Feature Stories

ચાલો, યોગને લગતી ગેરમાન્યતાઓ અને ભ્રમ દૂર કરીએ

આજકાલ ઘણા યોગા ક્લાસિસ, યોગા સેન્ટર્સ અને યોગા ટીચર્સનો જાણે રાફડો ફાટ્યો છે. 21 જૂન, 2022ના રોજ 8મો ‘ઇન્ટરનેશનલ યોગા ડે’ મનાવવામાં આવશે અને ત્યારે દુનિયાભરમાં લોકોને યોગ તરફ આકર્ષવા વિવિધ કાર્યક્રમો નાના – મોટા પાયે યોજવામાં આવશે. લોકોમાં યોગ વિશેની સમજ અને સભાનતા આવે તે આમ તો ખૂબ સારી વાત છે, પણ વધતા જતા ફેલાવા સાથે યોગાનો અર્થ (મર્મ), તર્ક અને ઉદ્દેશ્યને લઇને ઘણી ગેરમાન્યતાઓ / અજ્ઞાનતા પ્રર્વતે છે, જેને સુરતના જાણીતા ફિઝીયોથેરાપીસ્ટ તથા યોગ એક્સપર્ટ ડો. સોનલ જૈન દૂર કરશે….

શું યોગા માત્ર ફ્લેક્સિબિલિટી માટે કરવામાં આવે છે? તમે ફિટ હોવ તો યોગા નહીં કરી શકો?
યોગા બધા માટે છે. યોગા માટે જાતિ, ઉંમર, દેશ, કાળ, શારીરિક પરિસ્થિતિઓ કોઇ બાધ નથી. યોગા માટે ફ્લેક્સિબલ (નમ્ય) શરીર નહીં પણ ઓપન માઇન્ડ / ફ્લેક્સિબલ માઇન્ડની જરૂર છે. તમારામાં સ્વીકાર કરવાની અને સરેન્ડર (શરણાગતિ) કરવાની તૈયાર હોવી જોઇએ.

યોગા કરવાથી દરેક રોગ અને દવામાંથી મુક્તિ મળી શકે છે?
યોગા holistic અને wholistic વિજ્ઞાન છે. જેમાં વ્યક્તિના શ્વાસ, મન, ઈન્દ્રિયો, – દરેક પાસાને વણી લેવામાં આવે છે અને વેલબિઈંગ માટે પણ તે ખૂબ જ ઉપયોગી અને અસરકારક છે પણ એના માટે ટીચર અને પેશન્ટ બંનેને રોગ અને યોગ વિશેની પૂરી જાણકારી હોવી જરૂરી છે અને તેમ છતાં પણ શક્યતા છે પણ જરૂરી નથી એટલે જ ડોક્ટરની સલાહ અને દવા વગેરેને પણ અવગણવા નહીં.

યોગા અમુક અઠવાડિયાનો ટૂંકો કોર્સ કરીને શીખી શકાય અને પછી શીખવાડી પણ શકાય?
યોગા શીખવું કદાચ સરળ હોઈ શકે પણ યોગાને જીવનમાં ઉતારવું અઘરું છે. એના માટે વર્ષો વર્ષની સાધના જરૂરી છે. એ સાધના જ્યારે લાંબા (દીર્ધ) સમય માટે અવિરામપૂર્વક પૂરી લગનથી અને ભક્તિથી કરવામાં આવે ત્યારે યોગિક પાયો મજબૂત બને છે. યોગ અભ્યાસ સાથે વૈરાગ્યની ભાવના કેળવવી પણ જરૂરી છે. વૈરાગ્ય એટલે કર્મ કરવા પણ ફળની આશા રાખવી નહિં. જો એવું ન થાય તો મન વિચલિત અને અશાંત રહે છે. યોગ અનાદિકાળથી પ્રવર્તમાન ગાઢ વિજ્ઞાન, કળા અને ફિલોસોફી (દર્શન) છે જે એમ જ તો નહીં શીખી શકાય.

આસન અને પ્રાણાયામ એટલે યોગા?
આ બંને અષ્ટાંગ યોગના 2 અંગો છે.
અષ્ટાંગ યોગના 8 અંગો છે. યમ # નિયમ # આસન # પ્રાણાયમ # પ્રત્યાહાર # ધારણા # ધ્યાન # સમાધિ. યોગ સાધ્ય કરવા માટે આ આઠેય અંગોની જાણકારી, જાગૃતતા હોવી જરૂરી છે. આસન અને પ્રાણાયામ શરૂઆત છે, પણ અંત નથી. યોગના અંતિમ તબક્કા સુધી પહોંચવા માટેના સાધન / માધ્યમ છે.

આસન કરતા પ્રાણાયમ કરવા વધારે સરળ છે અથવા તો વધારે ફાયદાકારક છે
મહર્ષિ પતંજલિએ યોગસૂત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે આસનમાં પારંગત થયા પછી જ પ્રાણાયામ કરવા. આસન દ્વારા શરીર તંદુરસ્ત અને મજબૂત બને. શરીરમાંના અવરોધો દૂર થાય. મન પણ શાંત અને સ્વસ્થ બને એ પ્રાણ્રાયમ માટે જરૂરી છે. જો શરીર પૂર્ણરૂપે તૈયાર નહી હોય અને પૂરતી સમજ વગર પ્રાણાયામ કરવામાં આવે તો એ હાનિકારક સાબિત થઇ શકે છે. એટલે ફક્ત વાંચીને અથવા TV / યુટ્યૂબ પર જોઇને પ્રાણાયમ કરવા બિલકુલ હિતાવહ નથી.

શું યોગા એક પ્રકારનું વર્કઆઉટ છે?
ના, બિલકુલ નહીં. યોગ વર્કઆઉટ નહીં પણ વર્કઈન છે. યોગા તન, મન અને આત્માની શુધ્ધિ માટે કરવામાં આવે છે. યોગ એટલે ‘ચિતવૃત્તિ નિરોધ’ (પતાંજલિ યોગ સૂત્ર), યોગ એટલે તન, મન અને આત્માનું એકબીજા સાથે જોડાવું અને આત્માનું પરમાત્મા સાથે મિલન.

યોગામાં માહિર થવું એટલે શું વધારે અને વધારે અઘરા (એડવાન્સ્ડ) આસન કરવા?
ફક્ત આસન = યોગા. તમે શું કરો છો એના કરતા શા માટે કરો છો, (હેતુ) એની સમજ હોવી વધારે અવશ્યક છે. તમે કેટલા અઘરા આસન કરી શકો છો, એના કરતાં કરતી વખતે તમારા શરીર, મન અને શ્વાસની સ્થિતિ અને ગતિ કેવા છે, એમાં કેટલી સ્થિરતા અને સમતોલન છે તે અગત્યનું છે. બાહ્ય રૂપ કરતા આંતરિક અભિવ્યક્તિ અને અનુભવ અગત્યના છે. તમે શારીરિક મજબૂતી કે ફબેક્સિબિલીટીના લીધે અઘરા આસન કરી શકો પણ મન અસ્વસ્થ હોય, બાહ્ય દુનિયામાં જ પરોવાયેલું રહે તો એ યોગ નથી.

યોગા એ ઉમદા પ્રોફેશન છે?
યોગા એ પ્રોફેશન / બિઝનેસ નથી. યોગાને કમર્શ્યલ કરવું અનૈતિક છે. દરેક યોગા ટીચરની ફરજ છે કે આ ઉમદા કાર્ય (યોગ શીખવાડવાનું) પ્રમાણિકતાથી, કોઈ પણ પ્રલોભન આપ્યા વગર કે લાભની આશા રાખ્યા વિના પૂરી નિષ્ઠાથી કરે અને સ્ટુડન્ટ્સને યોગ ફક્ત કરવા માટે નહિ પણ જીવનમાં ઉતારવા પ્રેરિત કરે.

Most Popular

To Top