Columns

માતાનો પત્ર

નાનકડો રૂશાન મોટો થતો હતો. આજે તેનો અગિયારમો જન્મદિવસ હતો.તેની ઈચ્છા હતી સરસ રીતે જન્મદિવસ ઉજવવાની. માતા પિતાએ બધી તૈયારી કરી લીધી તેને સરપ્રાઈસ પાર્ટી આપવાની.તેને ગમતી પીઝા હટ……ભાવતી ચોકલેટ કેક …..ઘણી બધી ગીફ્ટસ…અને નવાં કપડાં. આ બધા સાથે મમ્મીએ એક પત્ર રૂશાન માટે લખ્યો અને કેક કટિંગ બાદ મમ્મીએ તેને આ પત્ર ખાસ ભેટ આપ્યો અને કહ્યું, ‘હું ઈચ્છું છું કે  તું આ પત્ર મોટેથી વાંચ ..તારા મિત્રોને વાંચી સંભળાવ … અને પછી પાર્ટી એન્જોય કરો. રૂશાને પત્ર હાથમાં લીધો. ખોલ્યો…..પત્ર બહુ લાંબો ન હતો …તેમાં મમ્મીએ એવી વાતો લખી હતી જે તે ઈચ્છતી હતી કે રૂશાન આ વાતો જીવનમાં હવે શીખી લે અને યાદ રાખે.રૂશાને પત્ર વાંચવાની શરૂઆત કરી.પત્રમાં લખ્યું હતું …..વ્હાલા દીકરા …હેપી બર્થ ડે ..આજે તારો અગિયારમો જન્મદિવસ છે અને હું ઈચ્છું છું કે અહીં જણાવેલી નાની નાની વાત તું હંમેશા યાદ રાખે અને જીવનમાં ઉતારે….. સૌથી પહેલાં જો ક્યારેય પણ તારાથી કોઈ ભૂલ થાય તો તેનો સ્વીકાર કરી અને માફી માંગી લેવાની હિંમત રાખજે  ……જો કોઈએ તારી કોઈ મદદ કરી હોય તો ભૂલ્યા વિના તેનો આભાર માનજે, ભલે તે અજાણ્યો વ્યક્તિ હોય કે નજીકનો મિત્ર …ઘરનો નોકર હોય કે પછી કોઈ મોટો માણસ ..આભાર દરેકનો માનવો જરૂરી છે………

જો કોઈ વાતે તને મનમાં મૂંઝવણ હોય, કંઈ સમજાતું ન હોય તો એક વાર નહિ, દસ વાર પ્રશ્નો પૂછજે…પ્રશ્ન પૂછવામાં અને ન સમજાતું ફરી સમજવામાં કોઈ નાનમ નથી.જો તને કોઈ વિષય …કોઈ વિશેષ વસ્તુ આવડતી હોય તો તે બીજાને શીખવજે ..જ્ઞાન વહેંચવાથી વધે છે તે યાદ રાખજે.જો કોઈ વખત તું ક્યાંક મુશ્કેલીમાં ફસાઈ જાય તો મદદ માંગતાં અચકાતો નહિ ..અભિમાન રાખતો નહિ…..જો કોઈ ખોટું કાર્ય કરે તો તેની સજા ભોગવવા પણ તૈયાર રહેજે, એટલે કંઈ પણ ખોટું કરતાં પહેલાં વિચાર કરજે…જેને જેને જીવનમાં તું પ્રેમ કરે છે તેને જણાવતો રહેજે અને સાચો પ્રેમ કરજે..પ્રેમનો દેખાડો નહિ.બહારગામ ફરવા જાય તો જાતે ઉપાડી શકાય તેટલો જ સમાન જોડે રાખવો …અને જીવનમાં પણ જાતે પૂરાં થઇ શકે તેવાં જ  કાર્યો હાથમાં લેજે….જો કોઈને મદદ કરવાની તાકાત તારામાં હોય તો અચૂક મદદ કરજે ….અને જીવનમાં આગળ વધતાં કંઈ ખોટું થતાં જુએ તો તેનો વિરોધ કરજે…આ બધી વાતો ખાસ યાદ રાખજે. રૂશાન પત્ર વાંચીને મમ્મીને ભેટી પડ્યો અને બધી વાત જીવનમાં યાદ રાખવાનું પ્રોમિસ આપ્યું.પાર્ટી શરૂ થઇ.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top