મહારાષ્ટ્રની આગની ઘટના માનવતા માટે શરમજનક

આ અઠવાડિયાના અંતમાં એટલે કે શનિવારે એક ભયંકર કહી શકાય અને કંપાવી દે તેવા સમાચાર મળ્યા અને એ હતા મહારાષ્ટ્રના ભંડારાની એક હોસ્પિટલમાં આગ લાગતાં 10 નવજાત બાળકોનાં મોત અંગે. આ સાથે જ ફરી સવાલો ઉભા થઇ રહ્યા છે કે હોસ્પિટલ જેવા સંવેદનશીલ જગ્યાએ આગની ઘટનાઓ કેમ નથી રોકી શકાતી.

મહારાષ્ટ્રની આગની ઘટના માનવતા માટે શરમજનક

આ પહેલા પણ ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના થઇ છે અને તેમાં દર્દીઓનાં મોત પણ થયા છે પરંતુ મહારાષ્ટ્રનો આ કેસ માત્ર આગ લાગવા સુધીનો સીમિત નથી. પ્રશ્ન એ 10 નવજાત બાળકોનો છે જેમણે હજી પોતાનો આંખો ખોલી સુદ્ધાં ન હતી અને દુનિયાની નિર્દયતાનો ભોગ બનવું પડ્યું.

હોસ્પિટલમાં આગ લાગી એ સમયે શું એક પણ એવી હિંમતવાન વ્યક્તિ ત્યાં હાજર ન હતી જે બાળકોને બચાવવા માટે આગળ આવી શકે. કેમ નવજાત બાળકોને મોતના મુખમાં મોકલી દેવાયા અને બચાવવાનો પ્રયત્ન પણ કરવામાં ન આવ્યો.

હોસ્પિટલોમાં આગ લાગવાની આ ઘટના પહેલી નથી પરંતુ આ પ્રકારનો બનાવ એક અલગ ચિંતા ઉભી કરે છે. એક તો પહેલેથી જ ભ્રષ્ટ તંત્રને લીધે દેશની આરોગ્ય સેવાઓને કાટ લાગ્યો છે એવામાં સ્ટાફની અસંવેદનશીલતાને લીધે મહારાષ્ટ્રની આ હોસ્પિટલમાં 10 એવા બાળકોનાં મોત થયાં જેમણે હજી હોસ્પિટલની બહારની દુનિયા જોઇ સુદ્ધાં ન હતી.

9 મહિના સુધી પોતાના બાળકને પેટમાં પાળનાર માતા બાળકને જન્મ આપીને ખુશ હતી. કેટલીક માતાઓ પોતાના બાળકને જોઇ શકે, ચુંબન કરી શકે, છાતીએ ચાંપી શકે તે પહેલા જ એ માતાનું બાળક ભ્રષ્ટ તંત્ર અને તેના સ્ટાફની અસંવેદનશીલતાને લીધે મૃત્યુ પામે છે.

આગ લાગવાની ઘટના કરતા આ મામલો વધારે સંવેદનશીલ બન્યો છે.

દેશમાં ફાયર વિભાગ પર એ સમયે જ ધ્યાન આપવામાં આવે છે જ્યારે કોઇ મોટી હોનારત થાય છે બાકીના સમયમાં ફાયર વિભાગ શું કરે છે તેની કોઇને ગતાગમ હોતી નથી. ફાયર એનઓસીના નામે રીતસરની તોડપાણી સિવાય કશું થતું જ નથી.

પૈસા લીધાં બાદ ફાયરના સાધનો વસાવ્યા વિના એનઓસી આપી દેવાય છે. અધિકારીઓએ કરેલા પાપને લીધે આવી હોનારત થાય ત્યારે બે-ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ અને બદલી કરીને ફરી એજ પાપલીલા આચારવાથી આપણું તંત્ર ઉપર નથી આવતું.

મોટા શહેરોમાં ખાસ કરીને ફાયર વિભાગ ખાસ કોઇ કામગીરી કરતું નથી અને જ્યારે આગની ઘટના બને છે ત્યારબાદ દબાણવશ કાર્યવાહીનો ડોળ કરીને બે ચાર હોસ્પિટલો અને મકાનો સીલ કરવાની કામગીરી હાથ ધરે છે અને આ બધું રીતસરનું જાણે પ્લાનિંગ હોય એવું લાગવા લાગે. હાલમાં જ સુરતમાં બંધ શાળાઓ પર કાર્યવાહી કરવામાં આવી.

બાળકો હાલ જ્યાં જતાં જ નથી એવા સમયે ફાયર વિભાગે શાળાઓ પર તવાઇ કેમ લાવી પડી તેઓ સવાલ ઉભો નથી થતો. એના બદલે જ્યાં ખરેખર જોખમ છે એવા સ્થળોએ કેમ ફાયર વિભાગ કામગીરી નથી કરતું, ત્યાં કેમ કોઇ કાર્યવાહી નથી થતી. આજે પણ એવી હજારો હોસ્પિટલો મળી રહેશે જે ફાયરની એનઓસી વિના ચાલે છે.

કેટલીક તો એવી પણ હશે જ્યાં એનઓસી છે પરંતુ ફાયરના સાધનો કામ કરતા નહીં હોય, કેટલીક જગ્યાઓ એવી પણ હશે જ્યાં સાધનો અને એનઓસી બંને હોય પરંતુ સાધનોનો ઉપયોગ કરતા ન આવડતું હોય.

આ બધાં બેઝિક પ્રશ્નો છે પરંતુ મહારાષ્ટ્રની આગની ઘટના માનવતાને શર્મસાર કરતી ઘટના છે. હોસ્પિટલનો સ્ટાફ પોતાનો જીવ બચાવીને ભાગી જાય અને નવજાત બાળકોને મરવા માટે ત્યાંજ મૂકીને ભાગી જાય તે ઘટના ખરેખર ઘૃણાસ્પદ છે. ખેર આ બધું બદલાતા સમય લાગશે કેટલો લાગશે એ હજી કહેવું મુશ્કેલ છે.

Related Posts