Editorial

મોરબીની ઝુલતા પુલ હોનારતમાં હાઈકોર્ટે વળતર અપાવ્યું, હવે કડક સજાની આશા

દેશમાં જો આજે કોઈને પણ ભરોસો હોય તો તે માત્ર ન્યાયતંત્ર પર જ છે. જેનો અવારનવાર પૂરાવો પણ મળતો રહે છે. થોડા સમય પહેલા મોરબીમાં એક મોટી કરૂણાંતિકા બની હતી. મોરબીમાં ઝુલતો પુલ તૂટી જતાં 141 વ્યક્તિના મોત થયા હતા. આ ઘટનામાં મોરબી નગરપાલિકાની સાથે સાથે ઓરેવા કંપનીને પણ જવાબદાર હતી. તમામની સામે ગુનાઓ નોંધાયા પરંતુ જેમના મોત થયા તે વ્યક્તિના પરિવારને કશું જ મળ્યું નહોતું. ઈજાગ્રસ્તોને પણ ભૂલી જવામાં આવ્યા હતા. આ અંગે હાઈકોર્ટમાં અરજી થતાં હાઈકોર્ટે સપાટો બોલાવ્યો હતો. હાઈકોર્ટે ઓરેવા કંપનીના જયસુખ પટેલની સાથે સાથે નગરપાલિકા અને સરકાર સહિત તમામને નોટિસો ફટકારી હતી. ઓરેવા કંપનીના જયસુખ પટેલ પહેલા ભાગતા ફરતાં હતાં પરંતુ બાદમાં તેઓ પોલીસમાં હાજર થઈ ગયા. પોલીસે તેના રિમાન્ડ લઈને ગત તા.8મી ફેબ્રુઆરીના રોજ જેલ હવાલે કરી દેવામાં આવ્યા.

પોલીસે આ રિમાન્ડ દરમિયાન શું શું વિગતો બહાર આવી તેનો કશો જ ફોડ પાડ્યો નથી. પરંતુ હાઈકોર્ટે સતર્કતા દાખવી આ ઘટનામાં કેટલાના મોત થયા અને તેમના પરિવારજનો કોણ છે? કોને ઈજાઓ થઈ? કયા બાળકોએ માતા-પિતા ગુમાવ્યા? એક પરિવારે એકથી વધુ સભ્યો ગુમાવ્યા હોય સહિતની તમામ વિગતો મંગાવી હતી. આ વિગતોના આધારે હાઈકોર્ટે સુનાવણી રાખી હતી. એક સાથે 141 વ્યક્તિના મોત છતાં પણ ઓરેવા કંપની દ્વારા મોતનો મલાજો જાળવવામાં આવ્યો નહોતો. કંપનીએ હાઈકોર્ટમાં અસરગ્રસ્તોને ચૂકવવાના થતાં વળતર અંગે શરૂઆતમાં મૃતકોને માત્ર 3.50 લાખ અને ઈજાગ્રસ્તોને 1 લાખ વળતર જ ચૂકવવાની તૈયારી બતાવી હતી.

કોર્ટમાં આ અંગે જ્યારે સુનાવણી થઈ ત્યારે જયસુખ પટેલના વકીલે શરૂઆતમાં 3.50 બાદ મૃતકોને 5 લાખનું વળતર ચૂકવવા માટે તૈયારી બતાવી હતી પરંતુ હાઈકોર્ટએ મૃતકોને 10 લાખ અને ઈજાગ્રસ્તોને બે-બે લાખ રૂપિયા ચૂકવવા માટે ઓરેવા કંપનીને આદેશ કર્યો હતો. હાઈકોર્ટએ આ વચગાળાનો આદેશ કર્યો છે. હાઈકોર્ટે કરેલો વચગાળાનો આદેશ જોતાં આગામી દિવસોમાં હાઈકોર્ટ દ્વારા તમામ અસરગ્રસ્તોને ન્યાય મળશે તેવી આશા ઊભી થઈ છે. હાઈકોર્ટ દ્વારા જ્યારે વચગાળાનો આદેશ આપવામાં આવ્યો ત્યારે હાઈકોર્ટમાં હાજર પરિવારોની આંખો ભરાઈ આવી હતી. તેઓ હાઈકોર્ટમાં ન્યાય માંગવા માટે આવ્યા હતા.

સમગ્ર ગુજરાતને ધ્રુજાવી દેનારી આ ઘટનાની ભયાનકતા એ રીતે હતી કે 141 વ્યક્તિએ જીવ તો ગુમાવ્યા જ હતાં પરંતુ સાથે સાથે કેટલી હદની બેદરકારી બતાવવામાં આવી હતી તે પણ બહાર આવ્યું હતું. પોલીસે આ ઘટનામાં 304 મુજબ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. જેમાં ગત તા.27મી જાન્યુઆરીએ મોરબીમાં સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. જેમાં તે સમયે જયસુખ પટેલને ભાગેડું બતાવવામાં આવ્યા હતા. પોલીસે 1262 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. જેમાં જયસુખ પટેલે પોતાના અંગત સ્વાર્થ માટે પુલને અધૂરા સમારકામે ખુલ્લો મુકી દેવાનો ધડાકો કરાયો હતો. પુલ ખુલ્લો મુકવા પાછળ જયસુખ પટેલને આર્થિક લાભ થયો હોવાનો પણ ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સમારકામની મુદત એક વર્ષની હોવા છતાં પણ તેને માત્ર 6 જ માસમાં ખુલ્લો મુકી દેવામાં આવ્યો હતો.

પુલના બે કેબલમાંથી એક કેબલ નબળો હતો છતાં પણ તે પ્રત્યે ગંભીરતા બતાવવામાં આવી નહી. આ ઉપરાંત બીજા કેબલમાં પણ 49માંથી 22 તાર કાટ ખાઈ ગયા હોવા છતાં પણ તેને રિપેર કરવામાં આવ્યા નહોતા. પુલ નદીની ઉપર હોવા છતાં પણ તેમાં લાઈફ સપોર્ટ સિસ્ટમની સુવિધા જ ઊભી કરવામાં આવી નહોતી. હાઈકોર્ટએ આ હોનારત અંગે યોગ્ય જ પગલાઓ લીધા છે પરંતુ અસરગ્રસ્તોને વળતરની સાથે તેમને ન્યાય મળે તે પણ એટલું જ જરૂરી છે. આ હોનારતમાં અનેક પરિવારે પોતાના લાડકવાયા ગુમાવ્યા છે તો અનેક બાળકો અનાથ પણ બની ગયા છે. અનેકની ટેકણલાકડી છીનવાઈ ગઈ છે. અસરગ્રસ્ત પરિવારોને આ એવા ઘા લાગ્યા છે કે જે રુઝાઈ શકે તેમ નથી. હાઈકોર્ટ પાસે અસરગ્રસ્તોને મોટી આશા છે. હાઈકોર્ટ આ હોનારતના જવાબદારોને ઝડપથી કડકમાં કડક સજા કરે તે જરૂરી છે કે જેથી આ રીતે કોઈપણ વ્યક્તિ પોતાના આર્થિક લાભ માટે આટલી બેદરકાર નહી બને.

Most Popular

To Top