Editorial

કમાણી અને ખર્ચમાં ટુ-ટાયર સિટી મેગા સિટીને માત આપી રહ્યા છે પણ ઈન્ફ્રાસ્ટ્રકચરની જરૂરીયાત મોટો પડકાર

તાજેતરમાં દેશના નાના અને ઉભરતા શહેરોની આર્થિક સ્થિતિ અંગે રજૂ થયેલા એક સર્વેક્ષણ અને તેના વિશ્લેષણના તારણો ભારતની બદલાતી આર્થિક વાસ્તવિકતા અને વિકાસના નવા પ્રવાહો પર પ્રકાશ પાડે છે. અત્યાર સુધી દેશના આર્થિક વિકાસ અને કમાણી-ખર્ચના કેન્દ્રબિંદુ તરીકે દિલ્હી, મુંબઈ, બેંગ્લોર જેવા મેટ્રો કે મહાનગરોનો જ એકહથ્થુ દબદબો રહ્યો છે. પરંતુ બદલાતા સમય સાથે હવે નાના અને મધ્યમ કક્ષાના શહેરો દેશના આર્થિક વિકાસના નવા એન્જિન તરીકે ઉભરી રહ્યા છે. આ વૈશ્વિક અને રાષ્ટ્રીય બદલાવમાં ગુજરાતના ત્રણ મુખ્ય શહેરો—વડોદરા, સુરત અને અમદાવાદ—એ દેશના ટોપ-૧૦ શહેરોમાં સ્થાન મેળવીને રાજ્યની મજબૂત આર્થિક સ્થિતિ અને ઝડપી પ્રગતિનો મોટો સંકેત આપ્યો છે. આ અહેવાલ માત્ર આંકડાઓની માયાજાળ નથી, પરંતુ ભારતની સામાજિક-આર્થિક સંરચનામાં આવી રહેલા એક બહુ મોટા અને ગહન પરિવર્તનની સાક્ષી પૂરે છે.

લાંબા સમયથી એવી માન્યતા રહી છે કે જો કોઈ વ્યક્તિએ મોટી કમાણી કરવી હોય અથવા ઉચ્ચ જીવનધોરણ જીવવું હોય, તો તેણે મુંબઈ કે દિલ્હી જેવા માયાવી અને ખર્ચાળ શહેરો તરફ સ્થળાંતર કરવું જ પડે. પરંતુ આ સર્વેક્ષણ દર્શાવે છે કે આ માન્યતા હવે કાગળ પરની વાતો બની રહી છે. કમાણી અને ઘરેલુ ખર્ચની દ્રષ્ટિએ ભારતના નાના અને ઉભરતા શહેરો મુંબઈ જેવા મેટ્રો સિટીઝને પણ જોરદાર ટક્કર આપી રહ્યા છે.

યાદી પર નજર કરીએ તો, ચંડીગઢ વાર્ષિક રૂા. ૧૯ લાખની સરેરાશ કૌટુંબિક કમાણી સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે, જ્યારે કેરળનું તિરૂવનંતપુરમ રૂા. ૧૭.૫ લાખ સાથે બીજા ક્રમે છે. સૌથી ગર્વ લેવા જેવી બાબત એ છે કે ગુજરાતની સંસ્કારી નગરી અને ઉદ્યોગ કેન્દ્ર તરીકે જાણીતું વડોદરા રૂા. ૧૭.૩ લાખની વાર્ષિક આવક સાથે દેશમાં ત્રીજા સ્થાને રહ્યું છે. તિરૂપુર ચોથા ક્રમે છે, જ્યારે હીરા અને ટેક્સટાઈલ નગરી તરીકે વિશ્વવિખ્યાત સુરત રૂા. ૧૫.૫ લાખ સાથે પાંચમા ક્રમે અને દેશનું પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદ રૂા. ૧૪.૨ લાખ સાથે ૧૦મા ક્રમે સ્થાન પામ્યું છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે કમાણી મામલે હવે મધ્યમ કક્ષાના શહેરો કોઈનાથી પાછળ નથી.

આ અહેવાલનું સૌથી મહત્વનું પાસું એ છે કે છેલ્લા એક દાયકામાં દેશમાં મધ્યમ વર્ગની સંખ્યા અને તેમની આર્થિક ક્ષમતામાં અભૂતપૂર્વ વધારો થયો છે. ખાસ કરીને રૂા. ૬ લાખથી લઈને રૂા. ૩૬ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી છે. અર્થશાસ્ત્રના નિયમ મુજબ, જ્યારે મધ્યમ વર્ગની આવક વધે છે, ત્યારે બજારમાં નાણાંનું પરિભ્રમણ વેગવંતું બને છે. આ શહેરો માત્ર કમાણીની દ્રષ્ટિએ જ આગળ નથી આવ્યા, પરંતુ ઘરેલુ ખર્ચ એટલે કે વપરાશ મામલે પણ મોખરે રહ્યા છે. અર્થશાસ્ત્રની ભાષામાં કહીએ તો “આવક સાથે જાવક પણ વધી છે”. આ વધેલો ખર્ચ એ બાબતનો પુરાવો છે કે લોકોનું જીવનધોરણ સુધરી રહ્યું છે. લોકો હવે માત્ર પાયાની જરૂરિયાતો પાછળ જ નહીં, પરંતુ ગુણવત્તાયુક્ત શિક્ષણ, આરોગ્ય, આધુનિક ગેજેટ્સ, વાહનો, પ્રવાસન અને મનોરંજન પાછળ પણ મુક્ત મને ખર્ચ કરી રહ્યા છે. આ ટ્રેન્ડ સ્થાનિક કક્ષાએ વેપાર-રોજગારને વેગ આપે છે અને એક મજબૂત આર્થિક ચક્રનું નિર્માણ કરે છે.

ગુજરાતના ત્રણ-ત્રણ શહેરો દેશના ટોપ-૧૦માં સ્થાન મેળવે તે કોઈ સંયોગ કે અકસ્માત નથી, પરંતુ તેની પાછળ રાજ્યની ભૌગોલિક સ્થિતિ, વેપારી માનસિકતા અને લાંબા ગાળાની સાનુકૂળ નીતિઓ જવાબદાર છે. વડોદરાનું ત્રીજા ક્રમે આવવું તે દર્શાવે છે કે આ શહેર માત્ર શિક્ષણ અને સંસ્કૃતિનું જ કેન્દ્ર નથી, પરંતુ ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, એન્જિનિયરિંગ અને આઈટી ક્ષેત્રે મોટું હબ બની ચૂક્યું છે. અહીં સ્થિર અને ઉચ્ચ આવક ધરાવતા વ્યવસાયિકોની સંખ્યા વધી રહી છે. સુરત હંમેશાથી પોતાની અદભુત ઉદ્યોગસાહસિકતા માટે જાણીતું રહ્યું છે.

હીરા ઉદ્યોગ અને ટેક્સટાઈલ ક્ષેત્ર ઉપરાંત ડાયમંડ બોર્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને કારણે સુરતમાં માથાદીઠ આવક અને વૈશ્વિક રોકાણ બંનેમાં મોટો ઉછાળો આવ્યો છે. જ્યારે અમદાવાદ મેગા સિટી બનવા તરફ અગ્રેસર હોવા છતાં તેની આસપાસ વિકસેલા સેનંદ અને ગિફ્ટ સિટી જેવા પ્રોજેક્ટ્સને કારણે નાણાકીય સેવાઓ અને ઓટોમોબાઈલ ક્ષેત્રે રોજગારી અને આવકના નવા સ્ત્રોત ઊભા થયા છે.આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોને આપવામાં આવતું પ્રોત્સાહન, સિંગલ વિન્ડો ક્લિયરન્સ, સાનુકૂળ કાયદો અને વ્યવસ્થા તેમજ ઔદ્યોગિક શાંતિ આ પ્રગતિના પાયામાં રહેલા મુખ્ય પરિબળો છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સારો વિકાસ—જેમ કે પાકા રસ્તા, અવિરત વીજળી પુરવઠો અને કનેક્ટિવિટી—રોકાણકારોને આકર્ષવામાં સફળ રહ્યા છે. આ ઉજળી બાજુની સાથે-સાથે કેટલાક ગંભીર પડકારો તરફ પણ ધ્યાન આપવું અનિવાર્ય છે, જેની ઉપેક્ષા લાંબા ગાળે નુકસાનકારક સાબિત થઈ શકે છે: સરેરાશ આવકના આંકડા ભલે ઊંચા દેખાતા હોય, પરંતુ શહેરી વિસ્તારોમાં અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ વધી ન જાય તે જોવું પડશે.

વિકાસનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચવો જરૂરી છે. જેમ-જેમ કમાણી અને ખર્ચ વધશે, તેમ-તેમ આ શહેરો તરફ સ્થળાંતર વધશે. તેનાથી ટ્રાફિક, પ્રદૂષણ, આવાસની તંગી અને પાણી-ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ પર અતિશય દબાણ આવશે. જો આ નાના અને ઉભરતા શહેરોને યોગ્ય આયોજન, ટકાઉ સંસાધનો અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સાથ મળતો રહેશે, તો તેઓ આગામી સમયમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતના આર્થિક મહાસત્તા બનવાના સપનાને સાકાર કરવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવશે તેમાં કોઈ શંકા નથી.

Most Popular

To Top