Gujarat

ગુજરાતમાં કોરોના સામેની રસીનો પર્યાપ્ત માત્રામાં જથ્થો ઉપલબ્ધ છે : નીતિન પટેલ

કોરોનાના કાળમાં ગુજરાતમાં ૨૫૫૦ જેટલી સરકારી સંસ્થાઓમાં વિના મૂલ્યે વેક્સિનેશનની સંપૂર્ણ સગવડયુક્ત સુવિધા ઉપલબ્ધ બનાવી છે. કોવિડ-૧૯ મહામારી સામે નાગરિકોને સુરક્ષિત રાખવા રસી ઉપલબ્ધ થઈ છે.

રસીકરણના કાર્યક્રમને ૪ નિષ્ણાત તબીબોની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા આખરી ઓપ અપાયા બાદ કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રસીકરણની કામગીરીનો ગુજરાતમાં આરંભ થઈ ચૂક્યો છે. કોવિશિલ્ડ અને કોવેક્સિનની રસી પર્યાપ્ત માત્રામાં ગુજરાતમાં ઉપલબ્ધ થઈ છે.

વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે રસીકરણના કાર્યક્રમ માટે રાજ્યમાં ૧૬૦૦૦ વેક્સિનેટરને તાલીમબદ્ધ કરાયા છે. પ્રત્યેક સેન્ટર ઉપરથી એક દિવસમાં ૧૦૦ લોકોને રસી અપાતાં પ્રતિદિન ૧૬ લાખ લોકોને રસી આપી શકાય તેવું આયોજન કરાયું છે.

વેક્સિનના સ્ટોરેજ માટે ઝોન કક્ષાના ૬ વેક્સિન સ્ટોર, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ ૪૧ સ્ટોર તથા ૨૧૮૯ કોલ્ડ ચેઈન પોઈન્ટ પ્રથમ તબક્કે ઉપલબ્ધ છે. ૬.૩ લાખ ફ્રન્ટ લાઈન વર્કર્સ તેમજ ૫૦ વર્ષથી વધુ વયની ૧.૩ કરોડ વ્યક્તિઓ અને બિમારી ધરાવતી ૫૦ વર્ષથી ઓછી વયની ૨.૬૮ લાખ વ્યક્તિઓની માહિતી એકત્ર કરવામાં આવી છે.

ગુજરાતમાં રસીકરણના કાર્યક્રમના બીજા તબક્કાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તબીબો, હેલ્થ વર્કરો, આંગણવાડી વર્કર્સ, ૧૦૮નો સ્ટાફ, પોલીસ કર્મચારીઓ, સફાઈ કર્મીઓ, મહેસૂલી કર્મચારીઓ સહિત અનેક પ્રજાજનોએ કોઈપણ જાતના ગભરાટ વિના રસીકરણ કરાવ્યું છે. બીજા તબક્કાના રસીકરણ કાર્યક્રમમાં વરિષ્ઠ નાગરિકો તથા ગંભીર પ્રકારની બિમારી ધરાવતા ૫૦ વર્ષથી વધુ વયના નાગરિકોને આવરી લેવાનું લક્ષ્યાંક છે.

ઓછામાં ઓછા સમયગાળામાં વધુને વધુ વ્યક્તિઓ સુધી વેક્સિન પહોંચાડવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે. ‘કોરોના હારશે અને ગુજરાત જીતશે’ના લક્ષને હાંસલ કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે. કોરોના વેક્સિનના દરેક વ્યક્તિને બે ડોઝ મળે તે પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top