Vadodara

વડોદરા ગ્રીન બનવા તરફ, કમાટીબાગ ખાતે ‘ગ્રીનેથોન-2026’ માં 10,000 થી વધુ બરોડિયન્સ ઉમટ્યા

વિશ્વ પર્યાવરણ દિને સંસ્થા ‘AID’ નો રેકોર્ડબ્રેક પ્રયાસ, 15 લાખ લોકો સુધી જાગૃતિનો સંદેશ પહોંચાડવાનું ભગીરથ લક્ષ્ય, 10,000 થી વધુ મફત રોપાઓનું વિતરણ કરાયું

(પ્રતિનિધિ), વડોદરા. તા.7

વડોદરાને સ્વચ્છ, હરિયાળું અને સ્વાસ્થ્યપ્રદ બનાવવાની દિશામાં વડોદરાવાસીઓએ એક નવો ઈતિહાસ રચ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરના ઐતિહાસિક કમાટીબાગ ખાતે યોજાયેલ ગુજરાતના સૌથી મોટા પર્યાવરણ જનજાગૃતિ કાર્યક્રમ ‘ગ્રીનેથોન-2026’ એ ભવ્ય આકર્ષણ જમાવ્યું હતું. વહેલી સવારે મોર્નિંગ વોકર્સ સહિત શહેરના 10,000 થી વધુ ઉત્સાહી નાગરિકોએ આ ગ્રીનેથોન વોકમાં ભાગ લઈને પર્યાવરણના સંરક્ષણ માટે અનોખો હોંકારો આપ્યો હતો. સ્વૈચ્છિક સંસ્થા ઓલ ઇન ડેવલપમેન્ટ દ્વારા સતત 28માં વર્ષે આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ગ્રીનેથોનની શરૂઆતમાં કમાટીબાગ ખાતે ઉપસ્થિત હજારો પર્યાવરણ પ્રેમીઓએ વડોદરાને પ્લાસ્ટિક મુક્ત અને હરિયાળું બનાવવા માટેના સામૂહિક શપથ લીધા હતા. હાથમાં પર્યાવરણલક્ષી સ્લોગન, રંગબેરંગી પ્લે-કાર્ડ્સ અને આકર્ષક હોર્ડિંગ્સ સાથે નીકળેલી આ રેલીએ આખા વાતાવરણને પ્રકૃતિમય બનાવી દીધું હતું. આ પ્રસંગે છેલ્લા ઘણા સમયથી પર્યાવરણ ક્ષેત્રે પાયાનું અને નોંધપાત્ર કામ કરી રહેલા શહેરના નાના-મોટા અગ્રણીઓ તેમજ મહાનુભાવોનું વડોદરાના “એન્વાયરમેન્ટ એમ્બેસેડર” તરીકે વિશેષ સન્માન કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સહયોગથી નાગરિકોને ઘર આંગણે વૃક્ષો વાવવા માટે 10,000 થી વધુ છોડ-રોપાઓનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી વડોદરાની ગ્રીન કવર પદ્ધતિ મજબૂત બને.

આ વર્ષની ગ્રીનેથોન માત્ર પર્યાવરણ પૂરતી સીમિત ન રહેતા, સ્વાસ્થ્ય અને ફિટનેસનો સુંદર સંગમ બની રહી હતી. ગ્રીનેથોન વોક પૂર્ણ થયા બાદ વડોદરાવાસીઓમાં ઉર્જાનો સંચાર કરવા માટે એક ખાસ ફિટનેસ સેશન રાખવામાં આવ્યું હતું. જાણીતા ઝૂંબા ફિટનેસ એક્સપર્ટ રીચા કોઠારી અને તેમના ગ્રુપે સ્ટેજ પરથી સુપરહિટ ગીતો પર ઝુમ્બા કસરત કરાવી હતી. હજારો બરોડિયન્સ વહેલી સવારે પ્રકૃતિના સાનિધ્યમાં ઝુમ્બાના તાલે ઝૂમ્યા હતા અને “સ્વસ્થ શરીર, સ્વચ્છ પર્યાવરણ” નો મંત્ર સાર્થક કર્યો હતો. યુવાનોથી લઈને સિનિયર સિટીઝન્સ પણ આ ફિટનેસ સેલિબ્રેશનમાં ભારે ઉત્સાહથી જોડાયા હતા.

આ ભવ્ય આયોજન કરનાર એન્વાયરમેન્ટ NGO ‘AID’ ના સંચાલકોએ જણાવ્યું હતું કે, અમારો મુખ્ય ઉદ્દેશ્ય જનજાગૃતિ લાવવાનો છે. આ વર્ષે સોશિયલ મીડિયા, આમંત્રણ પત્રિકાઓ, હોર્ડિંગ્સ, સમાચાર પત્રો, રેલી અને ટીવી મીડિયાના માધ્યમથી અંદાજે 15 લાખ નાગરિકો સુધી પર્યાવરણ સભાનતાનો સંદેશ પહોંચાડવાનું મોટું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સંસ્થા છેલ્લા 28 વર્ષથી વડોદરામાં અવિરત કાર્યરત છે. સંસ્થા માત્ર રોપાઓનું વિતરણ જ નથી કરતી, પરંતુ સરકારી અને બિનસરકારી સંસ્થાઓના સહયોગથી વૃક્ષોના રક્ષણ માટે ‘ફ્રી ટ્રી-ગાર્ડ’ પણ અપાવે છે જેથી વાવેલા વૃક્ષો સુરક્ષિત રીતે મોટા થઈ શકે. AID સંસ્થા દ્વારા ગ્રીનેથોન-2026 ને અભૂતપૂર્વ સફળ બનાવવા બદલ તમામ પર્યાવરણ પ્રેમીઓ, સ્વૈચ્છિક સંગઠનો અને વડોદરાના જાગૃત નાગરિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

Most Popular

To Top