Dakshin Gujarat Main

નર્મદાના કાકરાપાડાની આદિવાસી દીકરીને લગ્નની લાલચે ભગાડી યુવાને વેચી દીધી

રાજપીપળા: (Rajpipla) નર્મદા જિલ્લામાં ઉત્તર ગુજરાત સહિત સુરત અને અમદાવાદના મોટી ઉંમરના યુવાનો નર્મદા જિલ્લાની નાની ઉંમરની આદિવાસી યુવતીઓને ખરીદી લગ્ન (Marriage) કરી લઇ જાય છે અને પછી 1-2 વર્ષ પછી એક બાળક થાય પછી એને તરછોડી મૂકતા હોવાના અઢળક કિસ્સા નર્મદા જિલ્લામાં બન્યા છે. નર્મદા જિલ્લામાં કમિશન ખાતા એજન્ટો પણ સક્રિય છે. પોલીસ (Police) દલાલો સામે પગલાં ભરે એ માટે સાંસદ મનસુખ વસાવાએ આંદોલન છેડ્યું છે. કાકરાપાડા ગામની આદિવાસી દીકરીને (Girl) ભગાડી જઈ એને અન્ય યુવાનને વેચી દેવાનો કિસ્સો સામે આવતાં યુવાન સામે પગલાં ભરવા અને યુવતીને પાછી લાવવા સાંસદ મનસુખ વસાવા વચ્ચે પડતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

  • આબરૂના ‘સોદાગર’: કાકરાપાડાની આદિવાસી દીકરીને લગ્નની લાલચે ભગાડી યુવાને વેચી દીધી
  • ડેડિયાપાડાના કાકરાપાડા ગામની સગીરાના ભાઈએ પોલીસનું શરણું લીધું
  • યુવતીને પાછી લાવવા સાંસદ મનસુખ વસાવા વચ્ચે પડતાં પોલીસે તપાસ હાથ ધરી

ડેડિયાપાડાના કાકરપાડા ગામે રહેતા મેહુલ માનસિંગ વસાવાએ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે, મારી બહેનને ડેડિયાપાડાના બંગલા ફળિયામાં રહેતો ગણેશ વિક્રમ તડવી પટાવી ફોસલાવી માયાજાળમાં ફસાવી ગત તા.12 ઓક્ટોબરે અપહરણ કરી ગયો હતો. જે બાબતની પોલીસે ફરિયાદ પણ નોંધી હતી. જો કે, બાદમાં પરિવારને ખબર પડી કે કોઈ અન્ય વ્યક્તિને તેમની દીકરીને વેચી દીધી છે ત્યારે દીકરીને પાછી લાવવા પોલીસને રજૂઆત કરી છે.

આદિવાસી દીકરીઓને વેચનારાઓને હું નહીં છોડું: સાંસદ મનસુખ વસાવા
મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, એક યુવાન યુવતીને પટાવી ભગાડી જઈ બીજા વ્યક્તિને વેચી દીધી હોવાનું બહાર આવ્યું છે. આ યુવાને કેટલી યુવતીઓને શિકાર બનાવી છે એની તપાસ થવી જોઈએ. બહારના યુવાનોને સ્થાનિક આદિવાસી પરિવારની ગરીબાઈનો લાભ ઉઠાવી પરણાવતાં નર્મદા સહિત આદિવાસી વિસ્તારમાં એજન્ટો સક્રિય છે. આવા લોકો સામે કડક પગલાં ભરવા હું રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરું છું. સરકાર વિધાનસભામાં નિયમ બનાવે.

Most Popular

To Top