Sports

ઓલિમ્પિક્સ ચેમ્પિયન નીરજ ચોપરાએ ડાયમંડ લીગ ચેમ્પિયન બની ફરી ઇતિહાસ રચ્યો

ઝુરિચ: ગોલ્ડ મેડલિસ્ટ ભાલા ફેંક એથ્લેટ નીરજ ચોપરાએ અહીં પ્રતિષ્ઠિત ડાયમંડ લીગ ફાઇનલ્સ ટાઇટલ જીતીને વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ચોપરા આ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યો હતો. તેણે ફાઉલ સાથે શરૂઆત કરી હતી, પરંતુ બીજા પ્રયાસમાં તે 88.44 મીટરના થ્રો સાથે ટોચ પર પહોંચી ગયો હતો. આ તેની કારકિર્દીનું ચોથું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તેણે તેના પછીના પોતાના ચાર પ્રયાસોમાં 88.00 મીટર, 86.11 મીટર, 87.00 મીટર અને 83.60 મીટર થ્રો કર્યા હતા. ઓલિમ્પિક્સ સિલ્વર મેડલિસ્ટ ચેક રિપબ્લિકનો જેકોબ વડલાગે 86.94 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે બીજા ક્રમે રહ્યો હતો. તેણે તેના ચોથા પ્રયાસમાં આ સિદ્ધિ મેળવી હતી. જર્મનીનો જુલિયન વેબરે 83.73 મીટર સાથે ત્રીજા સ્થાને રહીને બ્રોન્ઝ જીત્યો હતો.
90 મીટર સુધીના થ્રોની અપેક્ષા રખાતી હતી
ચેક રિપબ્લિકના જેકબ વડલાગેએ સિલ્વર અને જર્મનીના જૂલિયન વેબરે બ્રોન્ઝ જીત્યોનીરજે કહ્યું હતું કે આજે વડલેજ સાથેની સ્પર્ધા શાનદાર રહી. તેણે સારા થ્રો પણ કર્યા. મારી પાસેથી આજે 90 મીટર સુધીના થ્રોની અપેક્ષા રખાતી હતી પરંતુ હું ખુશ છું કે હવે મારી પાસે ડાયમંડ લીગની ટ્રોફી છે અને તે સૌથી મહત્વની બાબત છે. તેણે કહ્યું, એવું પહેલીવાર બન્યું છે કે જ્યારે હું ઇન્ટરનેશનલ સ્પર્ધામાં મારા પરિવારની સાથે આવ્યો છું, અહીંથી અમે પેરિસમાં રજાઓ પર જઈશું. નીરજે કહ્યું હતું કે હું યુજીનમાં ઈજાગ્રસ્ત થયો હતો અને મને બે થી ત્રણ અઠવાડિયા સુધી આરામની જરૂર છે. તે પછી હું રિહેબ કરીશ અને આવતા વર્ષ માટે તૈયાર થઈશ. ભારતનો 24 વર્ષીય હવે ઓલિમ્પિક્સ ચેમ્પિયન, વર્લ્ડ ચેમ્પિયનશિપ સિલ્વર મેડલ વિજેતા અને ડાયમંડ લીગ ચેમ્પિયન છે. તેણે માત્ર 13 મહિનામાં જ આ તમામ સિદ્ધિઓ હાંસલ કરી છે. તેણે ગયા વર્ષે 7 ઓગસ્ટના રોજ ટોક્યોમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Most Popular

To Top