટે વ્યંગ્યનો સહારો લેવામાં આવતો હોય એમ બને છે. સરકારની નીતિ પર ચાહે બોલીને કે પછી દોરીને કે લખીને વ્યંગ્ય કરવો રાજદ્રોહ શી રીતે બની જાય?

અને જો આ રાજદ્રોહ ગણાય, તેનાથી રાષ્ટ્રની સુરક્ષાને નુકસાન જતું હોય તો સંરક્ષણ કે વિદેશી ઘુસણખોરીના એવા ઘણા મુદ્દાઓ છે કે જેનો સરકારે જવાબ આપવાનો થાય. એ જવાબ આપવાને બદલે કુપ્રચારનો આશરો લઈને જૂઠાણાંને સત્ય તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ રાજદ્રોહ ન ગણાય?

દિલ્હી વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રહી ચૂકેલા, ભારતીય વિધિ આયોગના ભૂતપૂર્વ ચેરમેન રહી ચૂકેલા એપી.શાહે ૨૦૧૭ માં એમ.એન.રૉય સ્મૃતિ વ્યાખ્યાનમાળામાં આપેલા એક વક્તવ્યમાં જણાવ્યું હતું કે કલમ ૧૨૪-અ ના વ્યાપક અર્થવિસ્તારને કારણે તેનો દુરુપયોગ રાજ્યસત્તાને પડકારે એવા લોકો સામે થવાની સંભાવના વધુ રહે છે. ચાહે તે જે.એન.યુ.ના વિદ્યાર્થીઓ હોય, બિનાયક સેન જેવા કર્મશીલો હોય, અરુંધતી રૉય જેવા લેખક હોય કે અસીમ ત્રિવેદી જેવા કાર્ટૂનિસ્ટ હોય.

રાજદ્રોહની કલમની જોગવાઈના દુરુપયોગનાં આ ઉદાહરણ છે. કાનૂન સ્પષ્ટપણે જણાવે છે કે કેવળ સૂત્રોચ્ચાર ગુના માટે પૂરતો નથી. હિંસા ભડકાવવાનો હેતુ તેમાં સમાવિષ્ટ હોય તો જ એ ગુનો ગણાય. અલબત્ત, પ્રથમદર્શી તપાસના અહેવાલની નોંધણી અને કાનૂની કાર્યવાહીના આરંભ વેળાએ સર્વોચ્ચ અદાલતની નીતિને સુસંગત અર્થઘટન કરવાનો સવાલ ઊભો થતો નથી.

આમ, રાજદ્રોહનો આક્ષેપ સહેલાઈથી મૂકી શકાય છે ખરો, પણ તે ભાગ્યે જ ટકી શકે છે. આમ છતાં, આખી પ્રક્રિયા દરમિયાન આરોપીની ખૂબ હેરાનગતિ થાય છે એ હકીકત છે. આરોપમાંથી કોઈ નિર્દોષ છૂટે તો પણ તેની સુનાવણીની પ્રક્રિયા કોઈ સજાથી કમ નથી હોતી. ન્યાયમૂર્તિ શાહની આ બાબત ઘણું બધું કહી જાય છે. રાજદ્રોહના આરોપ જે છૂટથી મૂકવામાં આવે છે એ જોતાં લાગે કે આરોપીને હેરાનપરેશાન કરીને વિરોધ કરવાની ખો ભૂલાવી દેવાનો આશય જ મુખ્ય હોય છે.

સત્તાવાળાઓ કદાચ જાણતા હોય છે કે આરોપ ટકી શકવાનો નથી. પણ કોઈ એકલદોકલ વ્યક્તિ કે સંસ્થાની પાછળ સરકારનાં આખેઆખાં તંત્રોને છોડી મૂકવામાં આવે ત્યારે તેની શી હાલત થાય એ સમજવું મુશ્કેલ નથી. ‘એકને મારો, દસ હજારને ગભરાવી મૂકો’ના સિદ્ધાંતનો ઉપયોગ કેવળ ત્રાસવાદીઓ જ કરે છે એવું નથી.

સરકાર પણ તે કરી શકે. હવે સરકારો નાગરિકોનું એ હદનું ધ્રુવીકરણ કરતાં શીખી ગઈ છે કે સરકારવિરોધી ઉચ્ચારણ કરનારને આવા નાગરિકો જ ‘રાષ્ટ્રદ્રોહી’ ઘોષિત કરી દે. આ એક ખતરનાક લક્ષણ છે, જેનો ભોગ સરવાળે નાગરિકોએ જ બનવું પડતું હોય છે. હવે આ કાયદાને નાબૂદ કરવાની હિલચાલ શરૂ થઈ છે.

આ કાયદો નાબૂદ થશે તો સત્તાધીશો કોઈ નવો કાયદો બનાવશે, જેનું નામ કંઈક બીજું હશે. કેમ કે, વિરોધ કોઈ પણ સત્તાધીશને ગમતો નથી. સત્તાધીશો ભલે ન સમજે, નાગરિક તરીકે આપણે સમજવું જ રહ્યું કે પોતાનો માનીતો નેતા એ પક્ષ નથી, પક્ષ એ સરકાર નથી, સરકાર એ રાષ્ટ્ર નથી. સરકારનો વિરોધ એ રાષ્ટ્રનો વિરોધ નથી અને રાષ્ટ્રનો વિરોધ એ રાષ્ટ્રદ્રોહ નથી, નથી ને નથી જ. 

            લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top