Columns

મુંબઈના પોલીસ કમિશનર પરમબીર સિંહનો ભોગ કેમ લેવાયો?

રાજકારણ શતરંજની રમત છે. શતરંજમાં રાજાને બચાવવા માટે હાથી, ઊંટ, ઘોડા કે વજીરનો પણ ભોગ લેવાતો હોય છે. મહારાષ્ટ્રના રાજકારણમાં પણ શતરંજનો ખેલ જોવા મળી રહ્યો છે. રાજા કોણ છે? તે નક્કી નથી થતું, પણ તેને બચાવવા માટે પહેલાં આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સચિન વાઝેનો ભોગ લેવાયો, જે કદાચ ઘોડાના સ્થાને હતો.

પછી મુંબઈ પોલીસમાં વજીરના સ્થાને રહેલા પોલીસ કમિશનર પરમ બીર સિંહની બદલી અચાનક હોમ ગાર્ડમાં કરવામાં આવી છે. તેને બદલી ન કહી શકાય પણ પદભ્રષ્ટ કર્યા કહી શકાય, કારણ કે મુંબઈના પોલીસ કમિશનરની સરખામણીએ હોમ ગાર્ડનો હોદ્દો ઊતરતો ગણવામાં આવે છે.

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના બંગલા બહાર વિસ્ફોટકો ભરેલી કાર પાર્ક કરવાના કેસમાં એક પછી એક રહસ્યો બહાર આવી રહ્યાં હતાં. કોઈ તબક્કે એવા પુરાવા હાથ લાગ્યા કે તે કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા પરમ બીર સિંહની ધરપકડ થઈ શકે તેવા સંયોગો પેદા થયા હતા. જો મુંબઈના પોલીસ કમિશનર હોદ્દા પર હોય ત્યારે તેમની ધરપકડ થાય તો મહારાષ્ટ્રની સરકારની ભારે ફજેતી થાય તેમ હતું.

મહારાષ્ટ્ર સરકાર શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ એમ ત્રણ પક્ષોની મોરચા સરકાર છે. શિવસેના કોઈ પણ ભોગે સચિન વાઝેને અને પરમ બીર સિંહને બચાવી લેવા માગતી હતી. જો તેમને બચાવવા જાય તો રાષ્ટ્રવાદી કોંગ્રેસ ટેકો પાછો ખેંચી લે અને સરકારનું જ પતન થઈ જાય તેમ હતું. પરમ બીર સિંહને બચાવવા પહેલાં સચિન વાઝેનો ભોગ લેવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવિસે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવીને મહારાષ્ટ્ર સરકાર પર વિસ્ફોટક આક્ષેપો કરવા સાથે આકરા પ્રહારો કર્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સ પહેલાં જ પરમ બીર સિંહનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું અને તેમના સ્થાને હેમંત નાગરાલેની વરણી કરવામાં આવી હતી. આ ભેદી પ્રકરણ પૂરું નથી થયું પણ તેમાં ઘણાં હાડપિંજરો બહાર આવવાનાં છે.

મુકેશ અંબાણીના પ્રકરણમાં પરમ બીર સિંહ કરતાં પણ સચિન વાઝેની ભૂમિકા વધુ શંકાસ્પદ છે. દેવેન્દ્ર ફડનવિસે કરેલા આક્ષેપ મુજબ સચિન વાઝે શિવસેના માટે ખંડણી ઉઘરાવી આપતો પોલીસ અધિકારી હતો. ૨૦૦૪ માં ખ્વાજા યુનુસના કસ્ટડી મરણ કેસમાં હાઇ કોર્ટના આદેશને પગલે સચિન વાઝેને સસ્પેન્ડ કરવામાં આવ્યો ત્યાર પછી ૨૦૦૭ માં તે શિવસેનામાં જોડાયો હતો. તેની સામે ખંડણીના કેસો પણ ફાઇલ કરવામાં આવ્યા હતા.

દેવેન્દ્ર ફડનવિસના જણાવ્યા મુજબ તેઓ જ્યારે ભાજપ-શિવસેનાની સંયુક્ત સરકારના મુખ્ય પ્રધાન હતા ત્યારે શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ તેમને ફોન કરીને સચિન વાઝેને નોકરીમાં પાછો લેવાની ભલામણ કરી હતી, પણ ફડનવિસે તે ભલામણ સ્વીકારી નહોતી. ૨૦૨૦ માં શિવસેના-કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસની મહા વિકાસ અઘાડી સરકાર આવી કે રાતોરાત મુંબઇના તત્કાલીન પોલીસ કમિશનર પરમ બીર સિંહે મીટિંગ બોલાવીને સચિન વાઝેને નોકરીમાં પરત લઈ લીધો હતો.

સચિન વાઝેને નોકરીમાં લીધા તેની નિમણૂક મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના ક્રાઈમ ઇન્ટેલિજન્સ યુનિટમાં કરવામાં આવી હતી, જે માતબર પોસ્ટ ગણાય છે. તે પછી હૃતિક રોશન, અર્ણબ ગોસ્વામી વગેરે મહત્ત્વના કેસો તેને સોંપવામાં આવ્યા હતા.

મુકેશ અંબાણીના કેસમાં તો સચિન વાઝેએ મુખ્ય આરોપીની ભૂમિકા ભજવી હતી. તેમ છતાં મુંબઈના તત્કાલીન પોલીસ કમિશનર પરમ બીર સિંહે તેની તપાસ સચિન વાઝેને સોંપી હતી, જેને કારણે મુંબઈ પોલીસની છાપને બટ્ટો લાગી ગયો હતો. સચિન વાઝેનો પગાર માત્ર ૬૦,૦૦૦ રૂપિયા જેટલો છે.

તો પણ તેની પાસે ૫,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું કહેવાય છે. તે દસ કંપનીઓનો માલિક છે. તેની અમુક કંપનીઓ તો શિવસેનાના જાણીતા નેતાઓની ભાગીદારીમાં ચાલી રહી છે. મુંબઈ પોલીસના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર પાસે આટલા રૂપિયા ક્યાંથી આવ્યા? તેની તપાસ કરવી જરૂરી છે.

મુકેશ અંબાણીના કેસમાં સચિન વાઝેની ભૂમિકા બહાર આવી તે પછી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તેને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવાને બદલે વિધાનસભામાં તેની પ્રશંસા કરવાની ભૂલ કરી હતી. તેને કારણે ઉદ્ધવ ઠાકરે ખુદ શંકાનાં કુંડાળામાં આવી ગયા હતા.

એનઆઈએ દ્વારા સચિન વાઝેની ધરપકડ કરવામાં આવી તે પછી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો તે પહેલાં પરમ બીર સિંહે સચિન વાઝે સાથે બંધબારણે મંત્રણાઓ કરી હતી. આ મંત્રણાઓ દરમિયાન તેમણે સચિન વાઝે પાસેથી રહસ્યો જાણવાના પ્રયાસો કર્યા હતા.

મુકેશ અંબાણીના કેસમાં મુંબઈના તત્કાલીન પોલીસ કમિશનર પરમ બીર સિંહની સંડોવણી ન હોય તો પણ તેમના નાક નીચે તેમના હાથ નીચેના અધિકારી દ્વારા આટલા મોટા કૌભાંડને અંજામ આપવામાં આવ્યો અને તેમને જરા જેટલી પણ શંકા ન ગઈ હોય તો પણ તેઓ જવાબદાર છે.

મુકેશ અંબાણીના બંગલા બહાર વિસ્ફોટકો ભરેલી જે કાર પાર્ક કરવામાં આવી તેને એસ્કોર્ટ કરવા માટે જે ઇનોવા કાર વાપરવામાં આવી હતી તે મુંબઇ પોલીસની કાર હતી. સંભવત: સચિન વાઝે પોતે તે કાર ડ્રાઇવ કરી રહ્યો હતો.

સચિન વાઝે પરમ બીર સિંહને મળ્યો ત્યારે તેણે આ બધી વાત કરી જ હશે. તેમ છતાં પરમ બીર સિંહ મૌન રહ્યા હતા. તેમણે સચિન વાઝેની ધરપકડનો આદેશ આપ્યો નહોતો પણ તેને છાવરવાની કોશિશ કરી હતી. હવે સચિન વાઝેને છાવરવાનો પ્રયાસ કરવા બદલ પરમ બીર સિંહની એનઆઈએ દ્વારા ધરપકડ પણ થઈ શકે છે.

મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારમાં ગૃહ ખાતું રાષ્ટ્રવાદી કોંગ્રેસના અનિલ દેશમુખ પાસે છે. સચિન વાઝેનું પ્રકરણ બહાર આવ્યા પછી ફરજપાલનમાં બેદરકારી દાખવવા બદલ ભાજપ દ્વારા અનિલ દેશમુખના રાજીનામાની માગણી પણ કરવામાં આવી હતી. તરત રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા શરદ પવાર ચિત્રમાં આવ્યા હતા અને તેમણે અનિલ દેશમુખના રાજીનામાની માગણી નકારી કાઢી હતી.

સ્પષ્ટ છે કે સચિન વાઝેએ અને પરમ બીર સિંહે જે પરાક્રમ કર્યું તે માટે તેઓ શિવસેનાને જવાબદાર માનતા હતા. સચિન વાઝેની ધરપકડ પછી શરદ પવાર સીધા ઉદ્ધવ ઠાકરેને મળવા પહોંચી ગયા હતા. તેમની મુલાકાત દરમિયાન જ પરમ બીર સિંહના રાજીનામાની કથા લખાઈ ગઈ હતી. ઉદ્ધવ ઠાકરે રાજીનામું લેવાની બાબતમાં અવઢવમાં હતા. ત્યાં દેવેન્દ્ર ફડનવિસે પ્રેસ કોન્ફરન્સની જાહેરાત કરી એટલે તરત રાજીનામું માગી લેવામાં આવ્યું હતું.

ભાજપનો મોરચો કેન્દ્રમાં સત્તામાં છે. મુકેશ અંબાણીનો કેસ સંભાળી રહેલી એનઆઈએ કેન્દ્રના હાથમાં છે. જો ભાજપનો મોરચો ધારે તો એનઆઈએનો ઉપયોગ કરીને સચિન વાઝેના ગોડફાધર જેવા શિવસેનાના નેતાની ધરપકડ કરી શકે છે. દેવેન્દ્ર ફડનવિસના જણાવ્યા મુજબ તેમની પાસે પરમ બીર સિંહની ફોન પરની વાતચીતનો ડેટા છે.

આ ડેટા પરમ બીર સિંહ કોના આદેશ હેઠળ કામ કરતા હતા તેનો ઘટસ્ફોટ કરી શકે છે, પણ હાલના તબક્કે તેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ભાજપના મોરચાની સરકાર પરમ બીર સિંહના ગોડફાધર સામે પગલાં લેવાને બદલે રાજકીય લડાઈ લડી રહી છે. આ લડાઈમાં પડદા પાછળ ભીનું સંકેલી લેવામાં આવે તેવું બની શકે છે.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top