Columns

હવે શિવસેના પક્ષ પરના કબજા માટેની લડાઇ શરૂ થશે

શિવસેનાના બળવાખોર વિધાનસભ્યમાંથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનેલા એકનાથ શિંદેએ ૨૮૬ પૈકી ૧૬૪ મતે વિશ્વાસનો મત જીતી લીધો તે પછી હવે તેમનું હવે પછીનું લક્ષ્ય શિવસેના પક્ષ પર કબજો જમાવવાનું હશે. રાજકારણીઓ કેવા તકલાદી હોય છે, તેનો પુરાવો વિશ્વાસના મતના આગલા દિવસે આવી ગયો. શિવસેનાના સંતોષ બાંગર નામના વિધાનસભ્યે હજુ એક સપ્તાહ પહેલાં વીડિયો બનાવીને જાહેરાત કરી હતી કે તેઓ જીવનના છેલ્લા શ્વાસ સુધી ઉદ્ધવ ઠાકરેનો સાથ નહીં છોડે. વિશ્વાસના મતના ટાણે તેઓ ઉદ્ધવનો સાથ છોડીને એકનાથ શિંદેની છાવણીમાં આવી ગયા હતા અને તેમણે સરકારના સમર્થનમાં મતદાન કર્યું હતું. શિવસેનાના શ્યામસુંદર શિંદે નામના ઉમેદવારે પણ છેલ્લી ઘડીએ પોતાની વફાદારી બદલી હતી. નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષના પાંચ વિધાનસભ્યો મતદાનથી વિમુખ રહ્યા હતા, જેને કારણે એવી અફવા વહેતી થઈ છે કે શરદ પવાર ગઠબંધનને બહારથી ટેકો આપવા માટેની કોઈ ગેમ રમી રહ્યા છે.

શિવસેનામાં બળવો થયો તે પહેલાં તેમના કુલ ૫૫ વિધાનસભ્યો હતા. તેમાંના ૪૦ હવે એકનાથ શિંદે કેમ્પમાં જોડાઈ જતાં ઉદ્ધવ ઠાકરેના જૂથમાં માત્ર ૧૫ જ વિધાનસભ્યો બાકી રહ્યા છે. સોમવારે વિધાનસભામાં મતદાન પહેલાં બંને જૂથ તરફથી પોતપોતાના આદેશો જારી કરવામાં આવ્યા હતા. ઉદ્ધવ જૂથના વ્હિપ દ્વારા ઠરાવના વિરુદ્ધમાં મતદાન કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો તો એકનાથ શિંદે જૂથના વ્હિપ દ્વારા ઠરાવની તરફેણમાં મતદાન કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. ઠરાવની તરફેણમાં મતદાન કરનારા ૩૯ વિધાનસભ્યોને ઉદ્ધવ જૂથ દ્વારા ગેરલાયક ઠરાવવાની નોટિસ મોકલવામાં આવી છે તો ઠરાવની વિરુદ્ધમાં મતદાન કરનારા ૧૬ વિધાનસભ્યોને શિંદે જૂથ દ્વારા ગેરલાયક ઠરાવવાની નોટિસ મોકલવામાં આવી છે. તેમાં આદિત્ય ઠાકરેનો સમાવેશ થતો હોવાથી તેમના પર પણ ગેરલાયક ઠરવાની તલવાર લટકી રહી છે.

શિવસેનાના નેતા અને ઉદ્ધવ ઠાકરેના વિશ્વાસુ સંજય રાઉતે દાવો કર્યો છે કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના જ અસલી શિવસેના છે, પણ કાયદો તેનું અર્થઘટન જુદી રીતે કરશે. શિવસેનાની સ્થાપના થઈ ત્યારથી આજ દિન સુધીમાં તેનો કન્ટ્રોલ બાળ ઠાકરે પરિવારના હાથમાં રહ્યો છે. બાળ ઠાકરેએ ૫૬ વર્ષ પહેલાં શિવસેનાની સ્થાપના કરી હતી અને તેમણે જ તેને સત્તાનાં સિંહાસન સુધી પહોંચાડવામાં સિંહફાળો આપ્યો હતો. બાળ ઠાકરે જીવનના આખરી શ્વાસ સુધી શિવસેનાના પ્રમુખ રહ્યા હતા.

શિવસેનામાં પ્રમુખપદની ક્યારેય ચૂંટણી થતી નથી. બાળ ઠાકરે દ્વારા તેમની હયાતિમાં ઉદ્ધવ ઠાકરેની નિમણૂક શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ તરીકે કરવામાં આવી હતી. ૨૦૦૬ માં રાજ ઠાકરે બળવો કરીને અલગ થયા તે પછી ઉદ્ધવ ઠાકરે બાળ ઠાકરેના એકમાત્ર રાજકીય વારસદાર બની ગયા હતા. ૨૦૧૨ માં બાળ ઠાકરેનું મરણ થયું તે પછી ઉદ્ધવ ઠાકરે શિવસેનાના અધ્યક્ષ બની ગયા હતા, જેનો શિવસૈનિકોએ સ્વીકાર કરી લીધો હતો.

મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાની સરકાર બની ગઈ છે અને મુખ્ય પ્રધાન તરીકે એકનાથ શિંદેની સોગંદવિધિ થઈ ગઈ છે, પણ હજુ કોર્ટની લડાઈ બાકી છે. ઉદ્ધવ ઠાકરેના જૂથ દ્વારા ૧૬ વિધાનસભ્યોને ગેરલાયક ઠરાવવામાં આવ્યા, તેનો કેસ સુપ્રિમ કોર્ટમાં પેન્ડિંગ છે, જેની સુનાવણી તા. ૧૧ જુલાઇના થવાની છે. આ ૧૬ વિધાનસભ્યો દ્વારા એકનાથ શિંદેની તરફેણમાં મતદાન કરવામાં આવ્યું હતું. જો સુપ્રિમ કોર્ટ તેમને હવે ગેરલાયક ઠરાવે તો તેમના મતો રદબાતલ ગણાય અને શિંદેને મળેલા મતોની સંખ્યા ઘટીને ૧૪૮ પર આવી જાય તેમ છે. જો કે વિધાનસભાની કુલ સંખ્યા ૨૮૬ ની હોવાથી ૧૪૮ મતો સાથે શિંદે જૂથ બહુમતીનો દાવો કરી શકે છે. જો કે ઉદ્ધવ ઠાકરેના જૂથ દ્વારા શિવસેનાના વ્હિપની પસંદગી સામે પણ સુપ્રિમ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો છે.

જો એકનાથ શિંદે જૂથની માગણી મુજબ વિધાનસભાના નવા સ્પિકર રાહુલ નાર્વેકર દ્વારા વિશ્વાસના મતની વિરુદ્ધમાં મતદાન કરનારા ૧૬ વિધાનસભ્યોને ગેરલાયક ઠરાવવામાં આવે તો વિધાનસભામાં ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના સભ્યોની સંખ્યા ઘટીને શૂન્ય પર આવી જશે, જ્યારે એકનાથ શિંદેના જૂથમાં બાકીના ૫૫ વિધાનસભ્યો રહેશે. જો કે ઉદ્ધવ ઠાકરેના જૂથની સંખ્યા શૂન્ય પર આવી જાય તો પણ સાચો શિવસેના પક્ષ ઉદ્ધવ ઠાકરેનો પક્ષ કહેવાશે, કારણ કે તેના હાથમાં શિવસેનાનું ચૂંટણી પ્રતીક તીર-કામઠું છે. આ પ્રતીક આપવાની કે પાછું લઈ લેવાની સત્તા માત્ર ચૂંટણી પંચ જ ધરાવે છે. માટે હવે પછીની લડાઈ ચૂંટણી પંચના મેદાનમાં લડાશે.

કોઈ પણ પક્ષમાં ભાગલા પડે ત્યારે સાચો પક્ષ ક્યો? તે નક્કી કરવાનું કાર્ય અત્યંત જટિલ હોય છે. સાચા પક્ષનો નિર્ણય માત્ર સંસદસભ્યો કે વિધાનસભ્યોની સંખ્યાને આધારે કરવામાં નથી આવતો. તેમાં પક્ષના કોર્પોરેટરો, કાર્યકરો, મિલકતો વગેરેની ગણતરી પણ કરવાની હોય છે. શિવસેના વિધાનસભા પક્ષમાં ભંગાણ પડ્યું તે પછી તરત ઉદ્ધવ ઠાકરેએ પોતાના અંગત માતોશ્રી બંગલામાં રહેવા જઈને ત્યાં પક્ષના કાર્યકરો ઉપરાંત કોર્પોરેટરો અને સમર્થકોને એકઠા કરવા માંડ્યા તેનો ઉદ્દેશ પક્ષ પરનો પોતાનો કબજો ટકાવી રાખવાનો હતો.

હવે ટૂંક સમયમાં એકનાથ શિંદે જૂથ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ દાવો કરવામાં આવશે કે તેમનો પક્ષ સાચી શિવસેના હોવાથી ચૂંટણી પ્રતીક પણ તેમના અધિકાર હેઠળ આણવામાં આવે. ઉદ્ધવ ઠાકરેનો કેમ્પ પોતાની તમામ તાકાતથી તેનો વિરોધ કરશે, તે પણ નક્કી છે. ચૂંટણી પંચ કેન્દ્ર સરકારના નિર્દેશ હેઠળ કામ કરતું હોવાથી તે શિવસેનાના ચૂંટણી પ્રતીકની ફાળવણી શિંદે કેમ્પને કરશે તે પણ નક્કી છે. પરિણામે ઉદ્ધવ કેમ્પને સુપ્રિમ કોર્ટમાં જવું પડશે અને પોતાના અધિકાર માટે લાંબી કાનૂની લડાઈ લડવી પડશે.

શિવસેના પર કબજા માટેની લડાઈ એક બાજુ ચૂંટણી પંચમાં અને કોર્ટમાં લડવામાં આવશે તો બીજી બાજુ જમીન પર લડવામાં આવશે. દાદર પર બાળ ઠાકરે પરિવાર દ્વારા ભવ્ય શિવસેના ભવન ઊભું કરવામાં આવ્યું છે, જેની કિંમત અબજો રૂપિયામાં અંકાય છે. તેનો કબજો જે પક્ષના નેતા હોય તેના હાથમાં હોય છે. હાલમાં ઉદ્ધવ ઠાકરે પક્ષના પ્રમુખ હોવાથી તેનો કબજો તેમના હાથમાં છે. જો શિંદે જૂથના સભ્ય પક્ષપ્રમુખ બને તો કબજો તેમના હાથમાં આવે. શિવસેનાના બંધારણ મુજબ પક્ષપ્રમુખની ચૂંટણી કરવામાં આવતી નથી. આ સંયોગોમાં શિંદે જૂથના કોઈ સભ્ય શિવસેનાના પ્રમુખ બને અને તેમના હાથમાં સેનાભવન આવે તે કામ બહુ કઠિન છે.

દાદરમાં જેમ શિવસેના ભવન આવેલું છે તેમ દરેક મતદાર સંઘોમાં શિવસેનાની શાખાઓ આવેલી છે, જેમાંની મોટા ભાગની શાખાઓ સરકારી જમીન પર અતિક્રમણ કરીને બાંધવામાં આવેલી છે. તે દરેક શાખાના કબજા માટે હાથોહાથની લડાઈ થવાની સંભાવના છે. આખરે જે ક્ષેત્રમાં જેનું વધુ જોર હશે, તેના હાથમાં તે શાખા આવશે. શિવસેનાભવન અને શાખાઓની લડાઈ પછી શિવસેનાના મુખપત્ર સામનાની લડાઈ બાકી રહે છે. સામનાનો પ્રારંભ થયો ત્યારથી તે શિવસેનાનું મુખપત્ર રહ્યું છે. તેનાં તંત્રી ઉદ્ધવ ઠાકરેનાં પત્ની રશ્મિ ઠાકરે છે. કદાચ શિવસેના એકનાથ શિંદે જૂથની જાગીર બને તો પણ સામના બાળ ઠાકરે પરિવારનું વાજિંત્ર બની રહેશે.

Most Popular

To Top