Columns

ચાલો ચા બનાવીએ

એક અંકલ નામ હરેન્દ્રભાઈ ; ચા પીવાના એકદમ શોખીન….કોઈપણ સમયે ચા પીવાની તેઓ ના ન પાડે ..જમવા પહેલા પણ ચા પીવા તૈયાર ને જ્મ્યા બાદ પણ તેઓ ચા માટે ના ન પાડે…ચાર જગ્યાએ જાય તો જ્યાં જ્યાં ચાનો વિવેક થાય બધે જ ‘હા અડધો કપ ચાલશે..’નાં કયાંય ન પાડે. ઘરમાં બધા કહે ક્યારેક તો ચા ની ના પાડો …. હરેન્દ્રભાઈ હસીને કહે, ‘અરે ચા ની ના કોઈ દિવસ ન પડાય.’હરેન્દ્રભાઈ હંમેશા પોતાનું કામ જાતે કરે અને બીજાને મદદ કરવા હંમેશા તત્પર રહે.બધા તેમને ઓળખે. એક દિવસ એક મિત્રએ પૂછ્યું, ‘દોસ્ત, બહુ ચા સારી નહિ તું આટલી બધી ચા ન પી …ક્યારેય ચા માટે ના પડતો જ નથી.’હરેન્દ્રભાઈ કહ્યું,

‘અરે દોસ્ત ,આ ચા તો બહુ સુંદર સમજ આપે છે ચાલ હું તને ચા વિશેની સમજ સમજાવું..ચલ રસોડામાં પહેલા બે કપ ચા બનાવીએ.’પેલા મિત્રએ કહ્યું, ‘અરે દોસ્ત હું તને ચા ઓછી કરવાનું કહું છું અને તું હજી પાછી ચા બનાવીને પીવાની વાત કરે છે.’હરેન્દ્રભાઈ તેને હાથ ખેચીને રસોડામાં લઇ ગયા અને બોલ્યા, ‘જો હું રહ્યો ચા નો શોખીન અને વહેલો પણ ઉઠી જાઉં એટલે સવારની ચા હું જાતે જ બનાવું છું.આ ઉકળતી ચા મને જીવનમાં ઘણી ઉપયોગી સમજ આપે છે…સૌથી પહેલા દૂધ અને પાણીની જેમ એક મેકમાં ભળી જતા આપણે શીખવું જોઈએ.

પછી જેમ ચા ઉકળે તેમ જીવનમાં અહમ ઉકળવા દેવો જોઈએ અને પછી આપણા અહમ અને આપણી ચિંતા ને વરાળ રૂપે ઊડી જવા દેવા જોઈએ.પછી સાકર જેમ ઓગળી જાય તેમ જીવનની સુખભરી હોય કે દુઃખભરી યાદોને ઓગાળી દેવી જોઈએ.ચા માં સ્વાદ અને સુગંધ વધારવા ચા નો મસાલો અને આડું કે લીલી ચા નાખીએ તેમ જીવનને મહેકાવવા પ્રેમ અને સ્નેહ બધા સાથે વહેંચતા રહેવું જોઈએ અને છેલ્લે ચા તૈયાર થઇ જાય એટલે ગરણીમાંથી ગાળીએ તેમ જીવનમાં પણ થયેલી ભૂલોને ગરણીથી ગાળી લઈએ તો લહેજતદાર ચા ના કપની જેમ જીવનમાં ખુશીઓનો આનંદ લઈ શકીએ.’આમ આવી સુંદર ચા અને જીવનની તુલના કરતા કરતા હરેન્દ્રભાઈ ચાના બે કપ બનાવી લીધા અને મિત્રને કહ્યું, ‘ચલ હવે સાથે મળીને ચા પીવાનો આનંદ લઈએ.જેમ ચા બને છે તેવી રીતે જીવન પણ બનાવીએ.’મિત્રએ ચા પીતાં પીતાં કહ્યું, ‘વાહ દોસ્ત, હવે હું પણ જેમ ચા બનાવીએ તેમ જીવન પણ બનાવીશ અને લહેજતદાર ચા અને ખુશીઓનો આનંદ લઈશ.’
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top