Columns

સંગનો મહિમા

એક સાવ સાધારણ માણસ રોજ મજૂરી કરીને કમાતો અને ખાતો અને જીવન વિતાવતો …ન ભગવાનને ભજતો કે ન બહુ પૂજાપાઠ કરવાની તેનામાં સમજ હતી.એક દિવસ એક સંત તેને મળ્યા અને ભિક્ષા માંગી.માણસે કહ્યું, ‘મહારાજ, અત્યારે તો મારી પાસે કંઈ નથી, જરા બેસો તો કંઈ મજૂરી કરી જે મળે તે લઇ આવું અને આપને આપું. માણસ મજૂરી કરીને આવ્યો અને થોડો લોટ લાવી ફટાફટ રોટલો બનાવી સંતને જમાડ્યા. સંત ખુશ થયા અને આશિષ આપી બોલ્યા, ‘ભાઈ તારો ધન્યવાદ. હવે હું વિદાય લઉં. મારે દૂર તીર્થસ્થળે પહોંચવાનું છે.’ માણસે તેમને વિનંતી કરતાં કહ્યું, ‘બાપજી, મને તમારી સાથે રાખો. હું મજૂરી કરીશ અને ભોજનમાં જે મળશે તે લઇ આવીશ અને બાકી તમારી સેવા કરીશ.’ સંત પહેલાં તો તૈયાર ન થયા, પછી માણસે બહુ વિનંતી કરતાં માની ગયા.

સંત સાથે પેલો માણસ પોતાની એક નાનકડી પોટલી લઈને સંત સાથે ચાલી નીકળ્યો. સંતનું પાથરણું પાથરતો.. પથારી કરી આપતો ..પાણી લઇ આવતો ..રોટલા બનાવતો…અને આજુબાજુ જે મજૂરીનું કામ મળે તે પણ કરતો અને સાંજે સંત પાસે બેસીને તેમની વાતો સાંભળતો … રાત્રે તેમના પગ દબાવતો. થોડા મહિનાઓ વીત્યા …સંતે કહ્યું, ‘ભાઈ, તેં બહુ સેવા કરી પણ તું મારી સાથે ફરવા કરતાં કોઈ મોટા નગરમાં જઈને કામ શોધ, સારા પૈસા મળશે.’

માણસ બોલ્યો, ‘બાપજી, તમે જે કહેશો તે કરીશ. બસ મને દૂર જવાનું નહિ કહેતા.’ સંતે ઘણું સમજાવ્યું, પણ માણસ સંતનો સાથ છોડવા તૈયાર જ ન થયો. માણસ હવે સંત પાસેથી શીખીને ભગવાનનું નામ લેવા લાગ્યો હતો ..ભજન ગાતાં શીખી ગયો હતો. તે મજૂરીનું કામ કરતા અને સંતની સેવા કરતાં સતત ભજન ગાતો રહેતો અથવા હરિનામ લેતો રહેતો….  સંતને છેલ્લે દિવસે દેવદૂતો સ્વર્ગમાં ભગવાન પાસે લઇ જવા આવ્યા… ત્યારે પણ માણસ તેમનો સાથ છોડવા તૈયાર ન થયો અને દેવદૂતો તેને પણ સ્વર્ગમાં સાથે લઇ ગયા. ચિત્રગુપ્તે ચોપડા જોઇને દૂતોને કહ્યું, ‘તમારી ભૂલ થાય છે.

આ સંતનું પુણ્ય છે સ્વર્ગમાં આવવાનું. આ માણસનું તો એવું કોઈ પુણ્ય છે જ નહીં કે તે સ્વર્ગમાં આવી શકે અને હજી તો તેણે તેના જીવનનાં કર્મ ભોગવવાનાં બાકી છે.’ દેવદૂત બોલ્યા, ‘ચિત્રગુપ્તજી, અમારી ભૂલ નથી… ભગવાનની આજ્ઞા છે.ભગવાનને જે ભક્તો પ્રિય હોય છે તેની પર ભગવાનની દૃષ્ટિ હોય જ છે અને આ માણસ સંતની સાથે જ રહ્યો છે એટલે તેની પર પણ ભગવાનની દૃષ્ટિ પડી છે અને તેનું જ પરિણામ છે કે તે આજે અમારી સાથે અહીં છે. આ સંતના સંગનું ફળ છે.’ ચિત્રગુપ્તજીએ ચોપડો બંધ કર્યો.    
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top