SURAT

સુરત: રસ્તા પર જ બાળકીને જન્મ આપી માતાએ આવું કરતા ટોળું ભેગું થઈ ગયું અને..

સુરત: ગોડાદરામાં બાળકને રસ્તા પર જ જન્મ આપી ભાગી જવાનો પ્રયાસ કરતી મહિલાને લોકોએ પકડી પાડી હતી. પોલીસે આ મહિલા સામે ગુનો દાખલ કર્યો હતો.

  • નવજાતને મૂકીને ભાગવાનો પ્રયાસ કરતી મહિલાને લોકોએ પકડી પાડી
  • હોસ્પિટલ ખસેડતાં સંચાલકોને કહ્યું: ‘આ બાળક મારું નથી’
  • પોલીસે 25 વર્ષીય ભારતી ઇગવેલા સામે ગુનો દાખલ કર્યો

આ મામલે ગોડાદરા પોલીસમથકમાં દાખલ થયેલી ફરિયાદમાં જણાવ્યાનુસાર ગત સાંજે પાંચ વાગ્યાના અરસામાં પ્રિયંકા સોસાયટી, મિડાસ સ્ક્વેરની પાછળ, ગોડાદરા રોડ પર નવજાત બાળક જન્મ્યું હતું. ભારતી વિઠ્ઠલ ઇગવેલા (ઉં.વ.25) (રહે.,નવસારી બજાર, ફાયર સ્ટેશન પાસે, ચામડિયા સ્ટ્રીટ)ને રસ્તામાં જ પ્રસૂતિની પીડા ઉપડી હતી. તે બાળકીને જન્મ આપી સ્થળ પરથી જ ભાગવાનો પ્રયાસ કરી રહી હતી. એ વખતે રાહદારીનું ટોળું ભેગું થઇ જતાં ભારતીને પકડી પાડી હતી. ભારતીને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં તેણે બાળકને સ્વીકારવા ઇનકાર કરી દીધો હતો. આ ઉપરાંત બાળક પોતાનું નહીં હોવાનું જણાવતાં હોસ્પિટલ સંચાલકો ચોંકી ગયા હતા. મહિલા હાલમાં સ્મીમેરમાં તંદુરસ્ત હોવાની વિગત જાણવા મળી છે. દરમિયાન પોલીસ દ્વારા મહિલા સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 108 એમ્બ્યુલન્સ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. યુવતીને સ્મીમેરમાં 108 મારફત ખસેડવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે.

ગોડાદરામાં સાડીથી ભરેલો ટેમ્પો પલટી બાળકી પર પડતા મોત
સુરત : મૂળ બિહારના વતની ધર્મેન્દ્રભાઈ શ્રીરામેશ્વર શાહ હાલમાં ગોડાદરામાં પ્રિયંકા સોસાયટી-1માં પરિવાર સાથે રહે છે. ટેક્સટાઈલ માર્કેટમાં મજુરીનું કામ કરતા ધર્મેન્દ્રભાઈના પરિવારમાં પત્ની ઉપરાંત ત્રણ સંતાન છે. તેમાં સોથી મોટી દીકરી રીતીકા વતન રહી ત્યાં જ ધોરણ પાંચમાં અભ્યાસ કરતી હતી. છેલ્લા બે મહિનાથી તે સુરત ફરવા માટે આવી હતી.

મંગળવારે સાંજે પાંચેક વાગ્યે રીતીકા ઘરેથી થોડા અંતરે પાણીપુરી ખાવા માટે ગઈ હતી. તે પાણીપુરી ખાઈને પરત ઘરે જવા નીકળી હતી. ત્યારે સોસાયટીના ગેટમાં પ્રવેશી તેજ સમયે સાડીથી ભરેલો એક ટેમ્પો સોસાયટીમાં પ્રવેશતો હતો. ત્યાં ટેમ્પોમાં વધારે સાડી હોવાથી ટેમ્પો પલટી રીતીકા પર પડ્યો હતો. અને દબાઇ જતા રીતીકા ત્યાં જ બેભાન થઈ ગઈ હતી. તેને સારવાર માટે પૂણા પાટિયાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. રીતીકાને ત્યાંથી સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. ત્યાં ડોક્ટરે રીતીકાને મૃત જાહેર કરી હતી. મળતી માહિતી મુજબ ટેમ્પો પર કોઈ નંબર ન હતો. ધર્મેન્દ્રભાઈએ ટેમ્પોના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધાવ્યા બાદ પણ પોલીસે આરોપીને પકડ્યો નથી.

Most Popular

To Top