Charchapatra

સિંગાપોરના વડા પ્રધાનની ઉલ્લેખનીય વાત

તા.૧૮ ફેબ્રુઆરી ૨૦૨૨ ના ‘ગુજરાતમિત્ર’ના પાના નંબર ૧ ઉપર પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે સિંગાપોરના વડા પ્રધાનને ટાંકીને જે વાત રજૂ થઈ છે તે મુજબ ‘ આઝાદી માટે લડનારા નેતાઓ મહાન હતા, જેમ કે નહેરુ, પણ આજે નહેરુનું ભારત ક્યાં પહોંચી ગયું છે જ્યાં અડધાથી વધુ સાંસદો ગુનાહિત છે. કોઈને ગમે કે ન ગમે, વાંધો હોય કે ન હોય, સિંગાપોરના વડા પ્રધાનની આ વાતમાં ઘણું તથ્ય છે. જો કે કોંગ્રેસની અંદર અંદરની સાઠમારી એવા તબક્કે પહોંચી ગઈ છે કે તેનું અસ્તિત્વ જોખમાઈ શકે છે એટલે કોંગ્રેસ આ બાબતમાં કોઈ પણ ટીપણી ન કરે તે ઈચ્છનીય કહેવાય. મનમોહનસિંહ એક સમયના આપણા દેશના નાણાંમંત્રી અને પ્રખર વિશ્વમાન્ય અર્થશાસ્ત્રીનો આ અંગેનો ખુલાસો પણ પ્રજાને કઠે તો નવાઇ પામવા જેવું નહીં હોય. પણ જે હકીકત છે તે છે કે આપણા દેશની સંસદમાં અને રાજ્યસભામાં ગુનેગારોનું પ્રમાણ વધુ છે. જે વ્યકિત ગુનેગાર હોય અથવા જેમની સામે કોઈ પણ ગુનાસર કોર્ટ કાર્યવાહી ચાલતી હોય તેવી વ્યક્તિ ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે નહીં તેવા કાયદા લાવવાની તાતી જરૂર છે. પરંતુ કોઈ પણ રાજકીય પક્ષ આવો કાયદો લાવવા જ ન દે તે પણ એક નરદમ હકીકત છે અને તેને આપણા દેશની સૌથી મોટી કમનસીબી ગણી શકાય. ગુનેગારોના હાથમાં દેશનું શાસન જાય તો દેશની શું પરિસ્થિતિ થાય તે કહેવાની જરૂર છે ખરી?
સુરત     – સુરેન્દ્ર દલાલ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top