Dakshin Gujarat

ડાંગ: પૂર્વ પત્નીને હાથ, ચહેરા, ગળા અને નાક પર ધારીયાથી હુમલો કરી પતિએ મારી નાંખી

સાપુતારા : ડાંગ જિલ્લાનાં ગુંદવહળ ગામની મહિલાએ છુટાછેડા લઈ બીજા લગ્ન કરતા તેની અદાવતમાં પૂર્વ પતિએ ધારીયા વડે હુમલો કરી મહિલાની કરપીણ હત્યા કરતા અરેરાટી વ્યાપી જવા પામી છે. પૂર્વ પતિએ હથિયાર વડે હાથ, ચહેરા, ગળા અને નાક પર જોરદાર પ્રહાર કરતા નાક અને ગળુ કપાઈ જતા મહિલાનું મોત થયું હતું.

  • પૂર્વ પત્નીને હાથ, ચહેરા, ગળા અને નાક પર ધારીયાથી હુમલો કરી પતિએ જીવ લઈ લીધો
  • ડાંગનાં ગુંદવહળ ગામની મહિલાએ છુટાછેડા લઈ બીજા લગ્ન કરતા તેની અદાવત રાખી હુમલો કરી હત્યા કરતા અરેરાટી વ્યાપી
  • વઘઇ પોલીસે નાસી છુટેલા આરોપીને ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડ્યો

ડાંગ જિલ્લાનાં બોરપાડા ગામની રહેવાસી જ્યોતીબેન રમેશભાઈ ગાયકવાડનાં બીજા લગ્ન મહિના અગાઉ પ્રવિણભાઈ રાયેજભાઈ ગવળી (રહે. ગુંદવહળ તા.વઘઇ જી.ડાંગ) સાથે થયા હતા. જ્યોતિબેનનાં પ્રથમ લગ્ન લહાન દાબદરનાં વિજયભાઈ મંગુભાઈ ધૂમ સાથે થયા હતા. જ્યોતિબેનનો પ્રથમ પતિ ખૂબ જ મારઝૂડ કરતો હોવાથી ત્રણ ચાર મહિના અગાઉ જ છુટાછેડા થયા હતા. જેથી જ્યોતિબેને હાલમાં બીજા પતિ પ્રવિણભાઈ ગવળી જોડે સંસાર માંડ્યો હતો. ગતરોજ પ્રવિણ ગવળી અને પત્ની જ્યોતિબેન મોટરસાઈકલ ન.જી.જે.30.સી.4236 પર સવાર થઈ બીમાર સસરાને જોવા માટે વાંસદા ગયા હતા. અને સાંજે બહેનનાં ગામ વાનરચોંડ રોકાયા હતા.

આજે સવારે પ્રવિણભાઈ અને તેની પત્ની જ્યોતિ વાનરચોંડથી ગુંદવહળ ગામ જવા નીકળ્યા હતા. તે અરસામાં વઘઇથી શામગહાનને જોડતા માર્ગમાં આવેલા નાનાપાડા ગામ નજીક એક મોટરસાઈકલવાળાએ પાછળથી આવી પ્રવિણભાઈની મોટરસાઈકલની આગળ તેની મોટરસાઈકલ આડી કરી દીધી હતી. અને તેણે કઈ પણ બોલ્યા વગર બેગમાંથી ધારીયા જેવુ હથિયાર કાઢી જ્યોતિબેન પર હુમલો કરી દીધો હતો. વિજય ધૂમે પત્ની જ્યોતિ પર હથિયાર વડે હાથ, ચહેરા, ગળા અને નાક પર જોરદાર પ્રહાર કરતા નાક અને ગળુ કપાઈ જતા તેણી જમીન પર ફસડાઈને પડી ગઈ હતી.

પતિએ પત્નીને બચાવવા માટે બુમાબુમ કરતા ગ્રામજનો ધસી આવ્યા હતા. જ્યારે આરોપી ઈસમ મોટરસાઈકલ લઈ નાસી છૂટ્યો હતો. અહી પૂર્વ પતિએ છુટાછેડા અને પત્નીએ બીજા લગ્ન કરી લેવાની અદાવતમાં ધારીયા વડે હુમલો કરી કરપીણ હત્યા કરતા ફરિયાદી પ્રવિણભાઈ ગવળીએ આરોપી વિજયભાઈ મંગુભાઈ ધૂમ સામે વઘઇ પોલીસ મથકમાં ગુનો નોંધાવતા વઘઇ પોલીસ મથકનાં પી.એસ.આઈ. પી.બી.ચૌધરીએ ગુનો નોંધી નાસી છુટેલા આરોપી વિજય મંગુભાઈ ધૂમને ગણતરીનાં કલાકોમાં જ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top