Vadodara

ગળે ટૂંપો આપી યુવતીની હત્યા કરનાર વિધર્મી પ્રેમીને આજીવન કેદની સજા

વડોદરા: ચાર વર્ષ પૂર્વે નંદ સોસાયટી ચાર રસ્તા પાસે યુનાઈટેડ ગરબા ગ્રાઉન્ડની સામે 25 વર્ષની યુવતીની મળેલી લાશનો જેપી પોલીસે ભેદ ઉકેલીને ઝડપી પાડેલા હત્યારાને ખૂનના કેસમાં સેસન્સ કોર્ટે તકસીરવાન ઠરાવીને આજીવન કેદની સજા ફટકારી હતી. જુના પાદરા રોડ સ્થિત ઓર્ચિડ બંગ્લોઝમાં રહેતા યશોદા યુવરાજ મૌર્યએ તારીખ 25,4,2019ના રોજ સિટી પોલીસ મથકમાં એમની 25 વર્ષીય પુત્રી પ્રાચીની હત્યાની ફરિયાદ નોંધાવી હતી. તેમાં જણાવ્યું હતું કે ચીકુવાડી સ્થિત આવેલા અપ્લોસ સ્ટુડિયોમાં એક પખવાડિયા થીનડ્રામાના ક્લાસમાં જતી તેમની પુત્રી પ્રાચી 24મીના બપોરે કપડાં તથા મેકઅપનો સામાન લઈને એકટીવા લઈને ગઈ હતી તેને જણાવ્યું કે રાત્રે ખંભાતમાં ડ્રામાનો કાર્યક્રમ છે. તેથી તેની સાથેના આર્ટિસ્ટો સાથે જશે અને રાત્રે તેમને ઘર સુધી હેમખેમ પહોંચતા કરવાની જવાબદારી સ્ટુડિયોના સંચાલકની છે.

રાત્રે દોઢ વાગે વડોદરા પરત ફર્યા ત્યારે તેમની સાથેના આર્ટિસ્ટ અંકિત શર્મા તેમની બાઇક પર અને પ્રાચી એક્ટીવા પર જવા નીકળ્યા હતા. પ્રાચીના એક્સ બોયફ્રેન્ડ વસીમ ઉર્ફે અરહાન સિકંદર મલેકે (સી/94, ફાતેમા રેસીડેન્સી, કરોડિયા રોડ,ગોરવા) રિલાયન્સ મોલની ગલી પાસે રાત્રે આવતા અને અંકિતને જણાવેલ કે અમારી પર્સનલ મેટર છે તું જતો રહે. જેથી મધરાત્રે અંકિત ગયા બાદ બીજા દિવસે સવારે પ્રાચીની લાશ મળી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તથા અંકિત શર્માના નિવેદન લઇ ને વસીમ મલિકની ધરપકડ કરી હતી અને પૂછતાછ દરમિયાન ચાર વર્ષથી વસીમ પ્રાચી પાસે ટ્યુશન ક્લાસ કરતો હતો એ દરમિયાન બન્ને પ્રેમમાં પડી ગયા હતા.

થોડા સમય પૂર્વે બ્રેકઅપ થતા એક તરફી પ્રેમમાં પાગલ બની ગયેલા વસીમે મારી નહિ તો કોઈની નહિ તેવા  ઇરાદા સાથે બનાવના દિવસે પણ દેખાવડી પ્રાચી વશમાં ન થતા મારઝૂડ કરીને તેવી ઓઢણી વડે નિર્દયતાપૂર્વક ગળેટૂંપો આપીને ખૂન કરી નાખ્યું હતું અને રોડની એક તરફ ફેંકીને સ્વરૂપવાન પ્રાચીના બંને મોબાઈલ તથા એકટીવાની ચાવી લઇને ફરાર થઇ ગયો હતો. હાલ સેન્ટ્રલ જેલમાં પુરાયેલો કાચા કામનો કેદી વસીમ મલેકની હત્યાનો કેસ 14માં એડિશનલ સેશન્સ જજ પીએમ.ઉનડકટ ની કોર્ટમાં ચાલી ગયો હતો. સરકાર તરફે ધારાશાસ્ત્રી પી એન પરમારે કરેલી દલીલોમા જણાવ્યું હતું કે આ કેસને રેરેસ્ટ ઓફ રેર ગણીને ફાંસી આપવાની માંગ કરી હતી.અદાલતે સાક્ષીઓ,પુરાવા, સીસીટીવીના ફૂટેજો મેડીકલ રીપોર્ટ સહિતના પુરાવાને ધ્યાને લીધા હતા. અદાલતે આરોપીને ગુનેગાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી અને ૧૫ હજારનો દંડ કર્યો હતો.

Most Popular

To Top