Entertainment

મિઠ્ઠૂ જૈસા કોઈ નહીં…!

કોઈ એને ‘મિઠ્ઠૂ’કહે – લખે. કોઈ ‘મિતુ’કહે કે લખે તો કોઈ એને ‘મિથુ’. …ટૂંકમાં સો વાતની એક વાત એ છે કે હરી-ફરીને બધા એકની જ વાત કરે છે અને એ છે: મિતાલી રાજ…!  દેશની જવા દો, આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટજગતમાં આ નામના આજ સુધી  સિક્કા પડ્યા છે અને રણક્યા પણ ખરા.… આ મિતાલી રાજે ખુશી ખુશી રાજ કર્યું ને ઈચ્છા થઈ ત્યારે રાજીખુશીથી રાજ આટોપી પણ લીધું…!

છેલ્લાં 23 વર્ષ સુધી જગતભરનાં ક્રિકેટ સ્ટેડિયમ ગજાવનારી મિતાલી જ્ન્મી જોધપુરમાં પણ છે મૂળ હૈદરાબાદના તમિળ પરિવારની. ભારતીય એરફોર્સ સાથે સંકળાયેલા પિતા દોરાઈ રાજ એની આ ભારે ઊંઘણશી નાનક્ડી દીકરીને જબરજસ્તી પથારીમાંથી ખેંચીને મેદાનમાં લઈ જતા જ્યાં, મિતુનો ભાઈ મિથુન ક્રિકેટની પ્રેક્ટિસ કરવા જતો. નાનપણથી મિતાલીને આમ તો ડાન્સનો શોખ હતો પણ 10 વર્ષની મિતાલીને ભાઈની સાથે પ્રેક્ટિસ કરતાં કરતાં ક્રિકેટનો એવો નાદ લાગ્યો કે ડાન્સ એક તરફ રહ્યો ને એના પગ મેદાનની ટર્ફ-પીચ પર એવા થરકવા લાગ્યા- નૃત્ય કરવા લાગ્યા કે એક પછી એક એવા વિક્રમ ખડકાતા ગયા-સર્જાતા ગયા.…

મિતાલીએ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું એ પહેલાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ તો હતી પણ અસ્તવ્યસ્ત હતી. છૂટીછવાઈ મેચો રમાતી ને કોઈ એમની ગેમને સત્તાવાળા કે દર્શકો ખાસ ગંભીરતાથી લેતું નહીં. ત્યાર બાદ આ મર્દાની ગણાતી રમતમાં આપમેળે આગળ આવેલાં બે-ચાર લેડી ક્રિકેટર્સનાં નામ કાને પડવા લાગ્યાં, જેમ કે ડાયના એદલજી- સુધા શાહ-શાંતા રંગાસ્વામી-ચંદ્રિકા કેનિયા-રાજશ્રી ધોળકિયા, ઈત્યાદિ. એ પછી બે-ત્રણ દેશ સાથે ટેસ્ટ મેચ સીરિઝ રમાઈ ને આપણે ત્યાં મહિલા ક્રિકેટ યુગની વિધિવત ઈનિંગ્સની શરૂઆત થઈ એમ કહી શકાય….

 બીજી તરફ, 10-11 વર્ષની આયુથી ક્રિકેટ ગેમમાં ઓતપ્રોત થવા લાગેલી મિતાલી સમય જતાં બેટિંગમાં એવી ઝળકવા લાગી કે 1997ની મહિલા વર્લ્ડ કપ -1997માં ભારતીય ટીમમાં એનો સમાવેશ થાય એવી શક્યતા સર્જાઈ ત્યારે મિતાલી હતી માત્ર 14 વર્ષની! અલબત્ત, એ વખતે એને ટીમમાં ચાન્સ ન મળ્યો પરંતુ 2 વર્ષ બાદ એને ઈંગ્લેન્ડ- આયર્લેન્ડ સામે તક મળી ત્યારે એની કેરિયરની પ્રથમ જ આંતરરાષ્ટ્રીય વન-ડેમાં મિતાલીએ જાનદાર -શાનદાર 114 અણનમ રન ફટકાર્યા પછી તો છેક અત્યાર સુધી ક્રિકેટ ગ્ર્રાઉન્ડમાં મિતાલી રાજનું રાજ્ય જ નહીં-સામ્રાજ્ય પ્રસરતું જ ગયું- સર્જાતું ગયું. …તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એણે આ ગેમમાંથી સ્વેચ્છાએ નિવૃત્તિ જાહેર કરી ત્યારે 23 વર્ષ જેટલી એની સક્રિય કારકિર્દીમાં એણે એક પછી એક સર્જેલા વિક્રમો પર નજર ફેરવશો તો તમે અવાક થઈ જશો ને કોઈ અનુભવી પુરુષ ક્રિકેટરને તો ભારોભાર ઈર્ષા થઈ જશે.…

આજે આયુના 39 વર્ષે અનેક વિક્ર્મોની વણઝાર – શ્રેષ્ઠ કહી શકાય એવાં માન-અકરામ પછી પોતાની મનપસંદ ગેમમાંથી રિટાયર થતી હજુ અપરિણીત મિતાલી રાજ આજે જે સ્થાને પહોંચી છે એ બધું સહજ નથી મળ્યું એને. એક ખેલાડી તરીકે અનેક સંઘર્ષ કરવા પડ્યા છે.- ક્રિકેટના મેદાન પર અને બાઉન્ડ્રી બહાર જીવનમાં પણ. ખેલાડી તરીકે એ પોતાના હક્ક માટે-પોતાના ટીમ મેટ્સ-સાથી ખેલાડીઓ માટે મહિલા ક્રિકેટ બૉર્ડના કેટલાક વગદારો, અધિકારીઓ સાથે આથડી છે-બાઝી છે અને અનેક વિવાદનો સામનો પણ કર્યો છે. કોચ અને કેટલીક ભૂતપૂર્વ ખેલાડી એવા સિલેકટર્સ સાથે મિતાલીનો ઝગડો એવી પરાકાષ્ઠાએ પહોંચી ગયો હતો કે મિતાલીએ પોતાની ‘ક્રિકેટ કરિયર’જ સાવ છોડી જવાની જાહેર ધમકી આપી પછી એ વિવાદ દેશભરમાં ગાજ્યો ને ‘ઉપર’થી દબાણ આવતા આ વિખવાદ પર પૂર્ણવિરામ મુકાયું હતું.…

 મેદાનની ક્રિકેટ પીચ પર અને સ્ટેડિયમની બહાર આવો લડાયક જુસ્સો-મિજાજ ધરાવતી મિતાલી રાજના જીવન પર એક ફિલ્મ- બાયોપિક :‘શાબાશ મિટ્ઠૂ’આ શુક્રવારે (15 જુલાઈ-2022) પ્રદર્શિત થઈ રહી છે. પાંચેક રાષ્ટ્રીય પુરષ્કાર વિજેતા શ્રીજીત મુખરજી દિગ્દર્શિત આ બાયોપિકમાં તાપસી પન્નુ જેવી સફળ – સશક્ત અભિનેત્રી છે, જે મિતાલીની ભૂમિકામાં સ્ટેડિયમ ફરતે દમદાર ચોગ્ગા-છગ્ગા ફટકારતી નજરે ચઢશે. ના, અહીં એ માત્ર ધૂંવાધાર બેટ્સમેન (હકીકતમાં બેટ્સવુમન!) તરીકે નહીં પણ એક મહિલા ક્રિકેટ ખેલાડી તરીકે મિતાલીના અનેકવિધ સંઘર્ષથી લઈને અનેરી સફળતાની વાત તાપસી પેશ કરવાની છે.

આમ તો આપણે ત્યાં ફિલ્મ (કે હવે વેબ )ના માધ્યમથી કોઈ જાણીતી વ્યક્તિની બાયોપિક – જીવનકથા રજૂ થતી આવી છે. આમાંની મોટાભાગની વધુ પડતી ફિલ્મી હોવાથી આંગળીના વેઢે ગણી શકાય એવા અપવાદ સિવાય જોઈએ એટલી સફળ નથી થતી. આમ છતાં, આ દિશામાં પ્રયાસ ચાલુ છે. એમાંય સ્પોર્ટસ-ખાસ કરીને ,ક્રિકેટની જાણીતી -માનીતી વ્યક્તિ વિશેષ પર વધુ ધ્યાન આપવામાં આવે છે.…

 આપણે ત્યાં મહેન્દ્રસિંહ ધોની- મહમ્મદ અઝહરુદીન જેવા ખેલાડી પર બાયોપિક બની છે. સચિન તેંડુલકર વિશે ડોક્યુ-ફિલ્મ બની અને કપિલ દેવ ટીમે 1983માં મેળવેલી ઐતિહાસિક વર્લ્ડ કપ પર પણ ડ્રામા-ફિલ્મ ‘83’તૈયાર થઈ. એમાંથી સદગત સુશાંતસિંહ અભિનીત ‘ધોની’ સુપર સફળ રહી. કપિલ ટીમની ‘83’ ને સમીક્ષકોએ વખાણી પણ બૉકસ ઓફિસ પર નબળા બોલરની જેમ પીટાઈ ગઈ….

આ માહોલ વચ્ચે વર્લ્ડ ક્રિકેટના મેદાનમાં સચિન તેંડુલકરની બરોબરી કરી શકે એવી એક જ યશસ્વી ખેલાડી છે અને એ પણ મહિલા- મિતાલી રાજ.. ‘લિટલ માસ્ટર’ સચિનના વિક્રમોની વણઝાર જુઓ તો સમય-સંજોગોના અમુક અપવાદ સિવાય મિતાલીની સિદ્ધિઓ લગભગ સચિનની સમાંતરે ચાલે છે. એક-બે ઉદાહરણ લઈએ તો સચિન એક એવો પુરુષ ખેલાડી છે જે 6 વર્લ્ડ કપ રમ્યો છે, જ્યારે મિતાલી પણ એની 23 વર્ષની ક્રિકેટ કરિયરમાં 6 વાર વર્લ્ડ કપ રમી છે. 4 વાર તો એ ટીમ કેપ્ટન રહી! હા, મિતાલી એની કારકિર્દીમાં એકેય વાર મહિલા વર્લ્ડ કપ વિજેતા બની નહીં, જ્યારે સચિન એટલો નસીબદાર ખરો કે આપણી ટીમ 2011માં મહેન્દ્રસિંહ ધોનીના નેજા હેઠળ એ કપ જીતી.…

બીજી તરફ, એટલું પણ ખરું કે મિતાલીની કેપ્ટનશીપમાં મહિલા ટીમ બબ્બે વાર જબરી લડત આપીને 2005 અને 2017ની ફાઈનલ સુધી પહોંચી પણ પરાકાષ્ઠામાં પરાજિત થઈ. એમાંય, 2017માં તો માત્ર 9 રનથી હાર ખમવી પડી …મિતાલીની પણ મહેચ્છા હતી કે આગામી વર્લ્ડ કપમાં રમવું અને એને જીતવો પણ બધાના આશ્ચર્ય વચ્ચે મિતાલી રાજે તાજેતરમાં પોતાનું ક્રિકેટ રાજ આટોપી લીધું.…

 એટલું તો ખરું કે સચિનના આગમન અને એની અનન્ય સફળતા પછી એ વખતે બાળકો-યુવાનો અને મમ્મી-પપ્પા સુદ્ધાં પોતાનાં સંતાન માટે ‘બીજા સચિન’નાં સપનાં સેવવાં માંડયાં હતાં. કિશોરો -યુવાનોમાં ક્રિકેટ ક્રેઝે માઝા મૂકી હતી. આજે લગભગ આવું જ આજની કન્યા-યુવતીઓનું છે. બીજી સ્પોર્ટસ કરતાં ક્રિકેટમાં એમનો રસ વધી ગયો છે. મિતાલી એમની ‘યુથ આઈકન’ છે. બધાને મિતાલી જેવા થવું છે-તગડી નામના ને નાણાં પણ રળવા છે!

ઘણી વાર ‘લેડી સચિન’તરીકે ઓળખાતી મિતાલી જેવી આગવી ક્રિકેટ ખેલાડીનું પાત્ર તાપસી પન્નુ ‘શાબાશ મિઠ્ઠૂ’માં ભજવી રહી છે. એક અચ્છી અભિનેત્રી તરીકે તાપસીનો ફિલ્મ ટ્રેક રેકોર્ડ સારો અને સફળ રહ્યો છે. મિતાલીની ભૂમિકા પહેલાં તાપસી આ પ્રકારના એક સ્પોર્ટસ ડ્રામા ‘રશ્મિ રોકેટ’માં પણ એક સૌથી ઝડપી દોડવીર યુવતીનો રોલ અદા કરી ચૂકી છે.

તાપસી પન્નુ કહે છે: ‘રશ્મિની જીવનકથા પર  આધારિત  અલપઝલપ એ ફિલ્મની સરખામણીએ મિઠ્ઠૂ-મિતાલીનું પાત્ર ધીરગંભીર છે. એની સિદ્ધિઓ અવાક કરી દે એવી છે. અમારું શૂટિંગ હજુ ચાલુ હતું એ દરમિયાન પણ મિતાલી એક પછી એક રેકોર્ડસ સર્જતી જ હતી. …અમે મુંઝવણમાં હતા- ફિલ્મની કથાને ક્યાં સુધી લંબાવવી ને કયા તબક્કે ‘ધ ઍન્ડ’કરવી?! સદભાગ્યે, મિતાલીએ અચાનક ગેમમાંથી નિવૃત્તિ જાહેર કરી એટલે એક ખેલાડી તરીકે મિતાલીની જીવનકથાની અમુક મહત્ત્વની ઘટનાઓને સાંકળી લઈને આ ફિલ્મને અમે આગવો ઓપ આપી શક્યા.’

મિતાલી જેટલી જહેમત મેદાન પર કરતી ને જેટલો લડાયક જુસ્સો એ મેચ વખતે દેખાડતી એને અદલોદલ ફિલ્મમાં સાકાર કરવા એના શૂટિંગ વખતે તાપસી પણ કરતી. મિતાલીના શોટ્સ એ ટ્રેનર પાસે શીખતી અને ઘણી વાર તો તાપસી સીધી મિતાલીનું પણ માર્ગદર્શન લેતી.

મિતાલી રાજની ફિલ્મ ‘શાબાશ મિઠ્ઠૂ’ 15 જુલાઈના થિયેટરોમાં રજૂ થવા તૈયાર છે. એનું ટેલર ખુદ સચિન તેંડુલકર અને સૌરભ ગાંગુલી જેવા નામી ક્રિકેટરોએ રિલીઝ કરી દીધું છે. મિતાલી રાજ પણ કહે છે : ‘‘મેં ફિલ્મના જેટલા પણ અંશ જોયા છે તે જોઈને હજુ પણ માની નથી શકતી કે આવું ખરેખર- સાચુકલું મારા જીવનમાં બની ગયું છે. …દેશ વતી પહેલી વાર રમવા ક્રિઝ પર પહોંચી ત્યારે જે ઉત્સુકતા-ઉત્તેજના હતી એવો જ રોમાંચ હવે હું મારી બાયોપિક ‘શાબાશ મિઠ્ઠૂ’ વખતે અનુભવી રહી છું…!’’

મેચ વખતે મેદાન પરના જોશ-ઉશ્કેરાટના અપવાદ સિવાય બડી મોહક એવી ભીના વાનવાળી મિતાલી એના રોજિંદા જીવનમાં ધીર-ગંભીર છે. પત્રકારો એને કેટલીય વાર પૂછે  છે : ‘તમારો ફેવરિટ પુરુષ ક્રિકેટર કોણ?’ ત્યારે મટકું માર્યા વગર સામેવાળા પત્રકારની આંખોમાં આંખ પરોવી મિતાલી દર વખતે જવાબ આપે છે : ‘તમે આ સવાલ ક્યારેય મેલ ક્રિકેટરને પૂછો છો કે તમારી માનીતી લેડી ખેલાડી કોણ?!’ આવો પ્રશ્ન કયારેય પુરુષ ખેલાડીને પૂછાતો નથી. હા, આજે જો આ સવાલ પૂછાય તો સચિન તેંડુલકરથી લઈને સૌરભ ગાંગુલી અને વીરેન્દ્ર સેહવાગથી લઈને વિરાટ કોહલીનો એક જ જવાબ છે: ‘મિતાલી રાજ…!’   

  • વિક્રમોનું સ્કોરકાર્ડ…
  • આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 10 હજાર,868 રન ફટકારનારી વિશ્વની એક માત્ર મહિલા ખેલાડી…
  • સતત 6 વાર વર્લ્ડ કપમાં રમનારી એક માત્ર મહિલા ખેલાડી.
  • 2 વર્લ્ડ કપ ફાઈનલમાં સુકાની બનનારી એક માત્ર પુરુષ કે મહિલા ખેલાડી…
  • વન-ડેમાં સૌથી વધુ 155 વાર કેપ્ટન બનવા ઉપરાંત એમાંથી સૌથી વધુ 89 મેચ જીતવાનો રેકોર્ડ.…
  • સતત 7 વન -ડેમાં અડધી સદી ફટકારનારી વિશ્વની એક માત્ર મહિલા ખેલાડી….
  • ટેસ્ટમાં સૌથી યુવા વયે (19 વર્ષ-254 દિવસ) ડબલ સેન્ચુરી (214  રન)ની તડાફડી બોલાવનારી એક માત્ર લેડી ક્રિકેટર….
  • વન-ડેમાં 7805 અને 64 કેચ ઝડપનારી એક માત્ર ઈન્ડિયન પ્લેયર.…

આવા તો અનેક વિક્ર્મો ઉપરાંત અનન્ય ભારતીય અને વૈશ્વિક માન-અકરામ- પુરસ્કારો તો મિતાલીને મળ્યાં છે લટકામાં!

Most Popular

To Top