Columns

યુક્રેનનું યુદ્ધ ખતમ કરવા રશિયા અણુબોમ્બનો પ્રયોગ પણ કરી શકે છે

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તેને ૧૨ મહિના પૂરા થયા છે, પણ યુદ્ધનો અંત નજીક દેખાતો નથી.  રશિયાએ જ્યારે યુદ્ધ શરૂ કર્યું ત્યારે દાવો કર્યો હતો કે તેઓ યુક્રેન પર એક સપ્તાહમાં જીત મેળવી શકે છે, પણ તે દાવો હાસ્યાસ્પદ પુરવાર થયો છે. રશિયા જેવી મહાસત્તા પણ યુક્રેન જેવા નાનકડા દેશ ઉપર વિજય ન મેળવી શકી તેનું મુખ્ય કારણ એ હતું કે યુક્રેનને નાટોના દેશોનો સીધો નહીં પણ આડકતરો પણ મજબૂત ટેકો મળ્યો હતો. કેટલાક દિવસો પહેલાં અમેરિકાના પ્રમુખ જો બાઇડેન પોતે યુદ્ધગ્રસ્ત યુક્રેનની મુલાકાતે પહોંચી ગયા, તેના પરથી ખ્યાલ આવે છે કે અમેરિકા યુક્રેનની પડખે ઊભું છે. બે દિવસ પહેલાં રશિયાના પ્રમુખ વ્લાદામિર પુતિને જાહેર વક્તવ્ય આપ્યું તેમાં યુક્રેનને મદદ કરવા બદલ પશ્ચિમી દેશો પર આકરા પ્રહારો કર્યા હતા. પુતિનના આક્રોશ પરથી લાગતું હતું કે યુદ્ધ સમાપ્ત કરવા તેઓ અણુબોમ્બનો ઉપયોગ પણ કરી શકે તેમ છે.

યુદ્ધનાં વાતાવરણમાં અમેરિકાના પ્રમુખ જો બાઇડેન કેવી રીતે યુક્રેન ગયા, ત્યાં ૨૩ કલાક જેટલો સમય રોકાયા અને હેમખેમ પાછા આવી ગયા? તેવો સવાલ થયા વિના રહેતો નથી. શું રશિયાએ જો બાઇડેનના સહીસલામત રોકાણની ગેરન્ટી આપી હતી? તેની પણ ચર્ચા ચાલી રહી છે. મળતી માહિતી મુજબ જો બાઇડેન હવાઈ માર્ગે પોલેન્ડ ગયા હતા અને ત્યાંથી રેલમાર્ગે કીવ ગયા હતા.

વ્હાઇટ હાઉસના પ્રવક્તાના જણાવ્યા મુજબ મુલાકાતના ગણતરીના કલાક પહેલાં રશિયાને તેની સત્તાવાર જાણકારી આપવામાં આવી હતી. રશિયાના એક રાજકીય આગેવાને આપેલી માહિતી મુજબ રશિયા દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે પ્રમુખ બાઇડેનના કાફલા પર કોઈ હુમલો કરવામાં આવશે નહીં. તરત જ રશિયા અને અમેરિકાના સત્તાવાર પ્રવક્તાઓ દ્વારા તેને રદિયો આપવામાં આવ્યો હતો. અહીં સવાલ એ થતો હતો કે જો રશિયા દ્વારા સલામતીની ખાતરી નહોતી આપવામાં નહોતી આવી તો અમેરિકાના પ્રમુખે આટલું મોટું જોખમ કેમ ઉઠાવ્યું?

રશિયાના પ્રમુખ વ્લાદામિર પુતિને નેશનલ ચેનલ પર વક્તવ્ય આપવાનું નક્કી કર્યું ત્યારે માનવામાં આવતું હતું કે તેઓ યુક્રેન સામે કોઈ નવા અને મોટા આક્રમણની જાહેરાત કરશે. તેને બદલે તેમણે પશ્ચિમના દેશો, ખાસ કરીને અમેરિકા પર શાબ્દિક આક્રમણ કરવાનું પસંદ કર્યું. તેમના વક્તવ્યના મોટા ભાગમાં તેમણે પશ્ચિમી સભ્યતાને ઊતારી પાડવાનું કામ કર્યું. તેમણે સજાતીય સંબંધોની નિંદા કરતાં કહ્યું કે તે કુદરતના કાનૂનથી વિરુદ્ધ છે અને દુનિયાના કોઈ ધર્મમાં તેની મંજૂરી આપવામાં નથી આવી. પશ્ચિમના કેટલાક રાજકારણીઓ અને ફિલ્મસ્ટારો કુમળાં બાળકોની જાતીય સતામણી કરે છે, તેની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે તેઓ તે બદલ ગર્વ પણ અનુભવે છે.

વ્લાદામિર પુતિને યુક્રેન પર યુદ્ધની જવાબદારી ઢોળતાં કહ્યું હતું કે જો રશિયાએ યુક્રેન પર હુમલો ન કર્યો હોત તો યુક્રેન ક્રીમિયા પર કબજો જમાવવાની તૈયારી કરી રહ્યું હતું. રશિયાએ ક્રીમિયાને ૨૦૧૨માં રશિયામાં જોડી દીધું હતું, જે સોવિયેટ સંઘના વિઘટન પહેલાં યુક્રેનનો ભાગ હતો. વ્લાદામિર પુતિને યુક્રેન પર શાબ્દિક હુમલો કરતાં કહ્યું હતું કે યુક્રેન નાટોના ખોળે જઈને બેઠું હોવાથી તેના પર હુમલો કર્યા સિવાય રશિયા પાસે કોઈ વિકલ્પ જ નહોતો. હવે પરિસ્થિતિ એવી પેદા થઈ છે કે યુક્રેન દ્વારા રશિયાની ગણતરી કરતાં વધુ મજબૂત પ્રતિકાર કરવામાં આવ્યો છે.

ભૂમિયુદ્ધમાં રશિયાના સૈનિકો થાકી ગયા છે. યુક્રેનને નાટોના દેશો દ્વારા સતત શસ્ત્રોની અને નાણાંની સહાય મળ્યા કરે છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીની ધીરજ અખૂટ છે. તેમનાં લશ્કર દ્વારા અગાઉ ગુમાવાઈ ગયેલા કેટલાક વિસ્તારો પાછા મેળવવામાં આવ્યા છે. આ સંયોગોમાં રશિયા સમક્ષ બે વિકલ્પ છે : એક, યુદ્ધમાં પોતાનો પરાજય કબૂલ કરીને યુદ્ધનો અંત આણવો. બે, યુદ્ધને વધુ ઉગ્ર બનાવવું. જો પુતિન હવે આ યુદ્ધ જીતવા માગતા હોય તો અણુયુદ્ધ સિવાય કોઈ વિકલ્પ જ નથી. અમેરિકાએ જે રીતે જપાન પર અણુબોમ્બ ફેંક્યા હતા તેવું રશિયા યુક્રેન સાથે કરે તેવું બની શકે છે.

અમેરિકા દ્વારા યુક્રેનને અત્યાર સુધીમાં આશરે ૧૦૦ અબજ ડોલરની સહાય આપવામાં આવી છે, જેમાં શસ્ત્રોનો પણ સમાવેશ થાય છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી હવે અમેરિકા પાસે એફ-૧૬ ફાઇટર જેટ વિમાનો માગી રહ્યા છે, પણ અમેરિકા તે માટે ઉત્સુક નથી. અમેરિકાને ભય છે કે યુક્રેનને ફાઇટર જેટ આપવામાં આવશે તો રશિયા ભડકી જશે અને આક્રમણ વધુ ઉગ્ર બનાવશે. રશિયા દ્વારા હજુ તેના વાયુદળનો પૂરો ઉપયોગ કરવામાં આવ્યો નથી. અમેરિકાને ડર છે કે જો અણુબોમ્બનું વહન કરી શકાય તેવાં વિમાન આપવામાં આવશે તો યુદ્ધ વિનાશક બનશે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ચાલુ થયું ત્યારે રશિયાનું લક્ષ્યાંક રાજધાની કીવ પર કબજો જમાવીને યુક્રેનને રશિયા સાથે જોડી દેવાનું હતું.

આ માટે કીવ તરફ લશ્કરી કૂચ પણ કરવામાં આવી હતી. આ કૂચ કીવ સુધી પહોંચી શકી જ નહોતી. ખરાબ હવામાન અને કીચડવાળા રસ્તાઓને કારણે રશિયાનું લશ્કર કીવની ભાગોળે જ ફસકી ગયું હતું. ત્યાર બાદ રશિયાનું લક્ષ્યાંક બદલાયું છે. હવે તેનું નિશાન યુક્રેનની દક્ષિણે આવેલા ડોન્બાસ વિસ્તારને મુક્ત કરાવવાનું છે. આ વિસ્તાર રશિયાના કબજા હેઠળ આવી ગયો છે, પણ ત્યાંની પ્રજા મચક આપવા તૈયાર નથી. રશિયા દ્વારા ડોન્બાસમાં જનમત સંગ્રહ પણ કરાવવામાં આવ્યો હતો. સ્થાનિક પ્રજા તેમાં જોડાઈ નહોતી તો પણ રશિયા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ રશિયામાં જોડાવા તૈયાર છે. હકીકતમાં દાયકાઓ સુધી પશ્ચિમી મૂડીવાદની મુક્ત હવામાં શ્વાસ લીધા પછી તેઓ સામ્યવાદી રશિયામાં જોડાવા તૈયાર નથી. રશિયાને આશા છે કે પ્રજાનું બ્રેઇનવોશિંગ કરીને તેમને રશિયામાં જોડી શકાશે.

અમેરિકાના પ્રમુખ જો બાઇડેન યુક્રેનની મુલાકાતે હતા તે દરમિયાન જ રશિયા દ્વારા અમેરિકા સાથેની અણુસંધિનો અંત આણવાની જાહેરાત કરી દેવામાં આવી તે ચોંકાવનારી હતી. આ સંધિ દ્વારા રશિયા અને અમેરિકા તેમના અણુબોમ્બની સંખ્યા નિયંત્રણમાં રાખવા સંમત થયા હતા. હવે રશિયા દ્વારા તે સમજૂતીનો અંત આણવામાં આવ્યો છે. શું તેનો અર્થ એવો કરી શકાય કે રશિયા યુક્રેનમાં અણુયુદ્ધ છેડવાની તૈયારી કરી રહ્યું છે? દરમિયાન અમેરિકા દ્વારા ચીનને ચેતવણી આપવામાં આવી છે કે તેણે રશિયાને યુક્રેનના યુદ્ધ માટે શસ્ત્રો પૂરા પાડવાથી દૂર રહેવું જોઈએ. આ ચેતવણી પછી ચીનના વિદેશ પ્રધાન વાંગ યી મોસ્કોની મુલાકાતે જઈ રહ્યા છે. શું રશિયા અને ચીન મળીને યુક્રેનમાં અમેરિકા અને યુરોપના દેશો સામે કોઈ મોરચો ખોલવાની તૈયારી કરે છે?

રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે જગતના અર્થકારણમાં જબરદસ્ત પરિવર્તન આવ્યું છે. અમેરિકા દ્વારા રશિયાને સજા કરવા તેના પર જે આર્થિક પ્રતિબંધો ફરમાવવામાં આવ્યા તે બૂમરેંગ થયા છે. રશિયા તે પ્રતિબંધોને ઘોળીને પી ગયું છે. તેનો ગેરલાભ યુરોપના દેશોને થયો છે. રશિયા દ્વારા તેમના ગેસ અને તેલના પુરવઠામાં કાપ મૂકવામાં આવતા તેઓ જબરદસ્ત ઉર્જા કટોકટીનો સામનો કરી રહ્યા છે. તેમનાં અર્થતંત્રો પણ ડામાડોળ થઈ ગયાં છે. આ પરિસ્થિતિમાં ભારત રશિયાનું ખનિજ તેલ મોટા પ્રમાણમાં ખરીદીને તેની પડખે ઊભું રહ્યું છે. હકીકતમાં રશિયા-ચીન-ભારતની નવી ધરી રચાઈ રહી છે, જેનો ઉદ્દેશ અમેરિકાની મોનોપોલીને ખતમ કરવાનો છે.

Most Popular

To Top