National

ચારધામ યાત્રા 2026 માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ, 19 એપ્રિલથી યાત્રાનો પ્રારંભ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા 2026 માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હવે શ્રદ્ધાળુઓ ઘરે બેઠા મોબાઈલ, કમ્પ્યુટર, મોબાઈલ એપ અથવા વોટ્સએપ દ્વારા સરળતાથી નોંધણી કરાવી શકે છે. યાત્રામાં જોડાવા માટે તમામ યાત્રાળુઓ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત રાખવામાં આવ્યું છે, જેથી વહીવટીતંત્ર યાત્રીઓની સંખ્યા, સુરક્ષા અને ભીડનું સંચાલન વધુ સારી રીતે કરી શકે. આ વર્ષે ચારધામ યાત્રાની શરૂઆત 19 એપ્રિલથી થશે. પરંપરા મુજબ એ જ દિવસે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ભક્તો માટે ખોલવામાં આવશે. ત્યારબાદ 22 એપ્રિલે કેદારનાથ ધામ અને 23 એપ્રિલે બદ્રીનાથ ધામના કપાટ ખુલશે. હાલમાં સરકારે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કર્યું છે, જ્યારે ઓફલાઈન નોંધણી 17 એપ્રિલથી શરૂ થશે. યાત્રા શરૂ થાય તે પહેલાં હરિદ્વાર અને ઋષિકેશ સહિતના મહત્વના સ્થળોએ બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન કાઉન્ટર પણ શરૂ કરવામાં આવશે, જેથી ઇન્ટરનેટની સુવિધા ન હોય એવા શ્રદ્ધાળુઓ પણ સરળતાથી નોંધણી કરાવી શકે.

યાત્રાળુઓને સહાયતા માટે સરકારે 0135-1364 હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. અહીં યાત્રા માર્ગ, રજીસ્ટ્રેશન પ્રક્રિયા અને અન્ય જરૂરી માહિતી માટે માર્ગદર્શન આપવામાં આવશે. ગયા વર્ષે 2025 દરમિયાન કેદારનાથ ધામમાં લગભગ 17,68,795 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા, જે 2013ની આપત્તિ બાદનો સૌથી મોટો આંકડો માનવામાં આવે છે. આ સાથે જ બદ્રીનાથ ધામમાં પીએમ નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હેઠળ ચાલી રહેલા માસ્ટર પ્લાનના કામો પણ ઝડપી ગતિએ ચાલી રહ્યા છે. અંદાજે 424 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા આ પ્રોજેક્ટ દ્વારા ધામને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેથી આગામી વર્ષોમાં ચારધામ યાત્રા વધુ સુવિધાજનક બની શકે.

ઓનલાઈન રજીસ્ટ્રેશનના ત્રણ રીતે કરી શકાશે

  • વેબસાઇટ દ્વારા: registrationandtouristcare.uk.gov.in પર એકાઉન્ટ બનાવી યાત્રાની તારીખ, ધામ અને યાત્રીઓની માહિતી ભરીને રજીસ્ટ્રેશન કરી શકાય છે.
  • મોબાઈલ એપ દ્વારા: Tourist Care Uttarakhand એપ ડાઉનલોડ કરીને પણ નોંધણી અને યાત્રા પાસ મેળવી શકાય છે.
  • વોટ્સએપ દ્વારા: 8394833833 નંબર પર “Yatra” લખીને મેસેજ મોકલતા ચેટબોટ દ્વારા જરૂરી માહિતી લઈને રજીસ્ટ્રેશન પૂર્ણ થાય છે.

Most Popular

To Top