Business

ખુલ્લો સંવાદ જ ઉકેલ

આજના સ્પર્ધાત્મક અને ભાગદોડભર્યા યુગમાં બાળકના માનસિક સ્વાસ્થ્ય અને કૌટુંબિક સંબંધોની સ્થિતિ પર ઊંડાણપૂર્વક વિચારવાની ખાસ જરૂરિયાત ઊભી થઈ છે. ઘણી વાર અજાણતાં જ આપણે બાળકો પર અપેક્ષાઓ અને સફળતાનો એવો ભારે બોજ મૂકી દઈએ છીએ કે બાળક પોતાની નાની-નાની મૂંઝવણો કે નબળાઈઓ ઘરમાં વ્યક્ત કરતાં અચકાય છે. એ માટે જરૂરી મોકળાશ એને પરિવારમાં ન મળે તો ક્યારેક અત્યંત આઘાતજનક ઘટના આકાર લેતી હોય છે. દરેક પરિવારમાં એવું વાતાવરણ હોવું અત્યંત જરૂરી છે જ્યાં બાળક પોતાની નાની, સામાન્ય કે તદ્દન વાહિયાત લાગતી વાતો પણ પરિવારમાં ખુલ્લા મને મૂકી શકે.

જ્યારે બાળક નાની નાની વાતોમાં આવી મોકળાશ અને સ્વીકાર અનુભવશે ત્યારે જ તે જીવનની કોઈ મોટી સમસ્યા, ભય કે તણાવ વખતે પણ ડર્યા વગર માતા-પિતા પાસે આવીને પોતાનું દિલ ખોલી શકશે. ઘરમાં આવી મુક્ત અને હૂંફાળા વાતાવરણની હાજરી જ સંતાનોમાં જીવવાની હિંમત બહાલ કરે છે અને પરિણામે આજના સમયમાં બનતા સંતાનોના આપઘાતના અત્યંત દુઃખદ બનાવોને અટકાવી શકાય છે. આવા સમયમાં પરિવારમાં બિનશરતી પ્રેમ અને ભરોસો હોવો જોઈએ.   આપણે બાળકોના ગ્રેડ અને ડિગ્રીઓ કરતાં તેમના માનસિક સ્વાસ્થ્ય અને જીવનને પ્રાધાન્ય આપવાની જરૂર છે. કોઈ પણ પરીક્ષા, ડિગ્રી કે નોકરી/ વ્યવસાય એ સંતાનના અમૂલ્ય જીવનથી મોટી નથી. જો દરેક ઘરમાં પ્રેમની સાથે સંવાદની આવી મુક્ત હવા ખીલશે, તો કોઈ પણ સંતાન એકલતા કે તણાવનો શિકાર બનીને આવું અંતિમ પગલું ભરવા મજબૂર નહીં થાય.

સુરત     – ચારુલતા અનાજવાળા

Most Popular

To Top