Charchapatra

પિયાનો અને પિયાનો-એકોર્ડિયન વાદક  એનોક ડેનિયલ્સ જુગ જુગ જીવો

તારીખ ૧૬ એપ્રિલના રોજ ભારતીય ફિલ્મ સંગીત જગતનાં પિયાનો, પિયાનો – એકોર્ડિયન , ઇલેક્ટ્રિક ઓર્ગન, સિંથેસાઇઝર અને ક્યારેક વાઈબ્રોફોન પણ વગાડ્યું છે એવા વાદક કલાકાર શ્રી ઍનોક ડેનિયલ્સ પોતાના સંગીતથી સમૃદ્ધ જીવનનાં ૯૧ વર્ષ પૂરાં કરી ૯૨ મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે અને હાલ પણ તેમનું એકંદર સ્વાસ્થ્ય સુંદર જળવાયું છે. તેમને જન્મ દિન અને હજુ લાંબા સ્વસ્થ જીવનની શુભ કામનાઓ.

હું ૮ વર્ષની ઉંમરથી રેડિયો શ્રોતા રહ્યો છું અને લગભગ ૧૨ વર્ષની ઉંમરથી રેડિયો સિલોન પર સવારે રજૂ થનાર રોજિંદા પ્રથમ કાર્યક્રમ વાદ્ય સંગીતનો નિયમિત શ્રોતા રહ્યો છું અને તેમાં પ્રથમ આકર્ષણ એનોક ડેનિયલ્સજીની ધૂનો તરફ રહ્યું અને તે ત્યાં સુધી કે કોઈ અન્ય કાર્યક્રમ સમય પૂર્વે સમાપ્ત થતાં પૂરક વાદ્ય સંગીતમાં પણ જે કેન્દ્ર (વિશેષ કરી ને વિવિધ ભારતીનાં મુખ્ય મુંબઈ અને મદ્રાસના શોર્ટ વેવ અને સ્થાનીય મિડિયમ વેવ કેન્દ્રો બધા કાર્યક્રમ પૂર્વ રેકૉર્ડેડ પ્રસારિત કરતા હતા ત્યારે પૂરક વાદ્ય સંગીત સ્થાનીય ધોરણે અલગ અલગ વગાડતા હતા ત્યારે) જે કેન્દ્ર ભલે વિના ઉદ્દઘોષણા આ વાદક કલાકારની ધૂન વધારે રજૂ કરતા ત્યાં મારો રેડિયોનો કાંટો પહોંચીને સ્થિર થતો.

કારણ તેમની વાડાં શૈલીએ મને રીતસરનું ઘેલું લગાડ્યું હતું અને સંજોગો અનુસાર ઘરમાં ફક્ત રેડિયો જ હતો. પારસી શેરીના જન્માષ્ટમીના મેળામાં રેડિયોનું પ્રથમ સ્ટિરીઓ મોડલ એક કંપનીનું આવ્યું હતું તેને પ્રચારાર્થે રેકોર્ડ પ્લેયર સાથે જોડીને તેના સ્થાનિય વિક્રેતા રોજ તેમની એક રેકોર્ડ વગાડતા હતા તે માટે હું રોજ તેમના સ્ટોલ પર ઊભો રહી જતો હતો (એક વાર સાંભળેલી ધૂનનાં વાદ્ય અને વાદકને તેમની શૈલીથી યાદ કરી લેવાની હથોટી મને આવી ગઈ હતી પછી તે લાંબા સમય બાદ કેમ ફરી સાંભળવામાં આવી હોય) અને એક દિવસ તેમણે નહીં વગાડી તો વિનંતી કરીને વગાડાવી અને તેઓ તરત જ હસીને બોલ્યા કે તમે આ રેકોર્ડ સાંભળવા જ તમે ખાસ રોજ આવો છો કેમ.

મેં કહ્યું કે હા. તેમના સુરતના બે સ્ટેજ કાર્યક્રમ પણ જોયા હતા. જ્યારે કેસેટ પ્લેયર લીધું ત્યારે રેડિયો પરથી કે અન્ય રીતે મારી તેમની ધૂનો ભેગી કરવાની પ્રાથમિકતા રહી હતી. બાદમાં મારી તેમને મળવાની તીવ્ર ઈચ્છા હતી તે પૂરી થઈ. સુરતમાં, મુંબઈનાં તેમનાં ઘેર, તથા પુણેનાં તેમનાં હાલનાં ઘેર જ્યાં તેમનો એક લઘુ વિડિયો ઇન્ટરવ્યુ કરવાની તક પુનાનાં અન્ય તેમનાં ચાહક મારા રેડિયોપ્રેમી મિત્રનાં સહકારથી મળી તથા વિવિધ ભારતીના ફોન ઈન કાર્યક્રમમાં તેમની ધૂનો ફરમાઈશ કરીને રજૂ કરાવી. દૂરદર્શન ધારાવાહિક એર હોસ્ટેસનું પાર્શ્વ સંગીત અને સ્પેશ્યલ ઇફેકટ્સ તેમનાં હતાં.

ઉપરાંત કભી કભી ફિલ્મથી ખૈયામજીનાં બધા સંગીતનાં તેઓ એરન્જર રહ્યા છે. ફિલ્મી વાદ્ય સંગીતની જૂનાં  ગીતોને સર્વ પ્રથમ સ્ટીરિયો રેકોર્ડ  તથા એક જ ફિલ્મનાં બધાં ગીતોની વાદ્ય સંગીતની રેકોર્ડ પણ તેમને નામે બની હતી. અહીં હું અન્ય વાદક કલાકારોનો પણ ચાહક જરૂર બન્યો છું, પણ સર્વ પ્રથમ જે વાદક કલાકાર મનમાં સ્થાન જમાવી દીધું તે હજી અકબંધ રહ્યું છે અને તેમનાં સૌમ્ય વ્યક્તિત્વને કારણે રહેશે.
નાનપુરા – પિયુષ મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top