Columns

ભક્તિ અને ઉપાસનાનું પર્વ નવરાત્રી

આજથી શક્તિની ભક્તિનું પર્વ નવરાત્રી પ્રારંભ થઈ રહ્યું છે. ત્યારે માતાજીના ઉપાસકો પૂજા-અર્ચન, અનુષ્ઠાન કરશે અને યુવા યુવક-યુવતિઓ નવરાત્રીના નવ દિવસ ઢોલના ધ્રિળાંગ ધ્રિળાંગ તાલે ગરબે ધૂમશે. બે વર્ષ દરમ્યાન મહામારીને કારણે જાહેર ગરબા યોજાતા નહોતા અથવા તો અનેક મર્યાદા સાથે ઘર આંગણે નાના પાયે ગરબા યોજાતા. કહી શકાય તેવા બે વર્ષના વિરામ બાદ આ વર્ષે બમણા ઉત્સાહથી નવરાત્રીના આયોજનો થયા છે. સ્વાભાવિક જ છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી ગરબા-ગરબીનું સ્વરૂપ સમયની સાથે ઘણું બદલાયું છે.

ધાર્મિક ભાવના અને શક્તિની ઉપાસનાના આશય સાથે યોજાતી એકવખતની નવરાત્રી હવે શહેરના કોઈ-કોઈ ખૂણે નામ-માત્રની જોવા મળે છે બાકી શેરી, મહોલ્લો, સોસાયટી કે મોટા જાહેર આયોજનોમાં માતાજીના બે-પાંચ ગરબા ગાઈ આરતી ગાઈ લઈને માતાજીની પ્રસ્થાપિત તસ્વીર, મૂર્તિ કે ગરબો હટાવી લઈને ટ્રેડીશનલ ડ્રેસમાં યુવક-યુવતિઓ મ્યુઝિક પાર્ટીના કે ડી.જેના તાલે ‘ગરબા’ના નામે ‘નાચતા’ જોવા મળે છે. જોકે આનંદના આઅવસરને માણવો એ કંઈ જરાય ખોટુ નથી પણ નવરાત્રીનો મૂળ આશય ભૂલાઈ ગયો છે. એ પણ હકિકત છે.

ગુજરાત જેના નામે વધુ ઓળખાય એવો આ ગરબો ક્યાથી આવ્યો… પારંપારિક આ ગરબાનો પ્રારંભ ક્યારે થયો? એની કેટલીક ઉપલબ્ધ વાતો જાણીએ. ‘અભિનય દર્પણ’ નામના ગ્રંથમાં દર્શાવ્યા મુજબ બાણાસુરની પુત્રી ઉષાને પાર્વતીજીએ લાસ્ય (નૃત્યનો એક પ્રકાર) શીખવ્યું. ઉષાએ દ્વારિકાની ગોપીઓને શીખવ્યું અને ગોપીઓએ સૌરાષ્ટ્રની સ્ત્રીઓને શીખવ્યું. લાસ્યમાં હાથતાળીનું નર્તન ઉમેરી ઉષાએ વધુ રસપ્રદ બનાવ્યું પણ પુરુષોને તેમાંથી દૂર રાખ્યા કારણ કે સ્ત્રીઓ એકલી જ હોય તો જ લાવણ્યમય અને સૌંદર્યયુક્ત લાસ્ય પ્રગટ થઈ શકે. વર્તુળાકારે યોજાતી લાસ્યમાં તાલ, તાલી, ચપટી, લચક, ઠેસ ઉમેરાય એટલે અસરકારક અને રસપ્રદ બની રહે છે. સમયાંતરે ફેરફાર થતાં વિવિધ પ્રકારના વાજીંત્રો સાથે વિવિધ પ્રકારના તાલીરાસ, દાંડિયા રાસ, ટિપ્પણીરાસ, બેડારાસ, તલવાર રાસ, દીવારાસ, અઠંગો, સોળંગો જેવા રાસગરબાના પ્રકારો આવતા ગયા તો હવે તો જુદા જુદા સ્ટેપના દોઢિયા, પાંચિયા, અઢિયા રાસના પ્રકાર ખૂબ જ લોકપ્રિય બન્યા છે.

એક શબ્દના અનેક અર્થ કરી શકાય તેવા ગુજરાતી સાહિત્યનો ‘ગરબો’ પણ એમાંનો એક શબ્દ છે. વર્તુળાકારે નાચતા-રમતા, ગાતા ફરવું તેને ગરબો કહેવાય અને તેમાં ગવાતી માતાજીની સ્તુતિ પણ ગરબો કહેવાય તો માટીનો, પિત્તળનો, ચાંદીનો કે અન્ય ધાતુઓની કાણાં કોરાવેલી માટલી, કળશને પણ ગરબો કહેવાય છે. એટલે ગરબો રમવો, ગરબો ગાવો કે ગરબો પ્રકટાવવો એમ વિવિધ પ્રકારે ઉપયોગ થતો શબ્દ છે. ગરબો શબ્દ મૂળ તો સંસ્કૃત દીપગર્ભોમાંથી ગભો, ગરભો અને ગરબો એમ અપભ્રંશ થયેલ શબ્દ હોવાનો સાહિત્યમાં ઉલ્લેખ છે. કેટલાયે પ્રાચીન ગરબા એટલા લોકપ્રિય રહ્યા છે. કે આજ પર્યંત નવરાત્રી દરમ્યાન ગવાતા રહ્યા છે.

કવિ ભાણદાસે 1721માં રચેલી રચનાઓ ગરબી કે ગરબા તરીકે ઓળખાતી. વલ્લભ મેવાડાના રચેલ કેટલાયે ગરબા તરોતાજા લાગે અને સતત ગવાતા-સંભળાતા રહ્યા છે. પછી તો જુનાગઢના દિવાન રણછોડજી, કડીન સાંકળેશ્વર, પ્રેમાનંદ દયારામ, પ્રીતમ જેવા સર્જકોની ભક્તિસભર રચનાઓ ગરબા તરીકે ખ્યાતિ પામીને ગવાતી રહી. ચલચિત્રોના આગમન પછી ગુજરાતી ચિત્રપટ માટે અવિનાશ વ્યાસે અનેક ગીતો અને ગરબા લખ્યા જે આજે યુવક-યુવતીઓને ગરબે રમવાને માટે પ્રેરિત કરે છે. માતજીના ગુણગાન સાથે શોભા-શણગાર અને રૂપને વખાણવા સાથે કૃપા મેળવવાની યાચના કરતી રચનાઓ ગરબારૂપે ગવાતી રહી છે.

ગરબો માત્ર ગુજરાતનો હવે નથી રહ્યો રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને છેક દિલ્હી, હરિયાણા સુધી સમગ્ર ઉત્તરી રાજ્યોમાં રાસ-ગરબા સ્વરૂપે વિસ્તર્યો છે. નવરાત્રીના આયોજનો થતા રહ્યા છે. જ્યારે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં નવરાત્રીએ દુર્ગાપૂજાના સ્વરૂપે ઉજવાતો તહેવાર બન્યો છે. ગુજરાત-સૌરાષ્ટ્રના ગરબામાં પ્રાચીન સ્વરૂપે હજુ પણ ગરબા ગવાતા જોવા મળે છે. માતાજીની માંડવી કે જેને ગરબી કહેવાય છે તે વચ્ચે મૂકી ગરબો પ્રકટાવી અને વર્તુળાકારે સ્ત્રી-પુરુષો તાળીઓના તાલે માતાજીના ગરબા ગાઈને ગરબે ધૂમતા હજુ જોવા મળે છે. ગરબાનુંતો ગુજરાતીઓને એટલું વળગણ થઈ ગયું છે કે કોઈ પણ પ્રસંગ હોય દાંડિયારાસ વગર કે ગરબે રમ્યા વગર તે અધૂરો કહેવાય. કોરોના જેવી મહામારી વચ્ચે પણ હોસ્પિટલમાં નર્સ, ડોક્ટર અને દર્દીઓ ગરબે રમ્યા હતા. એવા વીડિયો વાયરલ થયેલા.

માતાજીના શક્તિપીઠ તરીકે જાણીતા અંબાજી, પાવાગઢ તથા બહુચરાજી ઉપરાંત મોઢેરા, ચોટીલા, માતાનો મઢ તરીકે પ્રખ્યાત કચ્છના આશાપુરા મંદિરે અને એવા દરેક માતાજીના સ્થાનકો પર આજે પણ પારંપારિક ગરબા ગાતા અને ગરબે રમતા લોકો ઉપરાંત માથા પર માતાજીના ગરબા લઈ, માંડવડી મૂકી રમતા લોકો તેમજ સારંગ, ઝાંઝોટી, બાગેશ્રી, માંડ, કાડ્ડી, કાલીંગડા, દેશ ખમાજ જેવા રાગોમાં ગવાતા પ્રાચીન ગરબાઓ આવા માતાજીના સ્થનાકો પર જોવા મળે છે.

ઘરોમાં પૂજાસ્થળ પાસે માતાજીની તસ્વીર કે પ્રતિમા મૂકી નવરાત્રીના નવ દિવસ સુધી ગરબો પ્રસ્થાપિત રાખવાની એક પરંપરા છે. ગરબામાં સવાર-સાંજ દિવડા પ્રગટાવી પાંચગરબા અને આરતી ગાવાની તથા ઉપવાસ-એકટાણા અને પૂજા-અનુષ્ઠાન ઘણા દેવીભક્ત હિન્દુ પરિવારોમાં પરંપરા સ્વરૂપ જોવા મળે છે. તમે જો ઘરમાં ગરબાનું પ્રસ્થાપન કર્યું હોય તો શ્રી શૈલપુત્રી, શ્રી બ્રહ્મચારિણી, શ્રી ચન્દ્રઘંટા, શ્રી કૃષ્માંડા, શ્રીસ્ક્રંદમાતા, શ્રી કાત્યાયની શ્રી કાલરાત્રી, શ્રી મહાગૌરી ઉપરાંત શ્રી સિદ્ધિદાત્રી એમ નવદુર્ગાને નવ તિથિએ, નવ નક્ષત્રોએ નવધા ભક્તિ સાથે નવ દિવસ પ્રસાદ શું ધરાવવો  એ વિગત પણ જાણીએ.

પ્રથમ દિવસે માતાજીને ગાયનું શુધ્ધ ઘી અર્પણ કરવું. જેથી પરિવારજનોને નીરોગી રહેવાના આશીર્વાદ મળે છે.

  • બીજી નવરાત્રીએ માતાજીને સાકરનો ભોગ લગાવવો. જે પરિવારજનોની આયુ-વૃદ્ધિ કરે છે.
  • નવરાત્રીના તૃતીય દિવસે માતાજીને દૂધ કે દૂધની બનેલી મિઠાઈઓ અથવા ખીર કે દૂધપાકનો ભોગ લગાવવો જેનાથી અનેક દુ:ખો દૂર થાય છે.
  • ચોથા દિવસે મા દુર્ગાને માલપૂવાનો ભોગ લગાવવો અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન કરવું. જે સન્મતિ પ્રદાન કરે છે.
  • પાંચમા દિવસે માતાજીને કેળાનું નૈવેદ્ય ચઢાવવાથી શરીર સ્વાસ્થય બની રહે છે.
  • નવરાત્રીના છઠ્ઠા દિવસે મધનો ભોગ લગાવવો જે પ્રભાવ અને તેજ વધારે છે.
  • સાતમા દિવસે માતાજીને ગોળનું નૈવેદ્ય ચઢાવવું અને ભૂદેવોને યથાશક્તિ દાનધર્માદો કરવો જે આક્સમિક આવતા સંકટો સામે રક્ષણ આપે છે.
  • માતાજીને નવરાત્રીના આઠમા દિવસે નાળીયેર ચઢાવવું જેથી સંતાન સંબંધી મુશ્કેલીઓથી મુક્તિ મળે છે.

# નવરાત્રીના અંતિમ નવમા દિવસે તલનો ભોગ લગાવવો અને યથાયોગ્ય દાન કરવું. જેથી મૃત્યુનો ભય દૂર થાય છે અને અઘટિત ઘટનાઓનું સંકટ દૂર કરે છે. નવ દિવસ માતાજીને ધરાવેલ પ્રસાદ પરિવારમાં અને અડોસ-પડોશમાં આપવાથી અધિક પૂણ્ય પ્રાપ્ત થાય છે. પાપ-પુણ્ય એ શ્રધ્ધાનો વિષય છે તેથી દર વખતે કહેવાતું હોય છે કે શ્રધ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની કે શંકા-કુશંકાનો જરૂર રહેતી નથી. સમય સાથે બદલાતી પરિસ્થિતિમાં રાસ-ગરબાના આધુનિક સ્વરૂપે મોડી રાત્રી સુધી બહાર રહેતા દીકરા-દીકરીઓના વડીલોની ચિંતા વધારી દીધી છે. બસ, થોડી મર્યાદા અને સાવચેતીની જરૂર છે. માતાજીના ગરબાના નામે આનંદ-પ્રમોદ સુધીની છૂટ પછી પણ ઘરના વડીલો માટે સુરક્ષિત-લગામની જરૂર રહેશે…

Most Popular

To Top