આંતરરાષ્ટ્રીય ફૂટબોલના સૌથી મોટા મંચ પર આર્જેન્ટિનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે શા માટે તેને ચેમ્પિયન કહેવામાં આવે છે. એટલાન્ટા સ્ટેડિયમમાં રમાયેલા રોમાંચક સેમીફાઇનલ મુકાબલામાં આર્જેન્ટિનાએ ઇંગ્લેન્ડને 2-1 થી હરાવીને સતત બીજી વખત ફિફા વર્લ્ડ કપના ફાઇનલની ટિકિટ મેળવી લીધી છે. આ હાર બાદ હવે ઇંગ્લેન્ડ ત્રીજા સ્થાન માટે ફ્રાન્સ સામે ટકરાશે, જ્યારે રવિવારે ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમમાં રમાનારા મહામુકાબલામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાનો સામનો યુરોપીયન ચેમ્પિયન સ્પેન સામે થશે. સ્પેને પ્રથમ સેમીફાઇનલમાં ફ્રાન્સને 2-0 થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે.
પ્રથમ હાફમાં મજબૂત ડિફેન્સ અને ઇંગ્લેન્ડનો દબદબો
મેચની શરૂઆતથી જ બંને ટીમો વચ્ચે આક્રમક રમત જોવા મળી હતી. પ્રથમ 45 મિનિટ સુધી બંને ટીમોનું ડિફેન્સ એટલું મજબૂત હતું કે કોઈ ગોલ થઈ શક્યો નહીં. આર્જેન્ટિનાની સરખામણીએ ઇંગ્લેન્ડે ગોલ કરવાના ઘણા વધુ મોકા બનાવ્યા હતા, પરંતુ શરૂઆતમાં તેમને સફળતા મળી ન હતી. મેચની 55મી મિનિટમાં હેરી કેને બનાવેલી શાનદાર મૂવ પર મોર્ગન રોજર્સના લો ક્રોસની મદદથી એન્થની ગોર્ડને ગોલ કરીને ઇંગ્લેન્ડને 1-0 થી આગળ કરી દીધું હતું. 85મી મિનિટ સુધી એવું જ લાગતું હતું કે ઇંગ્લેન્ડ 1966 પછી પહેલીવાર ફાઇનલમાં પહોંચી જશે.
લિઓનલ મેસીના પાસથી બદલાઈ આખી મેચ
જ્યારે ઇંગ્લેન્ડ જીત તરફ વધી રહ્યું હતું અને આર્જેન્ટિના પાસે વાપસી માટે ખૂબ ઓછો સમય હતો, ત્યારે 39 વર્ષીય લિઓનલ મેસીએ પોતાના અદભુત પ્રદર્શનથી મેચનો પાસો પલટી નાખ્યો. 85મી મિનિટમાં મેસીએ પેનલ્ટી એરિયાની બહાર ઉભેલા એન્ઝો ફર્નાન્ડીઝને એક સચોટ પાસ આપ્યો. ફર્નાન્ડીઝે કોઈ ભૂલ કર્યા વગર જોરદાર શૉટ મારીને ગોલ કરી સ્કોર 1-1 થી બરાબર કરી દીધો. આ ગોલ થતાં જ આર્જેન્ટિનાનો આત્મવિશ્વાસ વધી ગયો અને ઇંગ્લેન્ડનું ડિફેન્સ દબાણમાં આવી ગયું.
સ્ટોપેજ ટાઇમમાં મેસીનો જાદુ અને અંતિમ ઝટકો
મેચ જ્યારે ઇન્જરી ટાઇમમાં પહોંચી ત્યારે મેસીએ ફરી એકવાર પોતાનો ક્લાસ બતાવીને ઇંગ્લેન્ડની આશા પર પાણી ફેરવી દીધું. મેસીએ ડાબી બાજુથી એક શાનદાર અને સચોટ ક્રોસ આપ્યો, જેના પર સબ્સ્ટીટ્યુટ ખેલાડી તરીકે આવેલા લૌટારો માર્ટિનેઝે કમાલનો હેડર લગાવીને આર્જેન્ટિનાને 2-1 ની વિજયી લીડ અપાવી દીધી. છેલ્લી 5 મિનિટમાં આર્જેન્ટિનાએ કરેલા આ બે ગોલે ઇંગ્લેન્ડની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધુ. મેસીએ ફરી સાબિત કર્યું કે મોટી મેચમાં રમતને સમજવાની તેમની ક્ષમતા અજોડ છે.