Charchapatra

દારૂની પરમીટ

સરકારે દારૂ પીનારાં લોકોને હેલ્થ માટે જરૂરી હોય તો દારૂની પરમીટ આસાનીથી મળી શકે તે મુજબની જોગવાઈ કરી છે તે આવકારદાયક છે. પરમીટ મેળવવા માટે તમારે ટેક્સેબલ હોવું જરૂરી છે અને તમારી વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયા હોવી જોઈએ અને છેલ્લાં પાંચ વર્ષનાં રિટર્ન ભરેલાં હોવાં જોઈએ. પરમીટ મેળવવા માટે 10000 રૂપિયા સિવિલ હોસ્પિટલમાં હેલ્થ ચેક થયા પછી રોગી કલ્યાણ સમિતિના નામે ભરવાના હોય છે અને 6000 રૂપિયા ગુજરાત રાજ્ય નશાબંધી અને આબકારી ખાતાના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં જમા કરાવવાના હોય છે.

આમ કુલ 16000 રૂપિયા ખર્ચી તમે હેલ્થ પરમીટ કઢાવી શકો છો અને તમારી પરમીટમાં લખેલી શરતોને આધીન મંજૂર થયેલા માસિક ક્વોટા મુજબ તમે કોઇ પણ જાતના દારૂનો જથ્થો લઇ શકો છો. એક સર્વે મુજબ સુરતમાં જ દર મહિને અંદાજે 250 થી 300 જેટલી નવી પરમીટ ઇશ્યુ થતી હશે. આ એક જ શહેરની વાત થઈ, તો આખા ગુજરાતમાં કેટલી નવી પરમીટો ઇશ્યુ થતી હશે? સરકાર એક તરફ ગુજરાતમાં દારૂબંધી ચાલુ રાખે છે અને બીજી તરફ દારૂ પીનારા ટેક્સેબલ લોકોને હેલ્થના નામે પરમીટ આપે છે, તો શું ગુજરાત સરકાર ધીરે ધીરે દારૂબંધીને જાકારો આપી રહી છે?
સુરત     – વિજય તુઈવાલા  – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

મિસ્ટર નટવરલાલ, ગુજરાતના કિરણ પટેલ
પી.એમ.ઓ.ના અધિકારી હોવાનું જણાવી જમ્મુ કાશ્મીર જેવા સંવેદનશીલ વિસ્તારમાં ઝેડ પ્લસ સુરક્ષા અને બુલેટપ્રુફ કારની સુવિધા સાથે હોટેલોમાં નિવાસ! પી.એમ.ઓ.માં તમારું કામ થઇ જશે એમ જણાવી કેટલાયનું કરી નાખ્યું? દેશના ટોચના નેતાઓ સાથેના ફોટાઓ બતાવી છેતરપિંડી અને બીજા અનેક ગુનાઓ! અહીં સવાલ એ છે કે આટલો લાંબો સમય દેશની સર્વોચ્ચ ઝેડ પ્લસ સુરક્ષા સાથે આ નટવરલાલ ફરતો રહ્યો અને કોઇને ગંધ સુધ્ધાં ના આવી? ભલે સલામતીનાં બણગાંઓ ફૂંકાતા હોય, પણ આજે પણ કાશ્મીરી પંડિતો સલામત નથી અને આતંકીઓના ભયના ઓથાર નીચે જ જીવે છે ત્યારે આ કિરણ પટેલ જે મુકત રીતે કાશ્મીરમાં હરતો ફરતો હતો તે બતાવે છે કે દેશની સુરક્ષા વ્યવસ્થામાં કેટલું મોટું છીંડુ છે! આપણા માનવંતા ચોકીદાર આપણને દેશ સલામત છે ની હૈયાધરપત આપે છે ત્યારે કિસ્સા કિરણકા પછી આપણે દેશમાં સલામત છીએ કે કેમ? એ પ્રશ્ન આપણા મનમાં અવશ્ય ઊઠે છે.
સુરત              – ભાર્ગવ પંડયા     – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top