Business

બેફિકર સરકાર અને રેઢિયાળ તંત્ર

સુરતમાં એક પરિવારે હોટલમાંથી શાક મંગાવીને ખાધું તો પાંચ જણાને ફુડ  પોઇઝનિંગ થઈ ગયું અને એક બાળકીનું મૃત્યુ થયું.  ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂ પીવાથી ૧૧ જણાનાં મૃત્યુ થયાં. ઉપરોક્ત ઘટનાઓમાં રાબેતા મુજબ તપાસનો ધમધમાટ થશે અને થોડા સમય પછી રાબેતા મુજબ બધું શમી જશે.  સમજ નથી પડતી આ બધું ક્યારે અટકશે.  સરકાર અને એનું તંત્ર કઈ તંદ્રામાં ગરકાવ છે એ નથી સમજાતું.  આવું રેઢિયાળ તંત્ર પહેલાં ક્યારેય જોવા નથી મળ્યું. દેશ જાણે રામ ભરોસે ચાલતો હોય એવું પ્રતીત થઈ રહ્યું છે. સરકાર સત્તામાં તો છે પણ શાસનમાં હોય એવી સાબિતી મળતી નથી.  જીવન ટકાવવા માણસ ખાવાનું ખાતો હોય છે પણ ખાવાનું ખાવાથી માણસ મરે એવું તો હવે આ દેશમાં જ બની રહ્યું છે‌. 

જ્યાં દારૂબંધી છે ત્યાં જ દારૂ પીવાથી માણસ મરે એને તો વિરલ વદતોવ્યાઘાત જ સમજવો રહ્યોં. માણસ માંદો પડે તો હવે દવા પણ ડુપ્લીકેટ મળતી થઈ ગઈ છે.  પરિસ્થિતિ તો એવી ઊભી થઈ છે કે માણસ જ્યાં હાથ નાખે ત્યાં “મોત” હાથમાં આવે એમ છે.  હવે તો જીવવા માટે મરણિયા બનવું પડે એમ છે.  કઈ વસ્તુમાં ભેળસેળ નથી થતી અને કઈ વસ્તુનું ડુપ્લિકેશન નથી થતું એ હવે સંશોધનનો વિષય થઈ ગયો છે.   પ્રજાને શુદ્ધ હવા, પાણી અને ખોરાક મળી રહે એ જોવાની કોઈ પણ સરકારની પ્રાથમિક ફરજ બને છે, પરંતુ આ સરકાર સત્તાના નશામાં હવામાં છે એટલે પ્રજાએ આવી પ્રાથમિક જરૂરિયાતો મેળવવા માટે હવાતિયાં મારવાં પડે છે.  સમગ્ર ગુજરાતને હવે “ડુપ્લીકેટ ગુજરાત” કહીએ તો ખોટું નથી.

સુરત     – પ્રેમ સુમેસરા

Most Popular

To Top