Business

રતન તાતા જોડેથી શીખવું જોઈએ સંવાદ કરવાની કળા

તાતા ગ્રુપના માંધાતા અને ગ્રુપને નવી ઊંચાઈએ પહોંચાડનાર રતન તાતા તેમની મૃદુ વાણી માટે દેશવિદેશમાં પ્રખ્યાત છે. રતન તાતાએ જયારે તાતા ગ્રુપનો કાર્યભાર સંભાળ્યો ત્યારે જ તેમને ઇફેક્ટીવ કોમ્યુનિકેશન વિષે આગવો ખ્યાલ હતો. જયારે તેઓ તેમની પહેલી ઇન્વેસ્ટર મિટને ઉદ્દેશી રહ્યા હતા ત્યારે જે રીતે તેમણે આમંત્રિતોને સંબોધવાનું શરૂ કર્યું તે જ વખતે લોકોને તેમની મૃદુ વાણી અને સ્પષ્ટ વિચારોનો ખ્યાલ આવી ગયો હતો. રતન તાતા ચોક્કસ માનતા કે તમારો સંવાદ તમારા વિચારોનું પ્રતિબિંબ છે. તમે કેવું કોમ્યુનિકેશન કરો છે તેના ઉપરથી મોટા ભાગના તમારા સ્ટોક હોલ્ડર અંદાજો બાંધે છે. તમે તમારા કામમાં કોઈ જગ્યાએ સમાધાન ન કરો પરંતુ તમારી વાતચીત વિનમ્રતાથી કરો.

રતન તાતા માને છે કે તમે જયારે વિનમ્રતાથી વાત કરો છો ત્યારે અડધી બાજી તો વાત કરતા પહેલાં જ જીતાઈ જાય છે. બહુ સ્પષ્ટ, વિનમ્રતાથી વાત કરવાથી સામી વ્યક્તિને તમારા પ્રત્યે સાચો અહોભાવ પ્રગટ થાય છે. જ્યારે તમારે મોટા ગ્રુપ કે સમૂહમાં વાત કરવાની હોય ત્યારે તમારી ઓછું, મુદ્દાસર અને સ્પષ્ટ બોલવાની રીતથી તમે ગ્રુપ પર સારો એવો પ્રભાવ પાડી શકો છો. તમારી વાતચીત કરવાની કળા એ જ તમારું પ્રતિબિંબ છે. તમારી ઓળખ તમે કેવું બોલો છો તે આધારે જ નક્કી થાય છે. એક ઉદાહરણ જોઈએ

ભારતની ટોપ 10 સંસ્થામાંથી મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ થયેલા એક ઉત્સાહી યુવાનનો એક કંપનીના વડા જોડે ઈન્ટરવ્યૂ ગોઠવવામાં આવ્યો. યુવાનનો બાયોડેટા ખાસ્સો ઇમ્પ્રેસિવ હતો. કંપનીના વડા પણ યુવાનની તેજસ્વિતા અને અભ્યાસથી પ્રભાવિત થયા હતા. ઈન્ટરવ્યૂની શરૂઆત સારી થઇ પરંતુ યુવાનની વધારે પડતું બોલવાની આદતને લીધે પહેલી પાંચ મિનિટ પછી જ કંપનીના વડાને ખબર પડી ગઈ કે આ રાઇટ કેન્ડીડેટ નથી. યુવાન ઉસ્તાહી અને અભ્યાસુ હતો પરંતુ કંપનીના વડાના ચોક્કસ પ્રશ્ન અને માહિતી મેળવાની પરીક્ષામાંથી તે નાપાસ થઇ ગયો. આવું કેમ થયું તે વિચારીએ તો ખબર પડે કે કારણ એક જ છે, કોમ્યુનિકેશન સ્કીલ્સ .

સંવાદ એ એક વિશેષ સ્કીલ છે. સારા સવાંદથી તમારી પર્સનાલિટી કેવી છે તેનો ખ્યાલ આવે છે. મેનેજમેન્ટમાં એવું કહેવાય છે કે તમારી સફળતાનો આધાર તમારી  વાતચીત કરવાની સ્કીલ્સ કેવી છે તેના પર 80 % થી ઉપર રહેલો છે. જયારે 20 % જ તમારા નોલેજ અને ટેક્નિકલ સ્કીલ્સ પર આધાર રાખે છે. કોમ્યુનિકેશનનું મહત્ત્વ અનેરું રહેલું છે. તમારા કોમ્યુનિકેશનથી તમારા વિચારો, તમારી ક્રિયેટીવીટી અને તમારામાં કેટલું કૌવત રહેલું છે તેનો અંદાજ બાંધવામાં આવે છે. કોમ્યુનિકેશનમાં ત્રણ બાબતો ખૂબ જ મહત્ત્વની છે.

રતન તાતાને જયારે કોમ્યુનિકેશન વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તમે જયારે સંવાદ કરતા હોવ ત્યારે ઘાંટા ન પાડો, ધીરે બોલો. તમારો અવાજ સ્પષ્ટ અને લોકોને સંભળાય તેવો હોવો જોઈએ. તમારું કોમ્યુનિકેશન સામાવાળાના કાનને ગમે તેવું હોવું જોઈએ, મધુર હોવું જોઈએ. તમારો સંવાદ ધીમો, મધુર અને સ્પષ્ટ હોવો જોઈએ અને સાંભળનારને સારી કમ્ફર્ટ આપતો હોવો જોઈએ. તેવી જ રીતે વધારે પડતું બોલવા કરતાં હંમેશાં પોઈન્ટવાઈઝ જો કોઈ બાબત વિષે સમજાવવામાં આવે તો ખૂબ સરળતાથી કોઈને પણ સમજાવી શકાય છે. એકની એક વાત વધારે વખત રીપીટ કરવાથી બહુ ફરક પડતો નથી એટલું જ નહિ પરંતુ તમારી મૂર્ખાઈનું પ્રદર્શન પણ થાય છે. આથી ધીમે બોલવાની સાથે, જોઈએ એટલું જ એટલે કે ઓછું પોઈન્ટવાઈઝ તમારી વાત સ્પષ્ટતાથી કરવી જોઈએ.

ઘણા માણસોને મારી વાત કરવાની આદત બહુ સીધી છે, તે બહાના હેઠળ બહુ કડવું બોલવાની આદત હોય છે. આવા માણસો કડવું બોલતા હોય છે અને તેમની વાત મોટા ભાગની વ્યક્તિને ઈન્સલ્ટ લાગતી હોય છે. તમે સાચું અને સરળ પડે એ બોલો પણ સાથે સાથે મીઠું બોલો. તમે કોઈના ખોટા વખાણ ન કરો પરંતુ મીઠું બોલો, જે સરળ હોય અને સ્પષ્ટ હોય. કોઈ કડવી વાત કહેવી હોય તો પણ સારી રીતે મીઠાશથી કહો કે કોઈને ખરાબ ન લાગે. ઓછું બોલો, ધીમે બોલો અને મીઠું બોલવાની કળા જો તમે કેળવો તો તમારા કોમ્યુનિકેશનમાં નવો નિખાર લાવી શકશો.
ubhavesh@hotmail.com

Most Popular

To Top