Columns

અમૃતપાલ સિંહ પંજાબમાં ખાલિસ્તાન ઊભું કરવા માગે છે

પંજાબને ભારતથી અલગ કરવાની વાત કરનારા અમૃતપાલ સિંહને છૂટો દોર આપીને પંજાબની ભગવંતસિંહ માન સરકારે તેની તાકાત વધારી દીધી હતી. જ્યારે પાણી નાક ઉપરથી વહેવા લાગ્યું ત્યારે પંજાબની પોલિસે અમૃતપાલ સિંહની ધરપકડનું વોરન્ટ કાઢ્યું, પણ ફિલ્મી ઢબે પોલીસને હાથતાળી આપીને તે છટકી ગયો છે. પોલીસે તેની સંસ્થા વારિસ પંજાબ દે સાથે સંકળાયેલા ૧૧૨ સાગરીતોની ધરપકડ કરી છે તેને કારણે પંજાબમાં તંગદિલી વધી ગઈ છે. સરકાર દ્વારા સમગ્ર પંજાબમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવતાં કેશલેસ વ્યવહારો પણ ખોરવાઈ ગયા છે. દિલ્હીથી સરદારજીઓનાં ધાડે ધાડાં પંજાબ તરફ જઈ રહ્યાં હોવાથી કંઈક મોટી ઉથલપાથલ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

પંજાબના યુવાનો ડ્રગ્સના સેવનને કારણે બરબાદ થઈ ગયા છે. તેમને લાગે છે કે ભારત સરકાર તેમની તરફ ધ્યાન આપતી નથી અને રાજ્ય સરકારને તેમની પડી નથી. આ વાતાવરણમાં અમૃતપાલ સિંહ શીખોને થતા અન્યાયને મેગ્નિફાય કરીને યુવાનોમાં લોકપ્રિય બની ગયો છે. શીખ અસ્મિતાને નામે તે ખુલ્લેઆમ ભારતથી જુદા થવાની વાતો કરી રહ્યો છે અને યુવાનો તેના વાક્પ્રવાહમાં ઘસડાઈ રહ્યા છે. અમૃતપાલ સિંહને જોઈને ૧૯૮૦ના દાયકાના જરનૈલ સિંહ ભિંદરાનવાલાની યાદ આવે છે, જેણે અમૃતસરના સુવર્ણ મંદિરને પોતાનો અડ્ડો બનાવ્યો હતો.

તેને ખતમ કરવા તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીને ઓપરેશન બ્લુસ્ટાર કરવું પડ્યું હતું, જેને પરિણામે તેમની હત્યા કરવામાં આવી હતી. પંજાબમાં એક દાયકાની મહેનત પછી ખાલિસ્તાનીઓને સાફ કરવામાં આવ્યા હતા તે પછી ફરી એક વાર પંજાબમાં અલગતાવાદ માથું ઊંચકી રહ્યો છે.  અમૃતપાલ સિંહ ૭૨ કલાકથી પોલીસના હાથમાં આવતો નથી તેથી સાબિત થાય છે કે પંજાબમાં તેના છૂપાવાના ઘણા અડ્ડાઓ છે અને લોકોની સહાનુભૂતિ પણ તેની સાથે છે.

આજથી એક વર્ષ પહેલાં પંજાબમાં ભાગ્યે જ કોઈ અમૃતપાલ સિંહને ઓળખતું હતું. તે દુબઈમાં ટ્રક ચલાવતો હતો. કિસાન આંદોલનને પગલે કેન્દ્ર સરકારને લાગ્યું હતું કે પંજાબ હાથમાંથી જઈ રહ્યું છે. તે દરમિયાન દીપ સિંધુ પ્રકાશમાં આવ્યો હતો, જેણે કિસાન આંદોલન દરમિયાન લાલ કિલ્લામાં ઘૂસીને ત્યાં તિરંગો લહેરાવ્યો હતો. દીપ સિંધુ કાર અકસ્માતમાં માર્યો ગયો તે પછી ૨૦૨૨ના માર્ચમાં અમૃતપાલ સિંહને વારિસ  પંજાબ દે સંસ્થાનો વડો બનાવવામાં આવ્યો હતો. વારિસ પંજાબ દેની સ્થાપના દીપ સિંધુ દ્વારા ૨૦૨૧ના સપ્ટેમ્બરમાં કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ શીખોની અસ્મિતાનું રક્ષણ કરવાનો હતો, પણ તેનું કામ શીખોને ભારત વિરુદ્ધ ભડકાવવાનું હતું.

૨૦૨૨ના ફેબ્રુઆરીમાં પંજાબ વિધાનસભાની ચૂંટણી થઈ તેમાં દીપ સિંધુની સંસ્થાએ શિરોમણિ અકાલી દળ (અમૃતસર) માટે પ્રચાર કર્યો હતો,જેના  નેતા સિમરનજીત સિંહ માન ખાલિસ્તાનના સમર્થક હતા. દીપ સિંધુ કાર અકસ્માતમાં માર્યો ગયો તે પછી અમૃતપાલ સિંહ દુબઈમાં હતો ત્યારે જ તેને વારિસ પંજાબ દેનો વડો જાહેર કરવામાં આવ્યો હતો. તેણે પંજાબમાં આવીને જાહેરમાં ખાલિસ્તાનની વકીલાત કરવા માંડી હતી. તેનો દેખાવ ભિંદરાનવાલા જેવો છે, તે દાઢી પણ ભિંદરાનવાલા જેવી રાખે છે અને કપડાં પણ તેવાં જ પહેરે છે. પંજાબના હતાશ યુવાનોને અમૃતપાલ સિંહમાં પોતાનો તારણહાર દેખાયો હતો. તેઓ હજારોની સંખ્યામાં તેનાં ભાષણો સાંભળવા ઉમટવા લાગ્યા હતા. આ યુવાનોનો ઉપયોગ કરીને તેણે પોતાનું ખાનગી લશ્કર તૈયાર કરી લીધું હતું. અમૃતપાલ સિંહ પંજાબમાં ડ્રગ્સના પ્રચાર માટે ઉત્તર પ્રદેશ અને બિહારથી આવેલા પરદેશીઓને જવાબદાર ઠેરવવા લાગ્યો અને નફરતનું વાતાવરણ પેદા કરવા લાગ્યો.

અમૃતપાલ સિંહ ખુલ્લેઆમ ખાલિસ્તાનની વિચારધારાનો પ્રચાર કરવા લાગ્યો. તેણે જાણીતાં અખબારોને મુલાકાતો આપી તેમાં પણ છૂટથી ખાલિસ્તાનનો પ્રચાર કરવા માંડ્યો. તેના કહેવા મુજબ પંજાબ ભારતનો ભાગ નથી પણ સ્વતંત્ર દેશ છે, જેમાં પાકિસ્તાનના પંજાબનો પણ સમાવેશ થઈ જાય છે. તેનો ઇરાદો ભારતના પંજાબને અલગ પાડીને પાકિસ્તાનના પંજાબને તેમાં ભેળવી દેવાનો છે. ખાલિસ્તાનની સરખામણી તે મહારાજા રણજીત સિંહના પંજાબ સાથે કરે છે, જેની સીમા પશ્ચિમમાં લાહોર અને પૂર્વમાં દિલ્હી સુધી ફેલાયેલી હતી. તેના કહેવા મુજબ ભારતના બંધારણમાં પણ દરેક રાજ્યને સ્વાયત્તતા આપવાની વાત છે, પણ કેન્દ્ર સરકાર તેનો અમલ કરતી નથી. પંજાબની ‘આપ’ સરકારે પ્રારંભમાં તેના માટે કૂણી લાગણી પ્રદર્શિત કરી હતી.

અમૃતપાલ સિંહ પોતાની જાતને ભિંદરાનલાવાના વારસદાર તરીકે  ઓળખાવે છે. તેને વારિસ પંજાબ દેના પ્રમુખ તરીકે સ્થાપિત કરવાનો સમારંભ ભિંદરાનવાલાના ગામમાં જ કરવામાં આવ્યો હતો. તેમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે ખાલિસ્તાનની રચના માટે જે યુવાનો શાંતિથી આંદોલન ચલાવે છે તેમની સામે સરકારે કોઈ પગલાં ભરવાં જોઈએ નહીં. અમૃતપાલ સિંહની ધરપકડનું વોરન્ટ બહાર પાડવામાં આવ્યું તે પહેલાં તેની સામે ચાર ફોજદારી કેસો દાખલ કરવામાં આવ્યા હતા.

તેમાંનો એક કેસ સમાજમાં વૈમનસ્ય પેદા કરવા બાબતનો હતો તો બીજો પોલીસના કાફલા પર હુમલો કરવા બાબતનો હતો. ત્રીજો કેસ સરકારી નોકરને તેની ફરજ બજાવવામાં અવરોધ પેદા કરવા બાબતનો હતો તો ચોથો કેસ હત્યાનો હતો. તા. ૨૩ ફેબ્રુઆરીના રોજ અમૃતપાલ સિંહ અને તેના ગુંડાઓ અજનાલા પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા હતા અને જેલમાં રહેલા પોતાના સાથીદારને બળજબરીથી છોડાવી ગયા હતા.

તે વખતે પોલીસ સ્ટેશનની બહાર એટલા બધા હથિયારબંધ યુવાનો ભેગા થયા હતા કે પોલીસ તેમની સામે લાચાર બની ગઈ હતી. આ તોફાનમાં અમૃતપાલના સાગરીતો ઉપરાંત પોલીસના અનેક કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા. આ ઘટના પછી અમૃતપાલ સિંહે ભારતના ગૃહ પ્રધાન અમિત શાહને પડકાર કર્યો હતો કે તમારામાં તાકાત હોય તો મારી ધરપકડ કરીને બતાડો. અમિત શાહે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત સિંહ માનને તાકીદ કરી તેને પગલે તેની ધરપકડનું વોરન્ટ કાઢવામાં આવ્યું હતું પણ તે ફરાર થઈ ગયો હતો.

અજનાલાની ઘટનાને પગલે અમૃતપાલ સિંહ ભારતભરમાં જાણીતો થઈ ગયો હતો, કારણ કે પોલીસને આ રીતે ખુલ્લો પડકાર આપીને તેમની કસ્ટડીમાંથી ગુનેગારને છોડાવી જવાની  હિંમત રીઢા ગુનેગારોમાં પણ હોતી નથી. અજનાલાની ઘટનામાં તો પોલીસને  અમૃતપાલના સાથી સામે દાખલ કરેલો કેસ પાછો ખેંચી લેવાની ફરજ પાડવામાં આવી હતી. વર્તમાનમાં ભારત સરકાર અને પંજાબ સરકાર વચ્ચે જે ઘર્ષણ ચાલી રહ્યું છે તેને કારણે અમૃતપાલ સિંહને મોકળું મેદાન મળ્યું છે.

શરૂઆતમાં પંજાબની આપ સરકારે તેના માટે કૂણું વલણ દાખવ્યું તેના કારણે તેની તાકાત વધી ગઈ હતી. હમણાં તેને ભગાડવામાં પણ પંજાબ પોલીસના કેટલાક અધિકારીઓનો હાથ હોવાનું કહેવાય છે. હવે કેન્દ્ર સરકાર પંજાબ સરકારને બદનામ કરવા તેનો ઉપયોગ કરી રહી છે. જરનૈલ સિંહ ભિંદરાનવાલાની તાકાત પણ આ રકઝકને કારણે વધી ગઈ હતી. જો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે તાલમેળ નહીં હોય તો પંજાબ ફરી ખાલિસ્તાન તરફ ખેંચાઈ જશે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top