Sports

મિતાલી રાજ પુરૂષોનું વર્ચસ્વ ધરાવતી રમતમાં મહિલા ક્રિકેટને મજબૂત ઓળખ આપનારી ખેલાડી

મિતાલી રાજને એકવાર એક પત્રકારે પૂછ્યું કે તમારો ફેવરિટ પુરુષ ક્રિકેટર કોણ છે, ત્યારે મિતાલીએ તેને જવાબ આપવાના સ્થાને સામે એવો સવાલ કર્યો હતો કે શું તમે ક્યારેય કોઈ પુરુષ ક્રિકેટરને પૂછ્યું છે કે તેની ફેવરિટ મહિલા ક્રિકેટર કોણ છે. મિતાલી રાજનું આ એક જ વાક્ય તેની આખી પર્સનાલિટી દર્શાવી દે છે. આ અઠવાડિયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારી મિતાલી માત્ર વિશ્વની સૌથી વધુ રન બનાવનારી ખેલાડી નથી પણ પુરૂષોના પ્રભુત્વવાળી રમતમાં મહિલા ક્રિકેટની નવી ઓળખ આપનારી પ્રણેતાઓમાંની એક છે. બે દાયકાથી વધુની પોતાની કારકિર્દીમાં, મિતાલી રાજ મહિલા ક્રિકેટ માટે એક શક્તિશાળી અવાજ અને ઘણી પેઢીઓ માટે પ્રેરણા તરીકે ઉભરી આવી છે. ભારતમાં મહિલા ક્રિકેટને લોકપ્રિયતાની અનેરી ઉંચાઇએ લઇ જવામાં જો કોઇ એક ખેલાડીનું નામ લેવું હોય તો તે મિતાલી રાજનું લઇ શકાય એવી સિદ્ધિ તેણે ક્રિકેટમાં મેળવી છે.

મિતાલી રાજની કેરિયર કેવી સમૃદ્ધ રહી છે તેના પર એક નજર નાંખીએ તો ત્રેવીસ વર્ષની કારકિર્દી, 333 આંતરરાષ્ટ્રીય મેચો અને 10,868 રન તેની સુવર્ણ યાત્રાની વાત કરે છે. પુરૂષ ક્રિકેટમાં, સચિન તેંદુલકરે 24 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યું, જ્યારે મહિલા ક્રિકેટમાં, મિતાલીએ પણ લગભગ એટલો જ સમય પસાર કર્યો. બંનેના આંકડા કરતાં વધુ રમત પરનો તેમનો પ્રભાવ તેમને ખાસ બનાવે છે.

તેંદુલકરની જેમ મિતાલીએ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી અને ભારતીય ક્રિકેટને નવી ઊંચાઈઓ પર લઈ ગઈ. મિતાલીના પિતા દુરાઈ રાજ એરફોર્સમાં કાર્યરત હોવાના કારણે શિસ્ત જેવી બાબતો દીકરીને વારસામાં મળી હતી. સિકંદરાબાદની જોન્સ ક્રિકેટ એકેડમીમાં તેના ભાઈ અને પિતા સાથે જતી મિતાલી તેનું હોમવર્ક બાઉન્ડ્રી પાસે બેસીને કરતી અને જો તે ઈચ્છતી તો તેના બેટથી ક્રિકેટ રમતી. એકેડેમીના કોચની પારખું નજરે તે ચઢી અને માત્ર ભરતનાટ્યમ શીખી રહેલી મિતાલીએ તે પછી ક્રિકેટ પેડ પહેરીને હાથમાં બેટ પકડી લીધું. તમિલ પરિવારમાં જન્મેલી મિતાલીએ ત્રીજા ધોરણમાં જ ભરતનાટ્યમ શીખવાનું શરૂ કર્યું હતું.

તેની પરિપક્વ ટેકનિક, ક્લાસિક શોટ્સ અને આકર્ષક ફૂટવર્ક વિશે વારંવાર વાત કરવામાં આવે છે. તો તેના માટે બાળપણમાં શાસ્ત્રીય નૃત્યના પ્રેમ અને અભ્યાસે તે્માં ક્યાંકને ક્યાંક મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું કહી શકાય. ‘ફ્રી હિટઃ ધ સ્ટોરી ઑફ વિમેન્સ ક્રિકેટ ઇન ઇન્ડિયા’માં, લેખક સુપ્રિતા દાસે કોચિંગ કેમ્પમાં એકમાત્ર છોકરી હોવાને કારણે મિતાલીને પ્રથમ બેટિંગ કરવાથી કેવી રીતે ફાયદો થયો હશે તે વિશે વાત કરી છે. પ્રેક્ટિસ માટે સવારે પાંચ વાગ્યે ગ્રાઉન્ડ પહોંચેલી મિતાલી આઠ વાગ્યા સુધી ક્રિકેટ રમતી અને સાડા આઠ વાગ્યે સ્કૂલે જતી.

સ્કુલેથી પાછા આવીને ફરી પ્રેક્ટિસ અને કલાકો સુધી કર્યા કરતી..કલાકો સુધી પ્રેક્ટિસ કરવા છતાં સ્કુલમાં તેના ગ્રેડ ક્યારેય ઘટ્યા ન હતા અને કોઈપણ કાર્ય ક્યારેય અધૂરું તેણે છોડ્યું નહોતું. એ ઉંમરે જ્યારે સાથી છોકરા-છોકરીઓ ભણવામાં, પાર્ટીમાં, પ્રવાસમાં વ્યસ્ત હતા, ત્યારે મિતાલી મેદાનમાં પરસેવો પાડી રહી હતી. તેના બાળપણ અને ટીનેજર વયની યાદોમાં, કોઈ સિનેમેટિક વસ્તુઓ, મેક-અપ, રોમેન્ટિક નવલકથાઓ વગેરે નહોતા, માત્ર મેદાન, ધૂળ, બેટ, પરસેવો અને 22 યાર્ડની પીચ જ તેના માટે મહત્વ ધરાવતા હતા.. આ સખત પ્રેક્ટિસને કારણે જ એવો ભાગ્યે જ કોઈ બેટિંગ રેકોર્ડ હશે જેને તેણે સ્પર્શ્યો ન હોય. વન ડે ક્રિકેટમાં 50થી વધુ રનની સરેરાશથી વિક્રમી 7,805 રનથી લઈને સતત સાત અડધી સદી સુધી, મહિલા ક્રિકેટમાં આવા ઘણા રેકોર્ડ મિતાલીના નામે નોંધાયેલા છે.

તેના આ રેકોર્ડ એટલા માટે પણ ખાસ બને છે કે તેણે મહિલા ક્રિકેટમાં એવા સમયે ડેબ્યુ કર્યું હતું જ્યારે મેન્સ ક્રિકેટના દિવાના આ દેશમાં છોકરી માટે ક્રિકેટ રમવું હાસ્યાસ્પદ ગણાતું હતું. મિતાલીએ રેલવેના સેકન્ડ ક્લાસથી લઈને વિમાનના બિઝનેસ ક્લાસ સુધીનો પોતાનો અનુભવ જીવ્યો છે અને એ તેવી જીજીવિષા હતી કે તેણે પરિસ્થિતિ બદલાવાની રાહ જોઈ અને સતત પ્રયત્ન કર્યો. BCCIએ 2006માં મહિલા ક્રિકેટને તેની છત્રછાયામાં લઇ તો લીધું પણ મહિલા ક્રિકેટરોના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 2016માં કરવામાં આવ્યા. મિતાલીની કપ્તાની હેઠળ, ભારતીય ટીમ 2017 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી પરંતુ લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામે નવ રનથી હારી ગઈ અને મિતાલીની વર્લ્ડ કપ જીતવાની ઈચ્છા અધૂરી રહી.

મિતાલી 10 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમે છે
મિતાલીનો જન્મ રાજસ્થાનના જોધપુરમાં એક તમિલ પરિવારમાં થયો હતો. મિતાલીએ 10 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને 7 વર્ષ પછી તે ભારતીય ટીમનો હિસ્સો બની હતી. તેની પ્રથમ વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં તેણે આયર્લેન્ડ સામે સદી ફટકારી હતી. તે વર્ષ 1999 હતું જ્યારે મિતાલીએ આયર્લેન્ડ સામે 114 રનની અણનમ ઇનિંગ રમી હતી.

નાનપણમાં ક્લાસીકલ ડાન્સર બનવાનો શોખ હતો
મિતાલી રાજ નાનપણમાં ભરત નાટ્યમ નૃત્યાંગના બનવા માંગતી હતી, પરંતુ તેના પિતા, જેઓ એરફોર્સમાં ઓફિસર હતા, તેને ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહિત કરતા હતા. તે પછી ધીમે ધીમે તે આ દિશામાં આગળ વધવા લાગી. તેને પુસ્તકો વાંચવાનો પણ શોખ છે. મેચ દરમિયાન તે ઘણીવાર ડગઆઉટ અથવા પેવેલિયનમાં પુસ્તક વાંચતી જોવા મળે છે.
મિતાલીની મહાનતા તેના રેકોર્ડ દર્શાવે છે
મિતાલીએ પોતાની કારકિર્દીમાં 220 ODI મેચ રમી છે. જેમાં તેણે 7 સદી અને 59 અડધી સદીની મદદથી 51.32ની એવરેજથી 7391 રન બનાવ્યા છે. આ સિવાય તેણે 12 ટેસ્ટ મેચમાં 1 સદી અને 4 અર્ધસદીની મદદથી 43.68ની એવરેજથી 699 રન બનાવ્યા છે. T20 ઈન્ટરનેશનલ મેચોમાં મિતાલીનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ રહ્યું છે. 89 આંતરરાષ્ટ્રીય T20 મેચોમાં મિતાલીએ 37ની એવરેજથી 2364 રન બનાવ્યા છે.

બે વર્લ્ડ કપ ફાઇનલમાં સુકાન સંભાળનારી એકમાત્ર ભારતીય કેપ્ટન
પુરૂષોના વર્ચસ્વવાળા ક્રિકેટમાં મિતાલી એકમાત્ર ભારતીય કેપ્ટન (પુરુષ અથવા સ્ત્રી) છે જેણે બે અલગ-અલગ વન ડે વર્લ્ડકપ ફાઇનલમાં (2005 અને 2017) ટીમનું નેતૃત્વ કર્યું છે.
મિતાલીને બે મોટા સન્માન મળ્યા છે
તેમને 2003માં અર્જુન પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને 2015માં ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો.

ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર એકમાત્ર ભારતીય
ટેસ્ટ ક્રિકેટમાં મિતાલીનો 214 સર્વોચ્ચ સ્કોર. તે ભારતની એકમાત્ર મહિલા ક્રિકેટર છે જેણે ટેસ્ટમાં બેવડી સદી ફટકારી હોય. એકંદરે, તે આવું કરનાર સાતમી મહિલા છે.
16 વર્ષની ઉંમરે વન ડે ડેબ્યૂ અને સદી
તેણે માત્ર 16 વર્ષ અને 250 દિવસની ઉંમરે આયર્લેન્ડ સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. અહીં તેણે 114 રનની ઇનિંગ રમી હતી. તે સદી ફટકારનારી સૌથી યુવા ખેલાડી બની હતી.

Most Popular

To Top