National

લો બોલો.. રિડેવલપ કરાયેલા સ્ટેશનો પર હવે ટ્રેનમાં બેસવા અને ઉતરવાની પણ ફી લેવાશે!

નવી દિલ્હી: (New Delhi) જેમનો નવેસરથી વિકાસ (Develop) કરાયો છે તેવા રેલવે સ્ટેશનો (Railway Station) પર લાંબા અંતરની ટ્રેનોમાં (Long Distance Train) ચડવા અને ઉતરવા માટે સ્ટેશન ડેવલપમેન્ટ ફી (Station Development Fee) વસૂલ કરવાની યોજના ભારતીય રેલવે (Indian Railway) બનાવી રહી છે, આ ફી રૂ. ૧૦થી રૂ. પ૦ વચ્ચેની હશે જે પ્રવાસના વર્ગ પર આધારિત રહેશે.

  • લાંબા અંતરની ટ્રેનોની ટિકીટો પર રૂ. ૧૦થી રૂ. ૫૦ જેટલી ફી વસૂલાશે
  • કયા વર્ગમાં મુસાફરી કરવામાં આવે છે તેના આધારે ફી વસૂલ કરવામાં આવશે
  • ઉપનગરીય ટ્રેનોમાં આ ફી વસૂલ કરવામાં નહીં આવે
  • આ ફી આવા તમામ સ્ટેશનો માટે એકસમાન હશે અને તેમાં ટિકીટની કિંમતમાં જીએસટી પણ ઉમેરવામાં આવશે
  • ટ્રેનમાં બેસવા માટે અને ટ્રેનમાંથી ઉતરવા માટે મુસાફરો પાસેથી સ્ટેશન વિકાસ શુલ્ક વસૂલ કરવામાં આવશે

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ફી બુકીંગ વખતે ટ્રેન ટિકીટની કિંમતમાં જ ઉમેરી દેવામાં આવે તેવી શક્યતા છે. આ ફી એના પછી જ વસૂલ કરાશે જ્યારે રિડેવલપ કરાયેલ સ્ટેશન કાર્યરત થઇ જાય. આ યુઝર ફી ત્રણ કેટેગરીઓમાં રહેશે. જેમાં તમામ એસી વર્ગો માટે રૂ. ૫૦, સ્લીપર ક્લાસીસ માટે રૂ. ૨૫ અને અનારક્ષિત વર્ગ માટે રૂ.૧૦ની ફી વસૂલ કરવામાં આવશે. સબર્બન ટ્રેનની મુસાફરી માટે કોઇ સ્ટેશન ડેવલપમેન્ટ ફી વસૂલ કરવામાં આવશે નહીં એ મુજબ રેલવે બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલ પરિપત્ર જણાવે છે.

આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ તમામ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ પર પણ વધારાના રૂ. ૧૦ વસૂલ કરવામાં આવશે. આવા સ્ટેશનો પર ટ્રેનમાં બેસવા માટે અને ટ્રેનમાંથી ઉતરવા માટે મુસાફરો પાસેથી સ્ટેશન વિકાસ શુલ્ક વસૂલ કવામાં આવશે એમ આ પરિપત્રમાં જણાવાયું છે. આ ફી આવા તમામ સ્ટેશનો માટે એકસમાન હશે અને તેમાં ટિકીટની કિંમતમાં જીએસટી પણ ઉમેરવામાં આવશે એમ વધુમાં જણાવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુસાફરોને આધુનિક સવલતો આપવા માટે વિવિધ સ્ટેશનો રિડેવલપ કરવામાં આવી રહ્યા છે. વેસ્ટ સેન્ટ્રલ રેલવેનું રાની કમલાપતિ સ્ટેશન અને પશ્ચિમ રેલવેનું ગાંધીનગર કેપિટલ સ્ટેશન આ રીતે વિકસીત કરીને કાર્યરત કરવામાં આવ્યું છે.

Most Popular

To Top