Comments

કોંગ્રેસમાં નવી-જૂની પેઢી બાંયો ચડાવશે!

કોંગ્રેસનું ૨૩ બળવાખોરોનું જૂથ બરાબર ગોઠવાઇ ગયું હોય એમાં કોઇ શંકા નથી અને તેને માટે ગુલામ નબી આઝાદની નેતાગીરીને યશ આપવો ઘટે. સમાધાનની પ્રક્રિયા તો કેટલાક વખતથી ચાલતી જ હતી અને ઉદયપુરમાં યોજાયેલા ચિંતન શિબિર પહેલાં આ પ્રક્રિયાએ વેગ પકડયો હતો. પણ સવાલોનો સવાલ એ છે કે  કોંગ્રેસના વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધી આઝાદ સહિતના નેતાઓની સેવાઓનો ઉપયોગ કરવાના છે? જો કે તે માટેની મંત્રણા તો ચાલુ જ છે. વાત એવી પણ ચાલે છે કે આઝાદ સહિતના કેટલાક નેતાઓને પક્ષમાં ચાવીરૂપ સ્થાન મળશે.

પણ બળવાખોર નેતાઓએ જેમ દાયકાઓ સુધી ઉત્તરદાયિત્વ વગરની જવાબદારીની મજા માણી છે તેવું ફરી બનશે?  કે તેમની કામગીરીનું મૂલ્યાંકન થશે? ચિંતન શિબિર પક્ષને સ્થિતપ્રજ્ઞાવસ્થામાંથી બહાર લાવવાનું કામ કરશે? ફરજ સામે જવાબદારીની શરત પણ મૂકાશે? પક્ષની માનસિકતા તોડવાનું કામ ભગીરથ કાર્ય છે. તેમાંથી ખાસ કરીને જયારે કોઇ ઉત્તરદાયિત્વ ન હતું તેવા ભૂતકાળના રામરાજયમાંથી પક્ષના નેતાઓને બહાર લાવવાનું કામ સહેલું નથી. સોનિયા ગાંધી યુવા પેઢી સાથે સત્તાની સમતુલા સાધે નહીં ત્યાં સુધી તેમને માટે કે તેમના વ્યૂહરચનાકારો માટે આ કામ કયાંય સરળ નહીં બને.

આ સંદર્ભમાં કોંગ્રેસની ઉદયપુર બેઠકના થોડા દિવસ પૂર્વે સોનિયા ગાંધીએ કારોબારીમાં કરેલાં ઉચ્ચારણો નોંધપાત્ર છે. તેમણે પોતાની સમાધાનકારી શૈલીમાં વરિષ્ઠ નેતાઓને પક્ષને તેમનું દેવું ચૂકતે કરવા જણાવ્યું હતું. તેમનો પ્રશ્ન એ હતો કે પક્ષે તમારે માટે આટલું બધું કર્યું, તમે પક્ષ માટે શું કર્યું? તમે જૂથવાદમાંથી બહાર કેમ નથી આવતા? પક્ષમાં મહત્ત્વના પદ પર ચીટકી રહેવાની તમારી લાલસાનો કોઇ અંત નથી? પક્ષ આપણા દરેક માટે જીવનનું કેન્દ્ર બની રહ્યું છે અને દરેકનું શ્રેય કર્યું છે તે હવે તે દેવું ચૂકવી દેવાનો સમય પાકી ગયો છે. આ વાત ૨૩ બળવાખોરો માટે હતી. આ સંદેશો હતાશાભર્યો વધુ છે. આ સમાધાનકારી યોજના કેટલી ફળીભૂત થાય છે તે આગામી સપ્તાહોમાં અને મહિનાઓમાં ખબર પડશે અને ઉત્તરદાયિત્વ વગર પદ પર ચીટકી રહેવાની જૂના જોગીઓની આદત કેટલી ટકશે!

ચિંતન શિબિર પહેલાં પક્ષના મોવડીમંડળે એવો નિર્દેશ આપ્યો હતો કે બળવાખોરો સાથે કુસ્તી કરવા કરતાં તેમની સાથે સમાધાનકારી વલણ રાખવામાં આવશે. આને માટે બે કામ કરવામાં આવ્યાં હતાં. (૧) મોટા ભાગનાં બળવાખોરોને ચાવીરૂપ સ્થાન આપવામાં આવ્યાં હતાં. કેટલાકને તો સમિતિઓના વડા પણ બનાવાયા હતા. આમાંની કેટલીક સમિતિઓને તો ઠરાવ કરી ઉદયપુર શિબિરમાં રજૂ કરવાની કામગીરી પણ અપાઇ હતી. ખૂબ સૂચક ઘટના એ છે કે હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ભૂપિન્દરસિંહ હૂડાને ખેતીવાડીને લગતા મુદ્દાઓ માટેની સમિતિના પ્રમુખ નહોતા બનાવાયા હતા પણ તેઓ પોતાના નિકટના સાથીને પ્રદેશ પ્રમુખ બનાવી શકયા.

બધાની નજર આઝાદ પર છે કે તેને શું મળે છે? તેમને પક્ષમાં ચાવીરૂપ જગ્યા મળે છે કે રાજયસભામાં બેઠક? મહારાષ્ટ્રમાં સંખ્યાબંધ બેઠકો ખાલી પડે છે અને કોંગ્રેસ ત્યાં ગઠબંધન સરકારમાં છે? આઝાદને જમ્મુ-કાશ્મીરમાં મહત્ત્વની કામગીરી મળે એવું પણ બને ને? ત્યાં સીમાંકન સમિતિ સરકારને વિધાનસભાના નવા હદ વિસ્તારનો હેવાલ આપે પછી થોડા જ સમયમાં વિધાનસભાની ચૂંટણી થશે. આ સંદર્ભમાં કોંગ્રેસના જમ્મુ-કાશ્મીરનો અખત્યાર સંભાળનાર અને રાજયસભાનાં સભ્ય શ્રીમતી રજની પાટિલની ત્રણ દિવસની આ વિસ્તારની મુલાકાતનું મહત્ત્વ વધે છે. તેઓ આઝાદના તરફદારો અને વિરોધીઓનો મિજાજ પારખવા માટે ગયા હતા.

છાપ એવી ઉપસી છે કે આઝાદ પાછા ફરવા માટે પૂરેપૂરા સજજ છે. જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશના કોંગ્રેસ પ્રમુખ થવા માટે નહીં પણ આ પ્રદેશના કોંગ્રેસ એકમ માટે નિર્ણાયક બનવા માટે. એવું બનવાની સંભાવના પ્રબળ છે કે હૂડાની જેમ તેઓ પોતાની પસંદગીના માણસને પ્રદેશ પ્રમુખ બનાવડાવે. અત્યારે સોનિયાના ખાસ વિશ્વાસુ અને કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાન કુ. શૈલજા છે. સમજી શકાય તેમ છે કે આવાં પગલાં પક્ષમાં વધુ ભંગાણ રોકવા લેવાતાં હોય છે. પણ કોંગ્રેસ જયારે અસ્તિત્વની લડાઇ લડે ત્યારે આવાં પગલાં આત્મઘાતી નીવડે. ચિંતન શિબિર બળવાખોરો સાથે સમાધાન માટે હતી તો જૂના જોગીઓ તેનો પોતાની શરતો વગર યોગ્ય પ્રતિભાવ આપી શકશે! એકતાના પ્રયાસોનો જૂના જોગીઓ અને યુવા પેઢી કઇ રીતે પ્રતિભાવ આપે છે તે મહત્ત્વનું છે. કયાંક એવું તો નહીં બને ને પક્ષના પ્રમુખની ચૂંટણી વખતે બંને પક્ષો બાંયો ચડાવે?
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top