Charchapatra

પાણીનાં તળ ઊંડાં જવાનાં કારણો

થોડા દિવસ પહેલાં ‘ગુજરાતમિત્ર’ દ્વારા સુરતના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભમાં પાણી કેટલા ફૂટ પ્રાપ્ય થાય છે? એનો અભ્યાસપૂર્ણ લેખ રજૂ કરાયો છે, જેમાં દર્શાવ્યા મુજબ સુરતના તમામ વિસ્તારોમાં પાણી ઊંડાં ઊતરી ગયાં છે, જેનાં સાચાં કારણો તપાસી નિવારણ કરવું અત્યંત જરૂરી જેમ કે  સુરતમાં પહેલાં ઠેર ઠેર ખુલ્લી જગ્યાઓ, વાડીઓ, ખાડીઓ, ખુલ્લાં મેદાનો, પાણીની નહેરો હતી, જે હવે રહ્યાં નથી યા રહેવા દેવાયાં નથી અને સિમેન્ટ કોન્ક્રીટનાં જંગલો ઊભાં કરાયાં છે. નેતાઓએ ગજવાં ભરવા માટે શહેરના ભવિષ્યનો વિચાર કર્યો નથી. સોસાયટીઓના ખુલ્લા પ્લોટો-ગોચરની જમીનો રૂા. ખાઈ ખાઈને બિલ્ડરોના હવાલે કરાયા છે. સિમેન્ટ કોંક્રીટનાં જંગલો વધ્યા, પાકા રસ્તા વધ્યા અને હવે તો ગલી ગલીમાં સિમેન્ટના  CC રોડ બનવા માંડયા.

વરસાદી પાણી જમીનમાં ઊતરે કયાંથી? વૃક્ષારોપણના નામે 20 વર્ષ નાટકો કર્યાં અને શાસકોના મળતિયાઓએ શહેરમાં લાખો વૃક્ષો એવાં ઉછર્યાં જ જમીનમાંથી સૌથી વધુ પાણી ખેંચી લે છે. હવે આવાં બે લાખ વૃક્ષો કાપી નાખવાનો હુકમ કરાયો છે. એપાર્ટમેન્ટોમાં બોરીંગો કરી કરીને જમીનમાંથી બેફામ પાણી ખેંચી લેવાયું. પાણીનો ધંધો કરનારાઓએ પણ ભૂગર્ભ પાણી ખાલી કર્યાં. હવે જો પર્યાવરણને ધ્યાને રાખી લાંબા ગાળાનાં આયોજનો નહીં કરાય તો સુરતની હાલત સૌરાષ્ટ્રનાં શહેરો જેવી થશે. ભલું થજો કોંગ્રેસનું જેણે સુરતના લોકો માટે ઉકાઈ ડેમ બાંધ્યો!
સુરત – જીતેન્દ્ર પાનવાલા  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

અહંકાર-ઈગોની પરાકાષ્ઠા
ચર્ચાપત્રી પ્રેમ સુમેસરાનું ‘‘ આ અહંકાર છે’’ ચર્ચાપત્ર વાંચ્યું. ભારતની પવિત્ર ભૂમિની કૂખે જન્મ લેનારા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, શાસ્ત્રીજી, જવાહરલાલ નહેરૂ, ઈન્દિરા ગાંધી, સર્વપલ્લી ડૉ. રાધાકૃષ્ણન, રવીન્દ્રનાથ ટાગોર, મોરારજી દેસાઈ, લાલકૃષ્ણ અડવાણી, અટલબિહારી બાજપેયીજી અને એવા દેશપ્રેમમાં ગળાડૂબ રાષ્ટ્રીય નેતાઓ કે જેમનું દેશહિત માટે મૂઠી ઊંચેરું યોગદાન થકી મહામાનવની શ્રેણીમાં, સમસ્ત ભારતીય નાગરિકોના દિલ-દિમાગમાં અનોખી છાપ પ્રતિબધ્ધ કરી છે. તેઓએ ચોરે ને ચૌટે વિકાસની ગુલાબી ગુલબાંગો હાંકી નથી.

ચર્ચાપત્રીએ ઉપરોક્ત નેતાઓએ દેશ માટે દેશની ‘રૈયત માટે શું કરવા તેઓ જઈ રહ્યા છે તેની આગોતરી જાહેરાત સુધ્ધાં કરી નથી. વર્તમાન માહોલ, રાજકીય સમરાંગણ ગેરેન્ટી- વાયદાઓથી ભરપૂર છે. કરોડો, અબજો રૂપિયાની પ્રજાકીય સેવા-યોજનાઓમાં નાણાં તો આખરે પ્રજાના જ છે. કોઈ વડા પ્રધાન સાંસદ કે ધારાસભ્ય પોતાની ગાંઠના ગોપીચંદનની લ્હાણી કરાવવા ફનાગીરી સ્વીકારવા કેમ આગળ આવતા નથી? જાગૃત મતદારોએ તટસ્થપણે વિચારવાનો સમય હાથવેંતમાં જ છે.
કાકડવા   – કનોજ મહારાજ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top