Charchapatra

22 મી માર્ચે દાઉદી વોહરા સમાજના  રમજાન મહિનાની શરૂઆત થશે

આ બુધવારે પહેલું રોજુ કરવામાં આવશે.
અતિ પવિત્ર અને પાક બરકતવાલો રમજાન મહિનો આવી ગયો છે. તમારા આખા વરસના ગુના ભૂલ માફ કરાવવાનો સોનેરી મોકો આવી ગયો છે. રમજાન મહિનામાં તમે જે ઈબાદત કરો છો એનો 70 ઘણો વધારે સવાબ (પુણ્ય) મળે છે. રમજાન મહિનામાં તમારા શરીર સાથે આત્મા મન પણ સ્વચ્છ કરવાનો મહિનો છે.  રમજાન તમને સંયમ તપ નેકી ઈબાદત ભલાઈ સારાં કામો કરવા પ્રોત્સાહન આપે છે. રોજા રાખો. નમાજ પઢો. જકાત આપો.દાનપુણ્ય કરો. ગુનાઓથી બચો. વ્યસનોથી દૂર રહો.જરૂરિયાતમંદોની મદદ કરો. રમઝાનમાં એક જાતનું પવિત્ર વાતાવરણ ઊભું થાય છે. લોકો એકબીજાની જરૂરિયાતો સમજે, તકલીફો મુસીબતો દૂર કરે, ભલાઈનાં કામો કરે, બુરાઈથી બચે.  રમજાન મહિનાના પહેલા 10 દિવસ રહેમતના દિવસો ગણાય છે. બીજા 10 દિવસ મગફેરતના ગણાય છે. છેલ્લા 10 દિવસ જહનમથી આઝાદીના કહેવાય છે.

રમજાનની સૌથી મોટી પવિત્ર રાત લયલતુલ કદર જાગવાની રાત હોય છે. આ રાતમાં તમારા બધા ગુનાની માફી મળે છે. આખી રાત જાગી વિશેષ નમાજો પડી ઈબાદત બંદગી કરવાની હોય છે. આ રાતનું ખૂબ જ મહત્ત્વ છે.  આ વરસે આલી કદર ડોકટર સૈયદના સાહેબ મુફદલ સેફુદ્દીન સાહેબ (ત.ઉ. શ.) રાજસ્થાનના પ્રસિદ્ધ યાત્રાધામ ગલીયાકોટ રમજાન માસમાં પધારી રહ્યા છે તેથી આજુબાજુનાં સેંકડો ગામોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. સમસ્ત દાઉદી વોહરા સમાજ સૈયદના સાહેબ ( ત.ઉ.શ.)ના માર્ગદર્શન અને દોરવણી હેઠળ રમજાન મહિનાની બંદગી કરશે. ડોક્ટર સૈયદના સાહેબ (ત .ઉ. શ.) રમજાન મહિનામાં વિશ્વશાંતિ માટે દુવાઓ કરશે.સમસ્ત માનવજાતના કલ્યાણની દુવાઓ કરશે. આખી દુનિયામાં સુખ શાંતિ અમન ચેન માટે દુવાઓ કરવામાં આવશે.
સુરત     -અબ્બાસભાઈ કૌકાવાલા          – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

અબ પછતાયે હોત ક્યા?
છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી આત્મહત્યાનું દૂષણ ખૂબ વધી રહ્યું છે. પહેલાં, અઠવાડિયે બે-ત્રણ આત્મહત્યાના કેસો જાણવા મળતા હતા. હવે રોજના ત્રણ-ચાર કેસો જાણવા મળે છે. એમાં પણ દહેજ ખાતર પરિણીત દીકરીના આત્મહત્યાના કેસો ખૂબ વધી ગયા છે અને દીકરીના મૃત્યુ બાદ તેના માતા-પિતા અથવા સંબંધી, સાસરિયા સામે કેસ કરે છે. જેમાં છેલ્લાં બે-ત્રણ વર્ષથી દીકરીને ત્રાસ આપતા હતા એવો ઉલ્લેખ હોય છે. હાલમાં એક કિસ્સો સામે આવ્યો તે પ્રમાણે દીકરી કહે છે કે મને ડર છે કે સાસરિયા ખાવામાં કંઈ આપી દેશે અને છેવટે તેવું જ કંઈક થાય છે.

આ પહેલાં જ માતા-પિતાએ તરત જ કંઈક કાર્યવાહી કરીને દીકરીને પરત પિયર લાવવી જોઈએ. જો માતા-પિતા બહારગામ હોય તો તે શહેરના કોઈક સગા-સંબંધી મારફતે અથવા પોલીસની મદદથી દીકરીને સલામત સ્થળે ખસેડી લેવી જોઈએ. પાછળથી કેસ કરવાથી દીકરી તો પાછી આવવાની નથી. પરિસ્થિતિની ગંભીરતા સમજી સમાજની પરવા કર્યા વિના કંઈક એવાં પગલાં ભરવાં જોઈએ કે જેથી દીકરી જીવી જાય. નહિતર ક્યાં તો દીકરીની હત્યા થઈ જાય અથવા દીકરી આત્મહત્યા કરી લે. પછી અબ પછતાયે હોત ક્યા? જેવો ઘાટ થઈ શકે.
સુરત     – રક્ષા લાઈન્સવાલા           – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top