Dakshin Gujarat

VIDEO: સરદાર ડેમમાંથી સાડા ત્રણ લાખ ક્યૂસેક પાણી છોડાતા નર્મદાની સપાટી ભયજનકની નજીક પહોંચી

ભરૂચ (Bharuch) : ઉપરવાસમાં ભારે વરસાદ (Rain) બાદ નર્મદા (Narmada) ડેમમાંથી (Dam) સાડા ત્રણ લાખ ક્યુસેક પાણી ડાઉન સ્ટ્રિમમાં છોડવામાં આવી રહ્યું છે. મોટી માત્રામાં પાણી નર્મદા નદીમાં છોડવાના કારણે નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લામાં નર્મદા નદીનું જળસ્તર વધવાની અને પૂરનું સંકટ ઉભું થવાની ચેતવણી આપવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં ત્રણ તાલુકાના 40 ગામ સાથે ભરૂચ – અંકલેશ્વરના નર્મદા કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. વહીવટીતંત્ર સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ વચ્ચે વહેલી સવારે રાહતના સમાચાર એ સામે આવ્યા કે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી ભયજનક સપાટીથી હજુ 4 ફૂટ નીચે વહેતી નજરે પડી હતી.

  • ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની ભયજનક સપાટી 24 ફુટ અને વોર્નિંગ લેવલ 22 ફુટ છે. સવારે 6.30 વાગે જળસ્તર 17 ફુટ, સવારે ૯ વાગ્યે 19.5 ફૂટ અને સવારે 9.45 વાગે 20 ફૂટ નોંધાયું હતું
  • ગોલ્ડનબ્રીજ નીચે આવેલી ઝુંપડપટ્ટીમાં 40 મકાનમાં રહેતા લોકોને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા

ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની ભયજનક સપાટી 24 ફુટ અને વોર્નિંગ લેવલ 22 ફુટ છે. મંગળવારે સવારે 6.30 વાગે જળસ્તર 17 ફુટ નોંધાયું હતું. જયારે સવારે 9 વાગ્યે વધીને ગોલ્ડનબ્રિજ પર 19.5 .ફૂટ તેમજ સવારે 9.45 વાગે જળસપાટી વધીને 20 ફૂટ નોંધાયું હતું. આ જોતા નદી ખતરાના નિશાન નજીક પાણી આવી રહ્યું છે. સાવચેતીના ભાગરૂપે ભરૂચના વહીવટીતંત્રએ ભરૂચ જિલ્લાના ઝઘડીયા, અંકલેશ્વર અને ભરૂચ તાલુકાના 40 ગામોને એલર્ટ કર્યા છે. ભરૂચના ગોલ્ડનબ્રીજ નીચે આવેલી ઝુપડપટ્ટીમાં 40 મકાનમાં રહેતા લોકોને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા.

ભરૂચ નગરપાલિકા સાથે ભરૂચ પોલીસની ટીમ નર્મદા નદીના જળસ્તર ઉપર નજર રાખી રહી છે. ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ સમગ્ર ઘટના પર ચાંપતી નજર રાખીને તકેદારીના પગલા લઇ રહ્યા છે. જેમણે તંત્રની કામગીરી અને નર્મદાના જળસ્તરની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. વહીવટીતંત્ર દ્વારા જરૂર પડે અંકલેશ્વર તાલુકાના નર્મદા કાંઠાના ગામોમાં સ્થળાંતર કરવાની તૈયારી રાખવામાં આવી છે.

Most Popular

To Top