Comments

વિસ્થાપનનો મુદ્દો ફક્ત મનુષ્યને જ સ્પર્શે?

અબોલ જીવો સંગઠન કરવા માંડે, અમારી જગ્યા સામે બીજી જગ્યા એવું કહેવા જવાબદાર વ્યક્તિઓ પાસે ટોળામાં અદ્ભુ માણસો પહોંચે એમ પહોંચી જવાનું કરવા માંડે તો? સાપ, નોળિયા, સસલા, શિયાળિયા ટૂંકમાં કેટલાય અબોલ જીવોની રેલી એમના અધિકાર માટે નીકળે તો? વિસ્થાપોતીની વેદના વિષય પર સાહિત્યોત્સવમાં વાત કરવાનું નિમંત્રણ મળ્યું. પ્રથમ દૃષ્ટિએ ને કાર્યક્રમ કરનારે પણ વિચરતી જાતિઓના કલ્યાણનું કાર્ય અમે કરીએ માટે આ વિષય પસંદ કર્યાનું લાગ્યું. પણ પછી થોડું વિચારતા વિસ્થાપન શું ફક્ત મનુષ્યોનું જ થાય છે? આ પ્રશ્ન મારુ મન ઘમરોળાયું. આમ તો માનવજાત એટલે કે આપણે એટલા સ્વાર્થી થઈ ગયા છીએ કે સ્વ સિવાયનું વિચારવાનું આપણાથી થતું જ નથી. જે રીતે પૃથ્વીપર માનવ વસતિ વધી રહી છે, તેમના વસવાટ માટે નીત નવી માનવ વસાહતોનું નિર્માણ થઈ રહ્યું છે તેના લીધે કેટલીયે જમીનો, જંગલો, ગૌચરો ખલાસ થઈ ગયા.

અમદાવાદ શહેર કે દેશના કોઈ પણ નાના મોટા શહેરોને તમે જોઈ લો દરેક શહેરો આજથી દસ વર્ષ પહેલાં જ્યાં હતા તેનાથી કેટલાય ગણા કદમાં આજે વધ્યા છે. જ્યાં શહેરો વિકસ્યા ત્યાં નરી આંખે દેખાતા, ન દેખાતા હજારો જીવોનો વસાવટ હતો. આ બધા જીવોએ રાતો રાત પોતાના આવાસ ખાલી કરવા પડ્યા. એમને પણ પોતાની જગ્યા ખાલી કરવી નહીં ગમી હોય પણ એ અવાજ વગરના, ક્યાંક માણસોની જેમ સંગઠિત થઈને અવાજ ઉઠાવવાનું પણ એમને ન આવડે. એટલે એ ચુપચાપ પોતાનું મૂળ છોડી બીજે જતા રહે.

હમણાં કચ્છમાં સામાજિક ક્ષેત્રે જેમણે ઘણું કાર્ય કર્યું છે તેવા આદરણીય લીલાધર ગડા જેમને અમે સૌ અધા કહીએ તે અમદાવાદ આવ્યા. વાતો વાતોમાં એમણે કચ્છનું ધોળાવીરા કેવી રીતે જડ્યું તેની વાત કરી અને પછી ધોળાવીરા પુરાતત્ત્વની સાઈટ પર જે ખેડૂતો વર્ષોથી ખેતી કરતા જે ખેડૂતોની માલીકીની એ જમીનો હતી તેમને મળેલા વળતરની વાત થઈ. પુરાતત્ત્વ વિભાગનું ખોદકામ વર્ષો સુધી ચાલ્યું ને જ્યાં જ્યાં મોહેજોદો સંસ્કૃતિના અવશેષો મળતા ગયા ત્યાંના ખેડૂતોને સરકારી ધારાધોરણ પ્રમાણેનું વળતર આપી તેમની પાસેથી વિભાગે જમીન લઈ લીધી. અધાએ કહ્યું, આ જમીન વિભાગે લીધી તેની સામે ખેડૂતોને જે વળતર મળ્યું એ ઘણું ઓછુ છે.

એટલે ખેડૂતો વળતર વધારવા ઘણા વખતથી રજૂઆત કરી રહ્યા છે. એમને સારુ પેકેજ અથવા જમીનના બદલામાં ક્યાંક જમીન મળે તો સારુ. અધાથી લઈને ઘણા પ્રબુદ્ધ નાગરિકોએ ખેડૂતો વતી સરકારમાં રજૂઆત પણ કરી. ખેડૂતોએ પણ સ્થાનીકથી લઈને જિલ્લા કચેરીઓમાં રજૂઆતો કરી. જો કે આ વાત નવી નથી. નર્મદા નદી પર સરદાર સરોવર ડેમ બંધાયો ત્યારે ડેમમાં જેમની જમીનો ગઈ તેમના પુનઃવસન માટે ઘણા આંદોલનો થયા. આજે પણ તેમના પુનઃવસન સંદર્ભે આંદોલન ચાલી રહ્યા છે. ટૂંકમાં જ્યાં પણ માણસોનું વિસ્થાપન થાય કે તેમની સ્થાવર મીલકતો કોઈ કારણસર સરકારને લેવાની થાય ત્યાં દરેક જગ્યાએ વિસ્થાપનની નીતિ અમલમાં મુકી યોગ્ય વળતર તો ક્યાંક જમીનના બદલામાં જમીન આપવાનું કરવામાં આવે છે.

પણ આ બધુ યોગ્ય રીતે આપણી ઈચ્છાનુસાર ન થાય તો આપણે બૂમો પાડવા માંડીએ. જિલ્લાથી લઈને રાજ્ય સુધી ઘેરાવો કરીએ. જરૂર પડે ગાંધીનગર સચિવાલયમાં ધામા નાખીએ. જો ત્યાંય વાત ન સંભળાયાનું લાગે તો આપણે કોર્ટના દરવાજા ખખડાવીએ. આપણે માણસો છીએ, બોલી, લખી શકીએ છીએ. આપણા મૂંઝારા અન્ય માણસોને સમજાવી શકીએ છીએ એટલે આપણી પડખે સંવેદના દાખવી ઊભા રહેનાર પણ ઘણા મળે. પણ પેલા અબોલ જીવોની સભા ક્યાંય ભરાતી નથી ના એમના વતી મોટેથી બોલવાવાળા ખાસ છે એટલે એમના ઘર પર કબજો કરી લેવાય છે.

ક્યારેક થાય જો અબોલ જીવો સંગઠન કરવા માંડે, પોતાનો અવાજ ઊઠાવવા માંડે. અમારી જગ્યા સામે બીજી જગ્યા અથવા અમારે અમારી જગ્યા ખાલી નથી કરવી એવું કહેવા જવાબદાર વ્યક્તિઓ પાસે ટોળામાં અબ્દુલ માણસો પહોચે એમ પહોંચી જવાનું કરવા માંડે તો? સાપ, નોળિયા, સસલા, શિયાળિયા ટૂંકમાં કેટલાય અબોલ જીવોની રેલી એમના અધિકાર માટે નીકળે તો? ખેર આ કલ્પના છે. પણ એક વખત આ કલ્પના કરવા જેવી ખરી.. હમણાં વોટ્સઅપ પર દક્ષીણભારતના કોઈ શહેરમાં વૃક્ષ કાપ્યાનો વિડીયો વાઈરલ થયો. જે ઝાડ કપાયું તેના પર કેટલાય પક્ષીઓએ પોતાના માળા બાંધેલા. વળી ઝાડ પર જ્યારે કરવત ચાલી રહી હતી તે વેળા ઝાડ પર બપોરના સમયે કેટલાય પક્ષીઓ પોરો ખાવા બેઠા હતા. પણ કરવત ચલાવવાવાળાએ ઝાડમાં જીવ છે એનો વિચાર ન કર્યો સાથે ઝાડ પર બેઠેલા જીવોનોય વિચાર ન કર્યો.

એણે વૃક્ષ કાપી નાખ્યું ને જેવું વૃક્ષજમીન દોસ્ત થયું કે કેટલાય પક્ષીઓ ભોંય પર પટકાયા ને મરી ગયા. આમાં માળામાં રહેતા નાના બચુડાઓ જેમાંના કેટલાયે આંખોય નહોતી ખોલી એ તો આ દુનિયાને જુએ સમજે એ પહેલાં જ આ દુનિયામાંથી વિદાય લઈ લીધી. ઝાડ કાપવાની તરફેણમાં હું નથી. આપણે ઝાડને મૂળથી ઉખાડવું પડે તેવી નોબત આવે તો ઝાડ આખાનું પુનઃવસન થઈ શકે તે પ્રકારની ટેકનોલોજી કેમ નથી વિકસાવી શકતા? વિશ્વના કેટલાય દેશોમાં આ ટેકનોલોજી છે. અલબત ત્યાં ઝાડ કાપવા માટે પણ ચોક્કસ નિયમો છે. આપણે ત્યાં જેમ આડેધડ વૃક્ષો કપાય તેવું ત્યાં નથી થતું.

હાલ પૃથ્વી પર સાત અબજ જેટલી માનવ વસતિ છે. એવું કહે છે કે આવનારા સો વર્ષમાં આ સંખ્યા વધીને અગિયાર અબજે પહોંચશે. એટલે આજે છે તેના કરતા વધારે માનવ વસાહતો બંધાશે અને એ બાંધવા કેટલાય જંગલો, ઝાડ કપાશે. ગૌચર, સરકારી, પડતર ખરાબાની જમીનો ઉજડશે ને સાથે હજારો અબોલ જીવોય પોતાના આશિયાના ખોશે. આ બધા જીવોની આપણે દરકાર નહીં કરીએ તો આ પૃથ્વી પરથી અન્ય જીવો ધીમે ધીમે નાશ પામશે. અને આપણે એટલું તો સમજીયે છીએ કે આ જગતમાં મધમાખીનું ને નાની કીડીનુંય મહત્વ છે. કે છે કે મધમાખી આ પૃથ્વી પરથી નામશેષ થઈ જશે તે દિવસે પૃથ્વી પરથી માણસોનું અસ્તિત્વ નામશેષ થઈ જશે.. ખેર વિસ્થાપન વિષયે મને ઘણું વિચારતી કરી મુકી. તમે પણ આ બધુ વિચારો એ માટે આ વિષય હવે તમારી સામે ખુલ્લો મુક્યો. ઘરમાં પરિવાર સાથે આ મુદ્દે ખાસ ચર્ચા કરજો ને ખાસ આપણે કેવી ધરતી પર રહેવું છે એ નક્કી કરજો.
મિત્તલ પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top