Gujarat

અમદાવાદમાં પૈસાદાર બાપના નબીરાએ 150ની સ્પીડે કાર દોડાવી કચડી નાંખતા 9ના મોત

અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) ઇસ્કોન બ્રિજ (IsconBridge) પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત (Accident) સર્જાયો છે. આ અકસ્માત અમદાવાદમાં સૌથી મોટો ગણી શકાય તેવા અકસ્માતમાંનો છે. જેમાં 9 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનનું મોત થયું છે. રાજપથ ક્લબ તરફથી આવી રહેલી કારે લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં રોડ પર લોહીના ખાબોચિયા ભરાય ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ફિલ્મમાં જે દ્રશ્ય સર્જાય છે તેમ લોકો 25 ફૂટ 30 ફૂટ દૂર ફંગોળાયા હતા.

  • ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો
  • આ અકસ્માત અમદાવાદમાં સૌથી મોટો ગણી શકાય તેવા અકસ્માતમાંનો છે જેમાં 9 લોકોના કમકમાટી ભર્યા મોત
  • આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનનું મોત
  • રાજપથ ક્લબ તરફથી આવી રહેલી કારે લોકોને અડફેટે લીધા હતા
  • આ અકસ્માતમાં રોડ પર લોહીના ખાબોચિયા ભરાય ગયા હતા
  • અકસ્માત એટલો ગંભીર હતો કે ફિલ્મમાં જે દ્રશ્ય સર્જાય છે તેમ લોકો 25 ફૂટ 30 ફૂટ દૂર ફંગોળાયા હતા

પ્રાપ્ત માહિતી અનુસાર લગભગ રાત્રિના 1 વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. કર્ણાવતી ક્લબ તરફથી નંબર પ્લેટ વગરની મહિન્દ્રા થાર ઈસ્કોન ઓવરબ્રિજ તરફ ફૂલસ્પીડમાં દોડી રહી હતી. બ્લેક ફિલ્મવાળી આ થાર થોડી આગળ જતા ડમ્પરની પાછળ ઘુસી ગઈ હતી. થાર ઓવરસ્પીડમાં હોવાથી તેનો આગળનો ભાગ તૂટી ગયો હતો. પરંતુ ડમ્પર રોકાયા વિના આગળ વધ્યું હતું. આ અકસ્માતને પગલે લોકો ભેગા થઈ ગયા હતા અને પોલીસ કોન્સ્ટેબલ તથા હોમગાર્ડ જવાન પણ ત્યાં પહોંચી ગયા હતા.

દરમિયાન આ અકસ્માત સર્જાયાના 10 મિનીટ બાદ કર્ણાવતી ક્લબ તરફથી એક જેગુઆર કાર ફુલસ્પીડમાં ધસમસતી આવી હતી. આ કાર અંદાજે 150થી 160ની સ્પીડે દોડી રહી હતી. થારનો જ્યાં અકસ્માત થયો હતો ત્યાં ભેગા થયેલા લોકોને જેગુઆર કારના ચાલકે અડફેટે લીધા હતા. આથી લોકો 20થી 25 ફૂટ સુધી હવામાં ફંગોળાયા હતા.

આ અકસ્માતમાં ટ્રાફિક કોન્સ્ટેબલ અને હોમગાર્ડ સહિત 9 વ્યક્તિના મોત થયા હતા. જ્યારે 20 જેટલાં લોકોને ઈજા પહોંચી હતી. ઓવરબ્રિજ પાસેના 200 ફૂટના રસ્તા પર ઠેરઠેર લાશો અને ઈજાગ્રસ્તો પડ્યા હતા. લગભગ બે કલાક સુધી લાશો રસ્તા પર પડી રહી હતી. એક લાશ કારના બોનેટ પર હતી. ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. વરસતા વરસાદમાં રસ્તા પર ભયાનક દ્રશ્યો સર્જાયા હતા. અંદાજે 7થી 8 લોકોની લાશ રસ્તા પર પડી રહી હતી.

દરમિયાન સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મૃતકો પૈકી ચાર યુવાનો પીજીમાં રહેતા જે એક દિવસ પહેલાં થલતેજથી ઈસ્કોન શિફ્ટ થયા હતા. તેઓ બ્રિજ પર અકસ્માત જોવા ગયા અને ખુદ અકસ્માતનો ભોગ બન્યા હતા. પોલીસ કોન્સ્ટેબલ વસ્ત્રાપુર પાસે મિત્ર સાથે વાત કરતો હતો ત્યારે હાઈવે પર અકસ્માત થયાનો ફોન આવતા તે મદદ માટે પહોંચ્યો હતો. ત્યારે ખબર પડી કે આ અકસ્માતમાં તેના ભાઈનું મોત થયું છે.

દરમિયાન પોલીસ અધિકારીઓએ સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ શરૂ કરી રહ્યા હતા ત્યારે ખબર પડી કે હાઈવે પર એકેય કેમેરા ચાલતા નથી. જેગુઆર કાર તથ્ય પટેલ નામનો યુવક ચલાવતો હોવાની વિગતો બહાર આવી છે.

મૃતકોના નામ: ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમાર (ઉં.વ.40, ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ), નિલેશ મોહનભાઈ ખટીક (ઉ.વ.38, હોમગાર્ડ), અમનભાઈ અમિરભાઈ કચ્છી (ઉં.વ.25, રહે-સુરેન્દ્રનગર), નિરવભાઈ રામાનુજ (ઉં.વ.22, રહે- રામાપીરના મંદિર પાસે, ચાંદલોડિયા), રોનક રાજેશભાઈ વિહલપરા (ઉ.વ.23, રહે- બોટાદ), અરમાન અનિલભાઈ વઢવાણિયા (ઉં.વ. 21, રહે- સુરેન્દ્રનગર), અક્ષર અનિલભાઈ પટેલ (ઉં.વ.21, રહે- બોટાદ), કુણાલ નટુભાઈ કોડિયા (ઉ.વ. 23, રહે- બોટાદ), ઓળખાયેલ નથી

Most Popular

To Top