Charchapatra

આ તે કેવો વિકાસ?

દર એકાંતરા દિવસે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની વિકાસની બણગા ફૂંકતી જાહેરાતો અખબારો અને ટી.વી.માં દેખાય છે. આ પ્રથમ વરસાદે જ વહીવટીતંત્રની પોલ ખુલી ગઈ છે. કેટલાક શહેરોમાં કેડસમા પાણી ભરાય. જનજીવન પ્રભાવિત થયું. પાકનો સોથ વળી ગયો. ગુજરાતમાં અત્યાર સુધીમાં 33% વરસાદ થયો. કેટલાક ઠેકાણે પુલ તૂટ્યા. અમદાવાદ ફત્તેવાડી વિસ્તારમાં ડમ્પર ભરવામાં ગરકાવ થયાની તસવીર સામે આવી છે. આપણા માનનીય વડાપ્રધાનશ્રી ઠેકઠાકાણે વંદેમાતરમ ટ્રેનને લીલી ઝંડી આપતા નજરે પડે છે. એ જુદી વાત છે કે આ કામ સ્ટેશન માસ્તરનું છે. પણ તેમની સફળતાના ગુણગાન ગાતા કેન્દ્ર સરકાર થાકતી નથી.

પરંતુ નોકરીઆતો, વેપારીઓ, દૂધવાળાઓ તેમજ વિદ્યાર્થીઓના અપ-ડાઉન માટેની લોકલ ટ્રેન કાયમ મોડી હોય છે. તેમાં કોઈ સુધારો થતો નથી. હમણા શાળા પ્રવેશોત્સવ ઉજવાયો. શિક્ષણની ગુણવત્તા વિશે ગુજરાતના એક IAS અધિકારી ધવલ પટેલે પોલ ખોલતો અહેવાલ સરકારને મોકલેલ છે. રાજ્યમાં 38,000/- શિક્ષકોની ઘટ છે. શાળાના અનેક મકાનો ખંડેર હાલતમાં છે. એક જ વર્ગ ખંડમાં બે-ત્રણ વર્ગો સાથે બેસાડાય છે. સરકાર નવાં મકાનો બનાવતી નથી કે સમારકામ કરાવતી નથી. આવી હાલતમાં સરકારના વિકાસના દાવાનું આપણે સમર્થન કેવી રીતે કરી શકીએ?
પાલનપુર          – અશ્વિનકુમાર કારીઆ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top