વલસાડમાં લકઝુરિયસ ટેમ્પો ટ્રાવેલરના ટોયલેટમાંથી જાણો શું મળી આવ્યું?

વલસાડ: (Valsad) વલસાડના ધમડાચી પાસે નદી પુલ ઉપર ને.હા.નં.48 પરથી પોલીસે બાતમીના આધારે ટેમ્પો ટ્રાવેલરમાં (Tempo Traveler’s) ચોરખાના બનાવીને યુપીથી અમદાવાદ લઈ જવાતો 283 કિલો ગાંજો કિં.રૂ.28.30 લાખનો એલસીબી પોલીસે (LCB Police) ઝડપી પાડ્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો છે. ખાસ વાત એ છે કે આ લક્ઝુરિયસ ટેમ્પો ટ્રાવેલરમાં ટોઈલેટ બનાવવામાં આવ્યો હતો. જેમાં નળમાં પાણી ન આવતા પોલીસને શંકા ગઈ હતી.

વલસાડમાં લકઝુરિયસ ટેમ્પો ટ્રાવેલરના ટોયલેટમાંથી જાણો શું મળી આવ્યું?

પ્રાપ્ત માહિતી મુજબ વલસાડ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ વલસાડ એલસીબી પીઆઇ ડી.ટી.ગામીત તેમની ટીમ સાથે વલસાડના હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતા. બાતમીના આધારે ધમડાચી ઔરંગા નદીના પુલ ઉપર ને.હા.નં.48 સુરત તરફ જવાના માર્ગ ઉપર વોચ ગોઠવી હતી. ત્યારે બાતમી મુજબ સફેદ-ભુરા કલરનો ફોર્સ કંપનીનો ટેમ્પો ટ્રાવેલર નં.(જીજે-૨૩-સીબી-૭૩૯૫) આવતાં પોલીસે અટકાવ્યો હતો. એમાં તપાસ કરતાં કંઈ મળ્યું ન હતું. ટ્રાવેલરનો ડ્રાઈવર તથા બાજુમાં બેઠેલો ઈસમ પોલીસને જોઈને ભાગી ગયો હતો. જ્યારે પોલીસને શંકા જતાં ટ્રાવેલરમાં લેટ્રીન જેવી સુવિધા અંદર હોવાથી પોલીસે બાથરૂમમાં જઈને નળ ચાલુ કરતાં નળમાં પાણી આવ્યું ન હતું.

જેથી પોલીસે શંકા જતાં તપાસ કરતાં ટ્રાવેલર ગાડીની છતના ભાગે ચોર કારખાનાં બનાવીને લઈ જવાતો પાર્સલ નંગ ૫૪ જે ૨૮૩.૦૬૦ કિલો ગાંજો કિંમત રૂ.૨૮,૩૦,૬૦૦નો મળી આવ્યો હતો. એક આરોપી અંધારાનો લાભ લઈને ભાગી છૂટ્યો હતો. જ્યારે એક ઝડપાઇ ગયો હતો. જે અમદાવાદના શાહિબાગમાં રહેતો શકીલ બરરૂદીન બાબુભાઈ કુરેશી ભાગવા જતાં તેને હાથમાં ઈજા પણ થઈ હતી. ભાગી છૂટેલો વોન્ટેડ આરોપી યુપીના અલીગઢમાં રહેતો નદીમ ઈબ્રાહીમ બાબુ કુરેશી છે. પોલીસે આરોપી પાસેથી મોબાઇલ, રોકડ રૂપિયા મળી કુલ રૂ.૪૩,૪૨,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને વોન્ટેડ આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, યુપીના અલીગઢથી 283 કિલો ગાંજો ટ્રાવેલરના ચોરખાનામાં છુપાવીને લઈ જવાતો હતો. ગત તા.૫-૧-૨૧ના રોજ યુપીના અલીગઢથી ટેમ્પો નીકળી અમદાવાદ લઇ જવાતો હતો. પણ ગુજરાતમાં પ્રવેશતાં જ વલસાડ પોલીસે ઝડપી પાડ્યો હતો.

વલસાડમાં લકઝુરિયસ ટેમ્પો ટ્રાવેલરના ટોયલેટમાંથી જાણો શું મળી આવ્યું?

ત્રણ રાજ્યમાંથી ફરીને આવ્યો ગાંજો ટ્રાવેલરમાં
વલસાડમાં ધમડાચી હાઇવે પર ટ્રાવેલરમાંથી એલસીબી પોલીસે 283 કિલો ગાંજો ઝડપી પાડ્યો હતો. આ ટ્રાવેલર યુપીથી હૈદરાબાદ અને મહારાષ્ટ્ર થઈને એમ ત્રણ રાજ્યમાંથી ફરીને ગુજરાતમાં આવ્યો હતો. જેમાં ત્રણ રાજ્યની પોલીસ કંઈ કરી ન શકી હતી. જે વલસાડ પોલીસે કરી બતાવ્યું હતું.

ફિલ્મી સ્ટાર વાપરે તેવી ટ્રાવેલરનો ઉપયોગ ગાંજાની ફેરાફેરીમાં કરતા હતા
ફિલ્મી સ્ટાર અને જાણીતા લોકો વાપરે તેવી ટ્રાવેલ બસ બનાવેલી હતી. જેમાં સોફા સહિતની બધી સુવિધાઓ હતી. જો કે, આ ટ્રાવેલર તેઓ ગાંજો લઈ જવા માટે વાપરતા હતા.

ગાંજાનો માસ્ટર માઈન્ડ નદીમ વોન્ટેડ
વલસાડ હાઇવે પરથી એલસીબી પોલીસે 283 કિલો ગાંજો ઝડપી પાડ્યો હતો, જેમાં બે આરોપી હતા. એક ઝડપાઇ ગયો હતો, જ્યારે માસ્ટર માઈન્ડ નદીમ અંધારોનો લાભ લઈને ભાગી છૂટ્યો હતો. તેને પગમાં ઈજા પણ થઈ હતી. જ્યારે પોલીસ નદીમને ઝડપી પાડશે ત્યારે ખબર પડશે કે આ ગાંજો અમદાવાદમાં કોને આપવાનો હતો, પોલીસે હાલમાં તેને પકડવાની તજવીજ હાથ ધરી છે.

Related Posts