National

મુંબઈના ક્રૂઝ ડ્રગ્સ કેસમાં NCBની આર્યન ખાનને ક્લીન ચીટ, સમીન વાનખેડે સામે લાગ્યા ગંભીર આરોપો

મુંબઈ: શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં મોટી રાહત મળી છે. એનસીબીએ શુક્રવારનાં રોજ ​​દાખલ કરેલી ચાર્જશીટમાં આર્યન ખાનને ક્લીનચીટ આપી છે. આ કેસમાં આર્યન ખાન એક મહિના સુધી આર્થર રોડ જેલમાં રહેવું પડ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર NCBએ 6 હજાર પેજની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં આર્યન ખાન સહિત 6 લોકોના નામ નથી. એનસીબી ડીડીજી સંજય સિંહે પુષ્ટિ કરી છે કે આર્યન ખાનને ક્લીનચીટ મળી છે. 6 આરોપીઓ સામે કોઈ પુરાવા મળ્યા નથી, તેથી તેમના નામ ચાર્જશીટમાં નથી.

સમીર વાનખેડે સામે તપાસનાં આદેશ
આર્યન ખાનને કલીનચીટ આપ્યા બાદ હવે એનસીબી અધિકારી સમીર વાનખેડેની મુશકેલીમાં વધારો થયો છે. સમિર સામે સરકારે તપાસનાં આદેશ આપ્યા છે. એનસીબીના ડીજી એસ એન પ્રધાન માને છે કે આ કિસ્સામાં સમીર વાનખેડે અને તેમની ટીમથી ભૂલ થઈ છે. હકીકતમાં સમીર વાનખેડે તે સમયે તપાસ અધિકારી હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે આર્યન ખાન ડ્રગ્સ કેસમાં એનસીબીનાં પૂર્વ અધિકારી સમીર વાનખેડેની ખોટી તપાસ માટે સક્ષમ અધિકારીને યોગ્ય પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સમીર વાનખેડેના નકલી જાતિ પ્રમાણપત્ર કેસમાં સરકાર પહેલાથી જ કાર્યવાહી કરી રહી છે. તેમના નકલી જાતિ પ્રમાણપત્રનો મુદ્દો NCP નેતા નવાબ મલિક દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો, જેની પાછળથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

બીજી તરફ, ડીજી એસએન પ્રધાને કહ્યું કે જો પ્રથમ તપાસ ટીમની ભૂલ ન હતી, એસઆઈટી આ તપાસ શા માટે તેઓ પાસેથી લઇ લેતે? કઈક તો ખામીઓ હતી, ત્યારે જ SITએ કેસ લીધો હતો. આ ખામીઓ દૂર કરવા અથવા ઓછામાં ઓછી આગળની કાર્યવાહી તો યોગ્ય રીતે થાય તેને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ હતો સમગ્ર કેસ
2 ઓક્ટોબર 2021ના રોજ, NCB દ્વારા કોર્ડેલિયા ક્રુઝ જહાજ પર દરોડા પાડવામાં આવ્યા હતા. NCBને ક્રુઝ શિપ પર રેવ પાર્ટીની માહિતી મળી હતી. આ પછી ક્રુઝ શિપમાંથી આર્યન ખાન સહિત 8 લોકોની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા દિવસે તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ પકડાયેલા લોકો અલગ-અલગ સમયે જામીન પર બહાર આવ્યા હતા. એક આરોપી હાલ જેલમાં છે. આ કેસમાં આર્યન ખાન 28 દિવસ જેલમાં રહ્યો હતો. શાહરૂખ ખાન અને તેની લીગલ ટીમે પુત્રને છોડાવવા માટે આખી જીંદગી લગાવી દીધી હતી.

આર્યનની ધરપકડ બાદ બોલિવૂડમાં હલચલ મચી હતી
ગયા વર્ષે જ્યારે NCBએ એક ક્રુઝ શિપ પર દરોડા પાડીને અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરાઈ હતી ત્યારે બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો હતો. એનસીબીએ આર્યનને માદક દ્રવ્યોના સેવન અને દાણચોરીના આરોપમાં ઘણા દિવસો સુધી અટકાયતમાં પણ રાખ્યો હતો.

આર્યન 28 દિવસ જેલમાં રહ્યા બાદ જામીન મળ્યા
ડ્રગ્સ કેસમાં મુંબઈની આર્થર રોડ જેલમાં 28 દિવસ વિતાવ્યા બાદ આર્યનને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. આર્યન ખાન કેસના તાર અનન્યા પાંડે સહિત ઘણા લોકો સાથે જોડાયેલા હતા. આ મામલે NCBએ અનન્યાની પૂછપરછ પણ કરી હતી. બીજી તરફ, આ વર્ષે જ્યારે આવકવેરા વિભાગે ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ, અભિનેત્રી તાપસી પન્નુ અને અભિનેતા સોનુ સૂદ જેવા કલાકારોના ઘરો અને ઓફિસો પર દરોડા પાડ્યા ત્યારે તમામ પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ હતી.

મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટને રાહત નહી
મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટને ક્રૂઝ ડ્રગ્સ કેસની ચાર્ટશીટમાં ક્લીનચીટ મળી નથી. બંનેનો ડ્રગ્સ કેસમાં આરોપી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અરબાઝ મર્ચન્ટ સ્ટાર કિડ આર્યન ખાનનો મિત્ર છે. ચાર્ટશીટમાં 6 લોકો સામે કોઈ પુરાવા ન હોવાનું લખવામાં આવ્યું છે. આર્યન ખાન, અવિન સાહુ, ગોપાલ જી આનંદ, સમીર સૈઘન, ભાસ્કર અરોરા, માનવ સિંઘલ એવા લોકોમાં સામેલ છે જેમની વિરુદ્ધ પુરાવા મળ્યા નથી. બાકીના 14 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. તેને ક્લીનચીટ મળી નથી. હવે આ 14 લોકો સામે કેસ ચલાવવામાં આવશે.

Most Popular

To Top