Columns

મૈત્રીનો દાવો ન હોય, કેવળ લહાવો જ હોય, જયાં વગર ટકોરે પહોંચી શકાય

ભારતીય સંસ્કૃતિમાં દોસ્તીના અજોડ અંતિમો…! ‘શેરી મિત્રો સૌ મળે, તાળી મિત્ર અનેક, માંગતાં માથું દીએ ઇ લાખુંમાં એક.’
ભારત દેશની કોઇ પણ વાત નીકળે ત્યારે એક વાકયપ્રયોગ ખાસ સાંભળવા મળે છે. યુનિટી ઇન ડાઇવર્સિટી અર્થાત્‌ અનેકતામાં એકતા. આપણે ત્યાં મૈત્રીના તદ્દન સામસામા અંતિમો કહી શકીએ એવા ઘણા દાખલા મળે છે એમાં શ્રીકૃષ્ણ- સુદામાનો મિત્રતાનો દાખલો ખરેખર અજોડ છે.

સુદામા તદ્દન અકિંચન અને કૃષ્ણ એટલે શાશ્વત ઐશ્વર્ય. સાંદિપની ઋષિના આશ્રમમાં બંને સાથે ભણતા ત્યારથી નિ:સ્વાર્થ દોસ્તી. આગળ જતાં કૃષ્ણ રાજા થયા અને સુદામા ગૃહાસ્થાશ્રમ માંડી બેઠા. પત્નીના આગ્રહથી અને પત્નીએ ભીખ માગી આણેલા તાંદુલ લઇને સુદામા દ્વારકામાં આવ્યા ત્યારે મૂર્તિમંત દરિદ્રતા જાણે જોઇ લ્યો પરંતુ સુદામાનું નામ સાંભળીને શ્રીકૃષ્ણ દોડયા. સુદામાને લઇને શ્રીકૃષ્ણ અંદર આવ્યા ત્યારે બટકબોલી સત્યભામાથી રહેવાયું નહીં.

‘હરિ આને ઊઠી શું ધાયા રે ભલી નાનપણી માયા રે’ પટરાણીઓના ચહેરા પરથી તેમના મનની વાત જાણી જઇને ભગવાને કહ્યું-
‘‘મારો બાળ સ્નેહી સુદામો રે, હું દુખિયાનો વિસામો રે. હું જે ભોગવું રાજયાસન એ તો આ બ્રાહ્મણનું પુણ્ય. જે સ્ત્રી કરશે એની સેવા, એ મુજને વ્હાલી તત્ખેવ’’ અને પછી તો બંને મિત્રો બાળપણનાં સંભારણાં તાજાં કરે છે… પછી શામળિયાજી બોલિયા તને સાંભરે રે…
હજી બાળપણાની પ્રીત મને કેમ વિસરે રે…’ સુદામા શ્રીમંત મિત્ર પાસે કંઇ માંગતો નથી પણ શ્રીકૃષ્ણ માગ્યા વિના મિત્રની ભીડ ભાંગે છે. માનવ જગતમાં શ્રીકૃષ્ણ- સુદામા જેવી દોસ્તીનો બીજો દાખલો મળવો મુશ્કેલ છે.

શ્રીકૃષ્ણ અને અર્જુન પરસ્પરના પરમ સખા. અર્જુનની મૈત્રી દીપાવવા માટે શ્રીકૃષ્ણે શું ન કર્યું? મહાભારતના યુધ્ધના પ્રારંભ પૂર્વે ય સામે ઊભેલા સ્વજનોને જોઇ વિષાદમાં ખૂંપી ગયેલા અર્જુનને તેના પરમ કર્તવ્યનું ભાન કરાવવા માટે શ્રીકૃષ્ણે તેને ‘ભગવદ્‌ ગીતા’ ના જ્ઞાનનું પાન કરાવ્યું. એક મિત્રે બીજા મિત્રને આપેલી વિશ્વની આ સૌથી મોટી, મહાન અને મૂલ્યવાન ‘ગિફટ’ છે! પાંચ પાંડવોની પત્ની દ્રૌપદી શ્રીકૃષ્ણની મિત્ર, દ્રૌપદી શ્રીકૃષ્ણને સખ્યભાવે પૂજતી હતી. એ દ્રૌપદીના દુ:શાસને કરેલાં ચીર હરવાના પ્રસંગે દ્રૌપદીએ આર્તસ્વરે પરમ સખા શ્રીકૃષ્ણને સંભાર્યા અને શ્રીકૃષ્ણે પોતાની મિત્ર દ્રૌપદીના ચીર પૂર્યા. સ્ત્રીપુરુષના આવા મૈત્રી ભાવનું પવિત્ર ઉદાહરણ બીજું કયાં મળે?

મૈત્રી એટલે ભીતરી સંબંધનો શ્વાસ, શ્રધ્ધા અને સમયની ઝલક, વિપરીત સમયની ઢાલ, આનંદ અને વ્યથાનું સરનામું. મૈત્રી એટલે એવું મંદિર જેની ધજા પવન વગર પણ ફરકતી રહે છે. મૈત્રીનો દાવો ન હોય કેવળ લાહવો જ હોય. દોસ્તીના આ મેજીકલ સંબંધને ઉજવવાનો દિવસ એટલે ફ્રેન્ડશીપ ડે. ફ્રેન્ડશીપ ડેનું આકર્ષણ યુવાનોમાં વધુ જોવા મળે છે. યંગસ્ટર્સ ફ્રેન્ડશીપ-ડે વિવિધ રીતે ઉજવતા હોય છે. શરૂઆતમાં ફકત શાળા – કોલેજો પૂરતી મર્યાદિત હતી. ઇન્ટરનેટ- ફેસબુકની ગતિના કારણે સમય અને સંજોગો હવે બદલાયા છે ત્યારે ફ્રેન્ડશીપ ડેની ઉજવણીમાં નીતનવા ટ્રેન્ડસ શરૂ થઇ ગયા છે. મિત્રને ફ્રેન્ડશીપના બોન્ડના સ્વરૂપે બ્રેસલેટ બાંધવાની સેરેમની આજે પણ પ્રચલિત છે.

યંગસ્ટર્સ આ દિવસે વિજાતીય મિત્રને પ્રપોઝલ પણ આપતા હોય છે. બેસ્ટ ફ્રેન્ડસને વિશ કરવા રાત્રે 12 વાગે કેક કટીંગ કરીને ફ્રેન્ડશીપ ડેને સેલિબ્રેટ કરવામાં આવે છે. હાલ વોટ્‌સ એપ અને ફેસબુક પેજ દ્વારા મિત્રોને સ્પેશ્યલ મેસેજ મોકલવાનો અનોખો ટ્રેન્ડ છે. મિત્રો ગિફટની પણ આપલે કરે છે. ગ્રિટીંગ કાર્ડસ, ચોકલેટસ, ટેડીબેર્સ, કિચેન, ફોટોગ્રાફ બુકસ, ફ્રેન્ડશીપ બેલ્ટ અપાતી ભેટોમાં યંગસ્ટર્સનું ફેવરીટ માનવામાં આવે છે. સાથે પ્રોમીસ આપે છે. એકબીજાની સાથે રહીશું. એકબીજાની મદદ કરીશું.

મિત્રો બનાવવા આસાન છે, મિત્રતા જાળવી રાખવી થોડી મુશ્કેલ છે.
ઉષ્મા અને વિશ્વા ખાસ ફ્રેન્ડ!
એક દિવસ ઉષ્માએ વિશ્વાને ફોન કરીને કહ્યું, ‘‘વિશ્વા, તું હમણાં જ મારા ઘરે જા, મમ્મીને એટેક આવ્યો છે એટલે તેને લઇને હું હોસ્પિટલ જાઉં છું પણ ઘરમાં પપ્પા એકલા છે અને તું જાણે છે એ પથારીમાંથી ઊભા થઇ નથી શકતા. અત્યારે મારે તારી મદદ જોઇએ છે. એક રાત માટે તારે મારે ત્યાં રોકાવું પડશે. ભાઇ બેંગ્લોર ગયા છે. સવારની ફલાઇટમાં એ આવી પહોંચશે.’’
વિશ્વા તેની સૌથી સારી મિત્ર હતી એટલે એને વિશ્વાસ હતો કે તેની વાત નહીં ટાળે, ઉષ્માએ પણ વિશ્વાને ડગલે ને પગલે સાથ આપ્યો જ હતો ને.

‘‘પણ ઉષ્મા અત્યારે તો હું બિઝી છું. બોસ પણ ઓફિસમાં નથી. કેવી રીતે આવું? પપ્પા સાથે નર્સ તો છે જ તું ચિંતા ન કર. ઓકે બાય.’’ વિશ્વાએ ફોન કટ કરી દીધો.
ઉષ્મા તો ડઘાઇ જ ગઇ. ઉષ્માને પોતાની દોસ્તી પર ગર્વ હતો તે તૂટી ગયો. શું વિશ્વાએ આજ સુધી માત્ર મારો ફાયદો જ ઉઠાવ્યો?

મિત્ર બનાવો એવા હર સુખદુ:ખમાં સાથ આપે. દોસ્તી નિભાવવી એ પણ એક કલા છે. મૈત્રી એટલે આત્મીયતા, બંને વચ્ચે સમજણનો સુવર્ણ સેતુ-સંબંધોમાં સુષ્મા અને ઉષ્મા હોય. દોસ્તી એટલે વિશ્વાસ- ત્યાગ- સમર્પણ- મિત્રને માટે પોતાનો પ્રાણ આપી દેવા પણ સમય આવે તત્પર.
બે મિત્રો હોડીમાં બેસીને દરિયાની સહેલગાહે નીકળ્યા. અચાનક હોડી તોફાનમાં અટવાઇ અને બંને મિત્રો દરિયાના મોજામાં તણાવા લાગ્યા. સદ્‌ભાગ્યે એક મિત્રના હાથમાં એક નાનું લાકડાનું પાટિયું આવ્યું પણ તે એવું હતું કે ફકત એક જ વ્યકિત તેના સહારે તરી શકે ને પાર ઊતરી શકે. આ મિત્રે તરત જ બીજા મિત્રને કહ્યું ‘લે આ પાટિયું ને પહોંચી જા કિનારે, હું તો એકલો છું. અપરિણીત છું, તું પરિણીત છે અને તારે બે સંતાનો પણ છે.

તારી જિંદગી અમૂલ્ય છે. તારું જીવવું જરૂરી છે. જલ્દી કર લે આ પાટિયું… અલવિદા! આટલું કહેતાં જ પાટિયું મિત્રને સોંપી દઇ તે ધસમસતા પાણીમાં તણાયો.
મિત્ર માટે કેવી કુરબાની…! કેવો ત્યાગ! જાતને ભોગે પણ મૈત્રીને જાળવી રાખવી એ જ સાચી મિત્રતાનું લક્ષણ છે. મૈત્રી એટલે સંબંધનું ઉપનિષદ. આપણને તરસ લાગે ને જળ આપે. આપણને ભૂખ લાગે ને ભાખરીનું કામ કરે. સુખ અને દુ:ખમાં સાથે રહીને આપણે જીવતાં છીએ તેની પ્રતીતિ આપે એ સાચો મિત્ર…

તો વાચકમિત્રો! આજના ફ્રેન્ડશીપ દિને પ્રભુને એ જ પ્રાર્થના હે પ્રભુ! મારી મૈત્રીમાં એટલી તાકાત દે જેથી હું મારા મિત્રોને હતાશ નહીં કરું. એના હૃદયને મારી દોસ્તીના દીવાથી પ્રકાશિત કરું.
મારા મિત્રોને મારી વિશ્વાસની પાંખ આપું! પણ પ્રભુ! મારે તો એ પણ જોઇએ છે કે સર્વ જીવો પ્રત્યે મારી મૈત્રી રહે. મારી આંખોમાં બુધ્ધ અને મહાવીરની કરુણા હોય! આપણાં સૌના હૃદયમાં મૈત્રીભાવનું પવિત્ર ઝરણું વહ્યા કરે જેથી વેરઝેર ના રહે.
મિત્રો! જીવનની એક અમૂલ્ય મૂડી તરીકે મિત્રતાનું યશોગાન કરતા આ તહેવારને આવકારીએ ને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધી દોસ્તી મજબૂત કરીએ. તો મિત્રો ‘હેપ્પી ફ્રેન્ડશીપ ડે’.

Most Popular

To Top