Comments

જીંદગી એક અનપ્લાન્ડ ટ્રાવેલ જ તો છે

મને ઘણીવાર પ્રશ્ન થયા કે આ જીંદગી ક્યા જઇ રહી છે. શું આ જન્મથી મૃત્યુની સફર નક્કી છે પરંતુ તેનો પંથ કયો છે. આમને આમ જીંદગીની પહેલા તો પળ, મિનિટ પછી કલાકો પછી દિવસો પછી મહિનાો અને પછી વર્ષો કપાતા જાય છે. અમે હમણાં એક મુસાફરી કરી. સિડની થી એડિલેડની સફર ખેડી. એટલે કે 1500 કિ.મી સુધીનો પ્રવાસ હતો, તે પણ કારમાં. હવે આ પ્રવાસ ખેડવા માટે અમે બે અઠવાડિયાથી તૈયારી કરતા હતા. કારની તકેદારી રાખવાની, જમવા માટે કાચું પાકુ જે કંઇ પણ સીધુ જોઇએ તે ભરવાનું, બાળકોના રમત ગમતના સાધનોનું ધ્યાન રાખવાનું અને જ્યાં પહોંચવાનું છે તે દરમ્યાન કઇ કઇ જગ્યાએ મુકામ કરવાનું છે તે બધી જ જીણી જીણી વિગતોનું લીસ્ટ હતું. અમારો પહેલો લાંબો પ્રવાસ સફળ રહ્યો. પણ આ તો પ્લાન્ડ પ્રવાસ હતો. પણ જો તમે અનપ્લાન્ડ પ્રવાસ કરો તો?

હા, અણધાર્યો પ્રવાસ પણ તમે કહી શકો કે જેના ગંતવ્યનું કોઇ ઠેકાણું ન હોય. ક્યાં જવાનું છે શું કરવાનું છે કેવી રીતે કરવાનું છે તે તમે નક્કી કર્યા વગર જ ઘરે થી યું હી ચલા ચલ રાહી કરો તો? શ્વાસ જરા થંભી જાય ને. આપણે તો થોડા આવા સાહસિક બનાય. ઓસ્ટ્રેલિયાના લોકો જ કરી શકે? મને ઘરે થી ના પાડે? એવા તો આપણે બહાનાની દિવાલ જતા પહેલા જ ચણી દેતા હોઇએ છીએ. પરંતુ ગઇકાલે મારી વાત એક બેન સાથે થઇ તેઓ ઓસ્ટ્રેલિયાના બ્રિસબેન શહેરમાં રહે છે. પટેલ પરિવાર છે અને મૂળ વડોદરાના છે. તેઓએ તેમના જીવનમાં ઘણી બધી અનપ્લાન્ડ ટ્રીપ કરી છે. ટ્રીપ નહીં રીતસર મોટા મોટા પ્રવાસો ખેડ્યા છે. તમને આવી અનપ્લાન્ડ મુસાફરી કરવાનો શોખ ક્યારથી જાગ્યો ત્યારે તેમણે પ્રતિઉત્તરમાં જણાવ્યું કે તેઓ જ્યારે ભારત હતા ત્યારે પૂણે રહેતા હતા અને ત્યારે તેઓએ આવી જ રીતે અનપ્લાન્ડ નાની ટ્રીપ કરી હતી અને બસ તેમાથી તેઓને શોખ જાગ્યો.

આજે 15 વર્ષ થી પણ વધુ વર્ષથી આ પટેલ દંપતિ અણધાર્યા પ્રવાસ ખેડે છે. શોખ માટે માણસ કંઇ પણ કરી શકે છે તે મેં આ બહેન પાસેથી જાણ્યું. તેઓને ફ્રિજ મેગ્નેટ કલેક્ટ કરવાનો ખૂબ જ શોખ છે તેમના ફ્રિજ પર 180થી પણ વધુ ફ્રિજ મેગ્નેટ છે, તેઓ જ્યાં જાય ત્યાંના ઓથેન્ટીક અને ગર્વમેન્ટ દ્વારા પ્રસ્તુત કરાયેલા મેગ્નેટ તેઓ કલેક્ટ કરે છે. સફરમાં ભૂખ ભરડો ન લે તે માટે પોર્ટેબલ સ્ટવ અને પ્રિસ્ટેજનું નાનું કુકર અને કાંચુ સીધુ સાથે રાખીને આ પરિવાર મઝલ વગરની મંઝિલ પર નીકળી પડે છે. 

તેમની સાથેની લાંબી વાતચીત પરથી મને અનેક  પ્રશ્નો થયા. કે જીંદગી પણ એક અનપ્લાન્ડ ટ્રીપ જ છે ને! અહીં મૃત્યુ ડેસ્ટીનેશન તરીકે ફિક્સ છે પરંતુ સફર? સફર તો અનપ્લાન્ડ જ છે ને. તમે 2023ના રીઝોલ્યુશન તો લખી નાખ્યા હશે તમારા બેડરૂમ કે ઓફિસ ટેબલ પર મૂકી પણ દીધા હશે પરંતુ તમને ખબર છે તમારી જીંદગી ક્યા જવાની છે. બધુ આપણા હાથમાં નથી હોતું, જો હોય તો કુદરતને કોઇ માને પણ નહીં. એક હાર્ટ એટેકથી માણસનો પત્તાનો મહેલ તૂટી જતો હોય છે. 2001માં જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે શું લોકોએ 1લી જાન્યુઆરીએ રીઝોલ્યુશન નહીં લખ્યા હોય તેમ છતા પણ અણધાર્યો પ્રવાસ ખેડાઇ ગયોને! મારા જીવનમાં પણ આવા અનેક અણધાર્યા પ્રવાસો મેં ખેડ્યા છે. જ્યારે ઓસ્ટ્રેલિયા આવવાનું હતું ત્યારે કોઇ લાંબી તૈયારી નહીં પરંતુ વિસાના સમાચાર મળતાની સાથે જ ત્રણ દિવસમાં ઘરને આટોપીને દિકરીની સાથે પ્રશાંત મહાસાગરને પાર કરીને આ મુકામે પહોંચી.

આપણે સૌ કોઇ ક્યારેક ને ક્યારેક આવા અણધાર્યા પ્રવાસ ખેડતા હોઇએ છીએ. જ્યારે જ્યારે આવા પ્રવાસો ખેડાય છે ત્યારે ત્યારે આપણી અંદર રહેલી સાહસિકવૃત્તિ ખીલી ઊઠતી હોય છે. કોરોના કાળમાં મારી નજરની સામે છ વ્યક્તિની સાથેનો પરિવાર માત્ર 2 જ દિવસમાં 3 વ્યક્તિનો થતા મેં જોયો છે. પરિવારનો પાયો હલી ગયો હોય, એક માત્ર કમાવનાર પતિ, માતા પિતા કોરોનાનો ભોગ બન્યા હોય અને લાચાર એવી વિધવા અને હેન્ડિકેપ પત્નિ પોતાના બે બાળકોને મોટા કરતી હોય છે. તે પહેલા તેની અંદર રહેલા સાહસને તેમણે ક્યારેય ઉજાગર નહોતો કર્યો પરંતુ અણધાર્યા ઝાટકાએ તેમને સાહસિક બનાવી દીધા. વર્ષ 2023માં પણ રીઝોલ્યુશન પ્રમાણે થાય તો ઘણું સારું પરંતુ ન થાય તો તેનો ખોટો આગ્રહ પણ ન રાખવો જોઇએ. કેમ કે આગ્રહ એ ઇચ્છાનો હોય કે વ્યક્તિનો દુખકર્તા જ હોય છે.
મિરાની મહેતા, સિડની – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top