Charchapatra

માત પિતાની ઉપેક્ષા

આપણે સમાજમાં જોયું છે કે એક માતા પિતા પોતાનાં ચારથી પાંચ સંતાનોનું સારી રીતે લાલનપાલન કરે છે.તેમનો સારી રીતે ઉછેર કરે છે. તેમને યોગ્ય શિક્ષણ આપે છે અને સંતાનોના તમામ લાડ કોડ પૂરાં કરે છે.સંતાનોને સારી લાઈનદોરી આપી પરણાવી તેમનો ઘરસંસાર ચલાવવા પોતાનું સર્વસ્વ હોમી દે છે  એ આશાએ કે, મારું સંતાન દુ:ખી ન થાય અને એને જિંદગીમાં કોઈ તકલીફ ન પડે. માબાપ પોતાનાં બાળકો પાસેથી કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખતાં નથી. માબાપ સંતાનો પાસેથી ઝંખે છે માત્ર ને માત્ર એમનો પ્રેમ અને પોતાની વૃદ્ધાવસ્થામાં સંતાનો એમનાં ટેકણલાકડી બને એ જ અપેક્ષા હોય છે. પરંતુ એ જ પુત્રોને પોતાના લગ્ન બાદ માતાપિતા આંખમાં પડેલા કણાની જેમ ખૂંચે છે. માવતર એમને બોજા સમાન લાગે છે. માતાપિતા પોતાની પાસે રહે તે આજના કળિયુગી શ્રવણોને ગમતું નથી. માબાપ પોતાની પાસે રહે એમાં એ લોકોને નાનપ અને પોતાની સામાજિક પ્રતિષ્ઠા જોખમાતી હોય એવું લાગે છે. આ લોકોને એમની આઝાદી છીનવાઈ જતી હોય એવું પ્રતીત થાય છે.

આગળ જોયું તે પ્રમાણે એક માતાપિતા પોતાનાં ૪ થી ૫ સંતાનોનો સારી રીતે ઉછેર કરી શકે છે, પરંતુ એક માબાપને ૪ થી ૫ સંતાનો સાચવી શકતાં નથી. આ આજના સમાજની વાસ્તવિકતા અને કટુ સત્ય છે. ઘણાં ઘરોમાં માબાપની ઘોર ઉપેક્ષા કરવામાં આવે છે. એમને શારીરિક અને માનસિક રીતે ત્રસ્ત કરવામાં આવે છે. એમનું નાની નાની વાતમાં અપમાન કરવામાં આવે છે. એમનાં કોઈ કોડ કે અરમાન પૂરાં કરવામાં આવતાં નથી. વૃદ્ધાવસ્થામાં ઘરડાં માતાપિતાને એકબીજાની હૂંફ અને સહારાની જરૂર હોય ત્યારે એમને વિખૂટાં પાડી દેવામાં આવે છે. ઘણાં પુત્રો તો પોતાનાં માવતરને ઘરડાંઘરમાં મૂકતાં પણ અચકાતા નથી. આજે પુત્રોને એક કૂતરો પાળવો પોષાય છે, પરંતુ માબાપ રાખવા પોષાતાં નથી. સત્ય હકીકત એ પણ છે કે જે સંતાનો માવતરની ઉપેક્ષા કરે છે, તેઓ ક્યારેય સુખી થઇ શકતાં નથી.  એ લોકોને એટલી પણ સમજ નથી કે માબાપની સેવા અને એમનાં ચરણોમાં જ સાચું સુખ સમાયેલું છે.
હાલોલ    -યોગેશભાઈ આર. જોષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top