Madhya Gujarat

ધર્મજ પંચાયતમાં મંજુરી વગર 23.53 લાખ ચુકવાયાં

પેટલાદ: પેટલાદ તાલુકાનું સમૃદ્ધ ગામ ધર્મજ એનઆરઆઈ ટાઉન તરીકે પ્રસિદ્ધ છે. આ સમૃદ્ધ ગામની પંચાયતના મહિલા સરપંચ વિરૂદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સ્થાનિક રહિશે અરજી કરતાં ખળભળાટ મચી ગયો છે. આ અરજીના સંદર્ભે ઉચ્ચ અધિકારીઓ દ્ધારા તપાસનો ધમધમાટ શરૂ થતાં અનેક બાબતો બહાર આવી છે. ધર્મજના બિરજુભાઈ ફરસુભાઈ પટેલે 5મી નવેમ્બર, 2022ના રોજ પેટલાદ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીને અરજી આપી હતી.

તેઓએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટી કમ મંત્રીએ માટી પુરાણ, મોટી ગટરની સફાઈ તથા પંચાયતના કર્મચારીઓનો રજા રિપોર્ટ હોવા છતાં હાજરી ભરીને પગાર ચુકવવાનો આદેશ કરી અંદાજીત રૂ.24 લાખ જેટલી રકમની ઉચાપત કરી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત ખોટા બીલો રજૂ કરી સ્વભંડોળની રકમમાંથી ચુકવણા કર્યા હતા. આ સમગ્ર કામગીરી સંદર્ભે તાલુકા વિકાસ અધિકારી કે સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી સિવાય આટલી મોટી રકમનું ચુકવણું કરાયું છે.

આ અરજીમાં વધુ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, દિવાળીની રજાઓ બાદ ચાલુ દિવસમાં પણ ગ્રામ પંચાયત બંધ હોવાના કારણે અમો તપાસ કરવા ગયા હતા, હાજરીની પૂછપરછ કરતાં હતાં. તો સરપંચ અને તેઓના મળતીયા સભ્યોએ અમારી ઉપર 2જી નવેમ્બર 2022ના રોજ પેટલાદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી જ આ અરજી દ્ધારા એ દિવસના સીસીટીવી ફુટેજની માંગણી બિરજુ પટેલે કરી છે.

મળતી માહિતી મુજબ, બિરજુ પટેલની અરજીના સંદર્ભમાં પેટલાદ તાલુકા પંચાયત દ્ધારા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. જેમાં જાણવા મળ્યું કે ઘન કચરાનો નિકાલ, સૂરજબા પાર્કમાં ભરાતાં વરસાદી પાણીનો નિકાલ આવે માટી પુરાણ વગેરે માટે જેસીબી, માટીફેરા, ટ્રેક્ટર ફેરા વગેરેના ચુકવણા સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી સિવાય કર્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ગૌચર તથા સૂરજ બા પાર્કમાં થયેલા માટીકામ સંદર્ભે નકશા, અંદાજ કે મંજૂરી પણ નહિ હોવાનું જાણવા મળ્યું છે.

અત્રે નોંધપાત્ર બાબત એ પણ છે કે, કોઈપણ ગ્રામ પંચાયત પોતાના સ્વભંડોળમાંથી વિકાસલક્ષી કામો હાથ ધરી શકે છે. પરંતુ તે માટે અંદાજપત્રમાં જોગવાઈ કરવી જરૂરી છે. જો કોઈ આકસ્મિક કામની આવશ્યકતા ઉભી થાય તો પંચાયત સુધારેલા બજેટ મંજૂર કરાવી કામ હાથ ધરી શકે છે. પરંતુ ધર્મજ પંચાયત દ્ધારા આવી કોઈ પ્રક્રિયા કરેલી નહિ હોવાનું જાણવા મળ્યું છે. કોઈપણ વિકાસલક્ષી કામો કરવા પ્લાન, જોગવાઈ વગેરે સાધારણ સભા કે ગ્રામ સભામાં તૈયાર કરવાના હોય.

જે કરેલ નહિ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે તેમજ સક્ષમ અધિકારી પાસેથી તાંત્રિક કે વહિવટી મંજૂરી પણ મેળવેલી નહિ હોવાનુ જાણવા મળે છે. તાલુકા પંચાયતની તપાસમાં સરપંચ અને તલાટી દ્ધારા વહિવટી પ્રક્રિયાનું પાલન કર્યા સિવાય રૂ‌.23.53 લાખનું અનધિકૃત ખર્ચનું ચુકવણું કર્યું હોવાની વિગતો સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. આ અંગેનો રિપોર્ટ તાલુકા વિકાસ અધિકારીએ આણંદ જીલ્લા વિકાસ અધિકારી તરફ કરતા તપાસનો દોર ઉચ્ચ અધિકારીઓના તાબા હેઠળ જતાં ચકચાર મચી જવા પામી છે.

Most Popular

To Top