Charchapatra

મેન્ડેટ: લોકશાહી પ્રક્રિયા નથી

એક સમય એવો હતો કે સહકારી સંસ્થાઓમાં રાજકારણ ન હતું. ચુંટાયેલા સભ્યો ભાજપ કોંગ્રેસ કે જનતા દળની વિચારસરણીવાળા હોય, છતાં બધા એકારાગિતાથી વહીવટ ચલાવતા હતા અને સહકારી ભાવના ધરાવતા હતા. બાજીપુરાના પીઢ સહકારી નેતા દિલીપભાઇ ભકત સતત 17 વર્ષ સુ.ડી.કો. બેન્કના ચેરમેનપદે રહ્યા હતા અને બેન્કને પ્રગતિના પંથે લઇ ગયા હતા. કોરોનામાં તેમના નિધન પછી બુટવાડાના નરેશ પટેલ અને સંદીપ દેસાઇએ વહીવટ કર્યો હતો. પરંતુ જયારથી ભાજપ સત્તા પર આવી ત્યારથી હવે દરેક સંસ્થામાં બોડી અને હોદ્દેદારો પણ બને તે માટેની રાજરમત રમાય છે. પ્રમુખ ઉપપ્રમુખ માટે પણ પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવે છે.

મેન્ડેટ વિરુધ્ધ કોઇ જઇ શકતું નથી. લોકશાહી દેશમાં આ પ્રક્રિયા સારી નથી અને સરમુખત્યારશાહી જેવું લાગે છે. ખરેખર તો ચુંટાયેલા સભ્યો જ સર્વાનુમતે પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરે તે જ સાચી લોકશાહી છે. આર.બી.આઇ.એ નવો નિયમ બહાર પાડયો છે કે 8 વર્ષથી ચુંટાતા, ડિરેકટરો ન બની શકે કે હોદ્દેદારો ન બની શકે. આ નિયમના કારણે ઘણા બધા નેતાઓ સકંજામાં આવી ગયા છે. સુ.ડી.કો. બેન્કમાં ચેરમેન નરેશભાઇ પટેલ, વાઇસ ચેરમેન સંદીપ દેસાઇના સ્થાને નવા ચેરમેન તરીકે નિઝરના સુનીલ પટેલનો મેન્ડેટ અપાયો. આ બંને નવા નિશાળિયા જેવા છે. જિલ્લાની નંબર વન બેન્કનો વહીવટ સંભાળી શકશે? આમ મેન્ડેટ એ લોકશાહી નહીં, પણ હીટલરશાહી જેવું લાગે છે.
તરસાડા           – પ્રવીણસિંહ મહીડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top