SURAT

હવે શિક્ષણ પણ મોંઘુ બનશે, સુરતની નર્મદ યુનિવર્સિટીએ ટ્યુશન ફીમાં કર્યો 10 ટકા વધારો

સુરત: મોંઘવારીના માર વચ્ચે પીસાઇ રહેલા લોકો માટે હવે આગામી વર્ષથી વીર નર્મદ યુનિવર્સિટી(VNSGU)નું શિક્ષણ મોંઘુ બનશે. પ્રથમ વર્ષ(First Year)માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ(Studants)ની ટ્યુશન ફી(Tuition Fees)માં ૧૦ ટકા વધારો ભરવો પડે તેવી હાલત થશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની મંગળવારે બેઠક યોજાઇ હતી. જેમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૦૨૩ ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીની વેબસાઈટ પર મુકવામાં આવનાર બ્રોશર, પ્રોસ્પેકટસ માહિતીમાં નાણા સમિતિ અને સિન્ડિકેટના ઠરાવ મુજબ લાગુ કરવાની થતી ફી અંગે વિચારણા કરવામાં આવી હતી.

  • આગામી વર્ષથી યુનિવર્સિટીની ટ્યુશન ફીમાં 10 ટકા વધારો
  • શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૦૨૩ માં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને લાગુ પડશે
  • એફ.આર.સી નવું માળખું નહીં લાગુ નહીં કરે ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા કરવામાં આવી

નાણાં સમિતિની સભાની ભલામણ મુજબ ટ્યુશન ફીમાં અન્ય તમામ હેડને ઉમેરી ટ્યુશન ફી તરીકેનો એક જ હેડ રાખવો. આ હેડમાંથી ડેવલોપમેન્ટ ફંડ યુનિવર્સિટીને ચૂકવવાનું રહેશે. યુનિવર્સિટી દ્વારા નિમાયેલી એફ.આર.સી. દ્વારા નવુ ફી માળખું લાગુ ન પડે ત્યાં સુધી, તમામ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના સ્વનિર્ભર અભ્યાસક્રમોમાં (જયાં એપેક્ષ બોડીના નિયમો અને ફી સ્ટ્રકચર લાગુ પડતા નહીં હોય તેવા સ્વનિર્ભર અભ્યાસક્રમોમાં) વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે, શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી પ્રવર્તમાન ટ્યુશન ફીના ૧૦ ટકા, પ્રવર્તમાન ટયુશન ફીમાં ઉમેરી ટ્યુશન ફી ગણતરીમાં લેવાની રહેશે.

ટ્યુશન ફી ઉપરાંત વધારાની કોઈ રકમ લેવી નહી
વધુમાં આ વ્યવસ્થા ક્રમશઃ પ્રથમ વર્ષથી નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને માટે પ્રત્યેક વર્ષની પ્રવર્તમાન ટ્યુશન ફીમાં આગામી ત્રણ શૈક્ષણિક વર્ષ સુધી વધારવાપાત્ર રહેશે. પ્રવર્તમાન દ્વિતીય અને તૃતીય વર્ષના જે વિદ્યાર્થીઓ પાસેથી જે સંસ્થાઓએ વધારાની ડેવલોપમેન્ટ ફી ટ્યુશન ફીમાં ઉમેરી લીધેલ હોય તેવા વિદ્યાર્થીઓને જે તે સંસ્થાઓએ પરત ચૂકવવાની રહેશે. તમામ ડિપાર્ટમેન્ટ, કોલેજે કોષ્ટકમાં દર્શાવેલ ટ્યુશન ફી ઉપરાંત વધારાની કોઈ રકમ લેવાની થતી નથી તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો.

તમામ યુનિવર્સિટીના યુજી-પીજી કોર્સ માટે એન્ટ્રન્સ એક્ઝામ લેવાનું ફરમાન
કેન્દ્ર સરકારે દેશની સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ સૌપ્રથમ વખત સેન્ટ્રલ યુનિવર્સિટીઝની સમાંતર જે તે સ્ટેટ યુનિવર્સિટી અને ખાનગી યુનિવર્સિટીઓને પણ યુજી તેમજ પીજીમાં એડમિશન માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવા ફરમાન કર્યું છે. નર્મદ યુનિ.ની એકેડમિક કાઉન્સિલ પાસે આજે આ પત્ર આવ્યો હતો જે રાજય સરકારને ફોરવર્ડ કરી વધુ માર્ગદર્શન મેળવવાનું નકકી કરાયું છે. નર્મદ યુનિ.ના સત્રોના જણાવ્યાનુસાર પ્રવેશ માટે અંડરગ્રેજ્યુએટ એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે. ટેસ્ટ જુલાઈના પ્રથમ અને બીજા અઠવાડિયામાં યોજાશે. છઠ્ઠી એપ્રિલથી છઠ્ઠી મે,૨૦૨૨ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.

યુનિવર્સિટીએ કૉમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ સંદર્ભે રાજ્ય સરકારનું માર્ગદર્શન મંગાવ્યું
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે સેન્ટ્રલ યુનિવર્સિટીઓના વિવિધ અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ, સીયુઈટી, યુજી-૨૦૨૨નું આયોજન કરશે. સેન્ટ્રલ યુનિવર્સિટીઓની જેમ રાજ્યની યુનિવર્સિટીઓમાં પણ કૉમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે તેઓ પત્ર યુજીસીના સેક્રેટરી પ્રોફેસર રજનીશ જૈન દ્વારા લખવામાં આવ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની બેઠક આજરોજ યોજાઈ હતી. જેમાં યુજીસીના પ્રોફેસર રજનીશ જૈન દ્વારા લખવામાં આવેલા પત્ર અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ઠરાવ કરવામાં આવ્યો હતો કે કૉમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ લેવા સંદર્ભે રાજ્ય સરકારનું માર્ગદર્શન માંગવામાં આવે.

Most Popular

To Top